અમદાવાદ,
ગેરકાયદે બાંધકામ મુદ્દે નીમવામાં આવેલી જસ્ટીસ કમલ મહેતા કમિટી દ્વારા શહેરમાં થયેલા ગેરકાયદે બાંધકામોના ઇમ્પેક્ટ ફીના દફ્તરે થઇ ગયેલા કેસોમાં ફરી એક વખત તક આપવાનો નિર્ણય એક મહિના પહેલા લેવામાં આવ્યો હતો. જોકે ચાર-પાંચ દિવસ પહેલા એક કેસમાં હાઇકોર્ટના ઘ્યાનમાં આ નિર્ણય આવતાં કોર્ટે એક વખત ઇમ્પેક્ટ ફીનો કાયદો સમાપ્ત થઇ ગયા પછી ફરીથી બાંધકામો કાયદેસર ન થઇ શકે તેવો સવાલ ઉઠાવીને મ્યુનિ.ને આ મુદ્દે નાગરિકોને જાણ કરવા જણાવ્યું હતું. આ નિર્ણયને પગલે સાત વર્ષ બાદ, છેલ્લા એક મહિનાથી ઘૂણી રહેલું ઇમ્પેક્ટ ફીનું ભૂત શાંત થઇ ગયું છે.
અમદાવાદમાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે ૨૦૦૧માં ધી ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ (ગૃડા) આવ્યો હતો. જેને ૨૦૦૩માં એમેન્ડ કરાયો હતો. આ એક્ટ અંતર્ગત અમદાવાદમાં ગેરકાયદે બાંધકામો કાયદેસર કરવા માટે ૮,૦૦૦ જેટલી અરજી આવી હતી. જેમાંથી આશરે ૨૫૦૦ને જ તે સમયે મંજૂર કરવામાં આવી હતી. બાકીની અરજી સમયપૂર્તતા, સુધારા ન કરવાના અને ્અન્ય શરતોનું પાલન ન થતું હોઇ દફ્તરે કરવામાં આવી હતી. જેના પગલે તે બાંધકામોને ૨૬૦ની કલમ હેઠળ તોડી નાખવા પડે. એટલું જ નહીં, આજે પણ પુષ્કળ બાંધકામો નવા બની રહ્યા છે. ગેરકાયદે બાંધકામોની ગંભીર અને રાજકિય સમસ્યાને પગલે તે મુદ્દે કોર્ટે જસ્ટીસ કમલ મહેતા કમિટીનું ગઠ કર્યું હતું. એક મહિના પહેલા ૬ ઓગસ્ટના રોજ કમલ મહેતા કમિટીમાં ઇમ્પેક્ટ ફીમાં દફ્તરે થઇ ગયેલા કેસમાં અરજદારને છેલ્લી એક તક આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયના પગલે મ્યુનિ.એ છેલ્લા એક મહિનામાં ધડાધડ ૩,૦૦૦ જેટલી નોટિસો આપીને ઇમ્પેક્ટ ફીના દફ્તરે થઇ ગયેલા કેસોમાં ફરી એક તક આપી હતી.
આ નોટિસોને પગલે ગેરકાયદે બાંધકામો કરનારા અને બીલ્ડરોમાં આશા બંધાઇ હતી કે શરતોનું પાલન થાય તો તેમના ઘર-દુકાનો તૂટવાથી બચી શકે છે. જોકે મ્યુનિ.એ આજરોજ એક જાહેરખબર આપીને આ આશા પર પાણી ફેરવી દીઘું હતું. મ્યુનિ.આ જાહેરખબરમાં જણાવ્યું છે કે, ઇમ્પેક્ટ ફીના કાયદો પૂરો થઇ ગયો હોવાથી હવે અંતિમ તક આપવાનો સવાલ નથી. માટે બાંધકામ નિયમિત કરવાની કાર્યવાહી કરવાની રહેતી નથી. આ બાબતે ડેપ્યુટી કમિશનર યુ.સી.પડિયાને પૂછાતાં તેમણે જણાવ્યું હતું કે, કમલ મહેતા કમિટીના ેગેરકાયદે બાંધકામ મુદ્દે તક આપવાનો નિર્ણય એક કેસમાં હાઇકોર્ટને ઘ્યાનમાં આવ્યો હતો. ઇમ્પેક્ટ ફીના કાયદાની સમયમર્યાદા પૂરી થતી હોઇ કોર્ટને તેને ફરીથી કાયદેસર કરવાની તક આપવી અયોગ્ય લાગતાં નાગરિકોને જાણ કરવા માટે કહ્યું હતું. જેથી અમે નાગરિકોને જાણ કરી છે. આ નિર્ણયથી છેલ્લી તકની નોટિસોનું કોઇ વજૂદ રહેતું નથી.
|