લેખકના મનમાં પ્રસૂતિ થાય ત્યારે કાલ્પનિક પાત્રનો જન્મ થતો હોય છે. આપણો 'કોમનમેન' આવી જ પ્રસૂતિનું પરિણામ છે ! નવ મહિના પહેલા, કોમનમેન v/s સુપરમેન નામના લેખમાં રોપાયેલું કોમનમેન નામનું બીજ મનની અંદર ફૂલ્યું-ફાલ્યું છે. ચમત્કાર થયો છે, કોમનમેન એની સાથે બીજા બે, ભાઈ-બ્હેનને પણ લઈ આવ્યો છે. કીચનલેડી અને કન્ટ્રીબોય !! મનમાં જન્મેલી આ ત્રોડીયા પ્રસુતિની, પ્રસ્તુતિ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું.
આપણો 'કોમનમેન' ત્રણ ભાઈ-બ્હેનમાં સૌથી મોટો છે. સૂપરમેનથી મારફાડ છે ! અને સ્પાઈડરમેનથી પણ વધારે ચીટકુ છે ! પગમાં પહેરેલી સ્લીપર, એની તાકાત છે. સ્લીપર એને દીવાલ પર ચોંટીને ચાલવામાં મદદ કરે છે ! આપણો કોમનમેન દીવાલ પર, જમીનની જેમ જ ટટ્ટાર ચાલી શકે છે. પગમાં એણે ફાટેલું જીન્સ પહેર્યું છે. આ ફાટેલું જીન્સ આપણને હંમેશા યાદ અપાવશે કે, એ ગરીબ જીન્સનું પરિણામ છે !! જીન્સની ઉપર એણે ફાટેલું સફેદ રંગનું ગંજી પહેર્યું છે ! સૂપરમેનમાં જેમ પેટના ભાગમાં 'એસ' લખેલો હોય છે. એમ, આપણા કોમનમેનનું ગંજી 'સી' આકારમાં જ ફાટેલું હશે ! ફાટેલા સી, આકારમાંથી એનું પેટ સ્પષ્ટ દેખાતું હશે ! કોમનમેન એની તાકાત, એ ફાટેલા ગંજીમાં આંગળી ગોઠવીને મેળવતો રહેશે ! એના ગળામાં અનાજ-કરિયાણાનો થેલો લટકેલો હશે ! સૂપરમેનની પાછળ જેમ ચાદર લટકેલી હોય છે, બસ ! એમ જ, આપણા કોમનમેનની પાછળ, સફેદ કલરનો, અસ્તર મારેલો અનાજ-કરિયાણાનો થેલો હવામાં લહેરાતો રહેશે ! આ થેલામાં, બંડીની અંદર હોય એવા બે છૂપા ખાના હશે. એક ખાનામાં, ખાંડની નાની ડબ્બી ને બીજા ખાનામાં મીઠાની ડબ્બી હંમેશ, માટે છૂપાયેલી રહેશે ! પ્રજામાં થતી બ્લડપ્રેશરની વધઘટ પર, આપણા કોમનમેનની, બન્ને ડબ્બીઓ કંટ્રોલ કરશે ! પ્રેશરમાં ખાંડ અને મીઠું, કંટ્રોલ કરતું હોય છે ! એ વાત અલગ છે કે, ખાંડ અને મીઠાના ભાવને કારણે પ્રજાના પ્રેશરમાં બ્લડ-સ્ખલનો થવા લાગ્યા છે ! લાઈફ, આઉટ ઑફ કંટ્રોલ થઈ જાય ત્યારે, કોમનમેનને યાદ કરજો ! એ, લાઈફને કંટ્રોલ કરવા આવી પહોંચશે !
કોમનમેનને, બોલાવવો કેમનો ? સીમ્પલ ! કોમનમેન, સૂપરમેન જેટલો અઘરો નથી. સાવ, સાદી અને સીધી પદ્ધતિથી એ હાજર થઈ જશે ! તમારે ધોળે દહાડે આકાશમાં જોવાનું રહેશે ! ધોળે દડાહે તારા દેખતા હોવ, એ રીતે આકાશમાં જોશો એટલે કોમનમેન, હાજર !! ચાંદ અને તારા, દરેક કોમન-કોમના હોય છે ! આપણો, કોમનમેન પણ દરેક કોમ, માટે જન્મેલો સમજશો. પ્રજા કોઈપણ કોમની હોય, દરેકને ધોળે દિવસે તારા દેખવા જ પડે છે ! ચાંદની વધ-ઘટ, ભાવની વધ-ઘટ કરતાં વધારે શાંતિ આપે છે ! દરેક કોમ, ચાંદને જુએ જ છે. બસ ! એમ જ, ધોળે દિવસે ચાંદો શોધતા હોય એમ આકાશમાં જોવાથી, કોમનમેન પ્રગટ થઈ જશે ! અને હા ! કોમનમેનનું ઊચ્ચારણ, આપણે કોમ-નમેન ! કરવાનું રહેશે !! આકાશને દરેક કોમ નમે છે, આપણો કોમ-નમે ન ! પણ, નમનનું રીઝલ્ટ આપશે ! કોમનમેન, ભ્રષ્ટાચારને આચારની જેમ ખાઈ જવાનો છે ! (બીજુ ખાય શું ?!) બહેરા કાનમાં જુદા-જુદા આકારની માચીસની સળીઓ નાંખવાનો છે ! એની પાસે જાદુઈ માચીસ છે ! જેની, સળીઓ પ્રજાનો અવાજ, તંત્ર સુધી પહોંચાડશે ! કોમનમેનને બોલાવવા માટેનો એક મંત્ર પણ તૈયાર કર્યો છે ! જે, સ્પાઈડરમેન, કાર્ટુન સીરીઝના ટાઈટલ સોંગમાં ગવાતા, રાગમાં ગાઈ શકો છો !! (ગરબાનો રાગ સેટ થાય તો, તાત્કાલીક જણાવશો !) કોમનમેનને બોલાવવાનો મંત્ર, કંઈક આ મુજબ છે !
'કોમનમેન, કોમ-નમે ન !!,
કોણ જાણે કઈ કોમનો મેન ?!'
જીવનમાં જ્યારે આવે, પેઈન !
આંખોમાં છલકે આંસુના, રેઈન !!
ત્યારે, યાદ કરજો, એ આવશે,
ચાર પાંખવાળો લઈને ફેન !!
ભ્રષ્ટ હોય કે, ત્રસ્ત હોય,
દેશપ્રેમ, જબરજસ્ત હોય !!
ખાંડ, વગરની ચા, હોય !
ને મીઠા વગરનો સત્યાગ્રહ હોય !!
લાવશે, સુગરકેઈન-એ !
હપ્તે-હપ્તે લઈને, સુખ-ચેન !!
કોમનમેન, કોમ-નમે ન !! (આવે, નહીં ત્યાં સુધી, ગાવું !!)
યાદ, રાખજો મિત્રો ! આપણા કોમનમેનનો, પાવર છે, મૂંઝવણ ! મોટી મૂંઝવણ ! નાની મૂંઝવણ ! ખંજવાળ આવે એવી મૂંઝવણ ! ચામડી છોલાઈ જાય એટલી મૂંઝવણ !! કોમનમેન, હાજર થશે પછી મૂંઝાશે ! બાલમંદિરમાં સત્તર વાર ફેલ થયો હોય એવો બાબૂ-ચક ! દેખાશે પણ, થોડીક સેકંડમાં એ મૂંઝવણના ફના-ફાતીયા કરી નાંખશે ! કોઈની પણ મદદ વગર ! યાદ રાખજો, કોમનમેનને ક્યારેય પણ કોઈની જરૃર નથી પડવાની ! કારણ કે, એને કોઈએ પણ, ક્યારેય પણ જરૃર પૂરી પાડી જ નથી ! પરિણામે, એની જરૃરિયાતો એને જાતે જ પૂરી કરતાં આવડી ગઈ છે ! એ મૂંઝાશે કે આવશે ત્યારે એના વાળની લટ પ્રશ્ચનાર્થ આકારમાં દેખાશે ને પછી, મીશન પૂરા થાય ત્યારે આશ્ચર્યના આકારમાં ફેરવાઈ જશે ! કપાળ પર, પૂર્ણવિરામ જેવો ચાંદલો હંમેશા ચોંટેલો હશે ! પ્રશ્નાર્થને આશ્ચર્યમાં ફેરવવામાં આ પૂર્ણવિરામ, મદદ કરશે !!
અથાણાની બરણી નથી ખૂલતી ! 'કે, ટ્રાફિક પોલીસે સાયકલનું લાયસન્સ માંગ્યું.' બોલાવો આપણા કોમનમેનને ! પ્રશ્નાર્થ જનક ઘટનાઓના, આપણો કોમનમેન આશ્ચર્યજનક પરિણામો લાવશે ! આ પરિણામો માટે કીચનલેડી, કોમનમેનની મદદ કરશે ! કીચનને લગતાં, પતિને લગતાં કે રોડરોમીયોનો ઈલાજ કરવા કીચનલેડી હાજર થશે !! કન્ટ્રીબોય, નાનાં બાળકો અને સાવ જ કન્ટ્રી રીતે જીવતાં, આપણી કન્ટ્રીનાં બાળકોની મદદ કરશે ! એ હંમેશાં ઝાડ નીચે (ટ્રી નીચે !) બેઠેલો હશે ! એના એક હાથમાં લીમડાની ડાળી ઝૂલતી હશે ! ને, બીજા હાથમાં પાટી-પેન !! આ, પાટીની પેન કોઈ પોલીટીકલ પાર્ટીની નહીં હોય ! જાદૂઈ હશે ! કન્ટ્રીના બોયની મૂંઝવણનો ઉકેલ આપણો કન્ટ્રી બોય ! જાદૂઈ પેનની મદદથી સ્લેટ ઉપર લખતો રહેશે ! આ સ્લેટનો એક પ્રોબલેમ હશે ! એ રાત્રે કામ નહીં કરે ! કન્ટ્રીના, કન્ટ્રી બોયસની જેમ દિવસે જ કામ કરશે !! સ્લેટ પર આવતા ઉકેલો કોમનમેનના મગજમાં લખાતા હશે ! હકીકતમાં, કન્ટ્રીબોયની જાદૂઈ સ્લેટ પર કોમનમેન જ ઉકેલ આપતો હશે ! કીચનલેડી અને કન્ટ્રીબોયના ઉકેલોનો હીરો તો કોમનમેન જ હશે !
કોમનમેનનો પાવર છે, ચાંદ અને તારા !! કીચનલેડીનો પાવર હશે, કમરમાં લટકતી જાદૂઈ ચાવીનો ઝૂડો !! આપણી કીચનલેડી ભલભલાને ઝૂડી નાંખશે ! કન્ટ્રીબોયનો પાવર હશે, જાદૂઈ સ્લેટ અને પેન !! મૂંઝવણનો અંત લાવશે આપણા આ, થ્રી બ્રધર-સીસ્ટર્સ !
પણ, હા ! જે દિવસે આ ત્રણમાંથી કોઈપણ એક ભાઈ કે બ્હેન, કોઈ પોલીટીકલ પાર્ટીમાં જોડાયું કે જોડાઈ જવાનું વિચારશે કે કોઈપણ પ્રકારનો પોલીટીકલ પાર્ટીનો સીમ્બોલ જોઈ લેશે તો એનો પાવર, તરત જ ગાયબ થઈ જશે ! ફરીથી પાવર લાવવા માટે, પૂનમના ચાંદ જેટલી રાહ જોવી પડશે !! કાળા ચશ્મા પહેરી રાખશે તો, કોઈપણ પાર્ટીનો સીમ્બોલ અસર નહી કરે !
એક ખેડૂત, જમીનને ખવડાવવાનું ઝેરી ખાતર ખાઈને આપઘાત કરવા ગયો ! એનાથી ભૂલમાં આકાશ તરફ જોવાઈ ગયું ને કોમનમેન હાજર થઈ ગયો ! એણે, ખાતરમાં ભેળસેળ કરી નાંખી ! બોલો ! ખેડૂત તો મર્યો જ નહીં ! ખાલી ! ટાઈફોઈડ જ થયો !! પેટમાં એક છોડ ઊગ્યો છે ! આશાનો છોડ !! તો મળતા રહીશું ક્યારેક-ક્યારેક ! હપ્તે-હપ્તે ! હપ્તાના મેન, કોમનમેનને !
- મંગલ દેસાઈ |
|