મુંબઈ - વીતેલા વર્ષોની ખ્યાતનામ અભિનેત્રી સાધનાએ બિલ્ડર વિરુદ્ધ કનડગતની ફરિયાદ નોંધાવ્યા બાદ હવે પોલીસ રક્ષણની માગણી કરી છે. સાંતાક્રુઝમાં સંગીતા બંગલોમાં રહેતી સાધનાએ ત્રણ અઠવાડીયા પહેલાં બિલ્ડર યુસુફ લાકડાવાળા વિરુદ્ધ એવી ફરિયાદ નોંધાવી હતી કે ઘર ખાલી કરાવવા માટે તે કનડગત કરે છે અને ધાકધમકી પણ આપે છે. આજે સાધનાએ એવી ફરિયાદ કરી હતી કે તેના બંગલા ઉપર પથ્થરો ફેંકવામાં આવ્યાં હતાં.
ભવ્ય ભૂતકાળ અને વસમા વર્તમાનકાળમાં જીવતી સાધનાએ જણાવ્યું હતું કે ગયા મહિને જ મેં બિલ્ડર યુસુફ લાકડાવાલા સામે ફરિયાદ નોંધાવી હતી. મારું ઘર ખાલી કરાવવા માટે લાકડાવાલાએ ધાકધમકી આપતા મારે પોલીસમાં જવું પડયું હતું. પોલીસમાં એફઆઈઆર નોંધાવ્યા પછી પણ મને હેરાન કરવા માટે અને ડરાવવા માટે ઘર ઉપર પથ્થરો ફેંકવામાં આવ્યાં હતાં.
૬૮ વર્ષની જૈફ ઉંમરની સાધનાને લઈને ભાજપની મહિલા કાર્યકર શાયના એન.સી. પોલીસ સ્ટેશનમાં આવી હતી. શાયનાએ જણાવ્યું હતું કે સાધના નય્યર સિનિયર સિટિઝન છે અને સાવ એકલા જ રહે છે એટલે તેમને પોલીસ રક્ષણ આપવાની માગણી કરી છે. સાંતાક્રુઝમાં આવેલા સાધનાના બંગલાના માલિક મશહૂર પાર્શ્વગાયિકા આશા ભોંસલે છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં સાધના રહે છે. પહેલે માળે મરહૂમ અભિનેત્રી નાઝ રહેતી હતી. જ્યારે ઉપરના માળે યુસુફ લાકડાવાલા રહે છે. ત્રણ સપ્તાહ અગાઉ જ્યારે સાધનાએ લાકડાવાલા સામે આક્ષેપ કર્યો હતો ત્યારે એમણે ખુલાસો કર્યો હતો કે સાધના જેમ ભાડૂત છે એમ હું પણ ભાડૂત છું. પછી હું કઈ રીતે જગ્યા ખાલી કરાવવા માટે તેને ધમકાવી શકું?
મુંબઈના પોલીસ કમિશનર સંજીવ દયાળે જણાવ્યું હતું કે સાધનાની કનડગત કરાવવાળા સામે અમે ઘટતાં પગલાં લેશું. લાકડાવાલા હેરાનગતી કરે છે એવો સાધનાનો આક્ષેપ છે. આ બાબત તપાસ ચાલુ છે. ગઈ ૧૩મી ઓગસ્ટે સાધનાએ પોલીસમાં એવી ફરિયાદ કરી હતી કે લાકડાવાલાએ ૩૦૦૦ ચોરસ ફૂટની જગ્યા ખાલી કરાવવાના ઈરાદે તેને મોતની ધમકી આપી હતી.
આરઝૂ, મેરા સાયા, અનિતા, વહ કૌન થી, રાજકુમાર અને એક મુસાફીર એક હસીના સહિત અનેક હિટ ફિલ્મોમાં યાદગાર અભિનય આપી ચૂકેલી સાધનાએ ફિલ્મ નિર્માતા આર.કે. નય્યર સાથે લગ્ન કર્યા હતા. વધતી ઉંમર અને નાદુરસ્ત તબિયતને લીધે બોલીવૂડમાંથી સ્વૈચ્છિક નિવૃત્તી લઈ લીધી હતી. પતિના મૃત્યુ બાદ સાધના એકલવાયું જીવન જીવે છે.
સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ગયા મહિને સાધનાના ઘરમાં પાણી બરાબર નહોતું આવતું. આથી અગાસીની ટાંકીમાં શું વાંધો છે એ ચેક કરવા તેણે પોતાની સેક્રેટરી ફ્લોરાને ઉપર મોકલી હતી. પણ લાકડાવાલાએ તેને અગાસીમાં જવા નહોતી દીધી એવી સાધનાએ ફરિયાદ કરી હતી. સાધનાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે લાકડાવાલા જગ્યા ખાલી કરાવવા માટે કનડગત કરે છે.
સાંતાક્રુઝના સિનિયર ઈન્સ્પેક્ટર એમ.પી. ચૌધરીએ આપેલી માહિતી મુજબ થોડા દિવસ પહેલા યુસુફ લાકડાવાલાની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે હજી સુધી આ મામલે કોઈની ધરપકડ નથી થઈ. જરૃર પડશે તો લાકડાવાલાને ફરીથી બોલાવશું.
|