Last Update : 05-Sept.-2010, Sunday
જે દુકાનમાંથી ઘરાકને ‘સુવાસ’ નથી આવતી, તે દુકાનનાં પાટિયાં પડી જતાં વાર નથી લાગતી !- જવલંત શેઠ
ઝાકળઝંઝા - પરાજિત પટેલ
 
‘બિચ્ચારા જ્વલંતભાઈ !’
જ્વલંતભાઈ એટલે જ્વલંત શેઠ. અટક પણ ‘શેઠ’ અને ધંધામાં પણ ‘શેઠ’... ! માત્ર ‘શેઠ’ કહો તો ય તાલુકા મથકના આ શહેરમાં વસનારાં નાનાં છોકરાં પણ ઓળખી જાય ! ને જ્વલંત શેઠની ત્યારે જાહોજલાલી હતી ! કાપડનો બીઝનેસ. કાપડ ગમે તે માગો, શેઠ તરત જ હાજર કરી દે. આખાય શહેરમાં ક્યાંય ન મળે એ કાપડ જ્વલંત શેઠના વસ્ત્ર ભંડારમાં મળે. અમદાવાદથી માંડ પચીસ કિલોમીટર દૂરના આ નાનકડા નગરમાં જ્વલંત શેઠનો ‘વટ’ હતો, તો વ્યવહાર એમનો ચોખ્ખો ને ‘ચટ’ હતો ! આસપાસના પંથકનાં વીસ જેટલાં ગામડાંના લોકોની એમને ત્યાં ‘ઘરાકવટી !’ લગ્ન લીધાં છે ? ચિંતા ન કરો, દરબાર ! જે જોઈએ તે લઈ જાવ ! દીકરીનું આણું વાળવાનું છે ? ડોન્ટ વરી, આ જ્વલંત શેઠ હજી બાર વરસનો બેઠો છે ! ઘરમાં કોઈ રૂડો પ્રસંગ આવ્યો છે ? તો ઉદાસ કેમ થઈ ગયા છો ? લઈ જાવ જોઈએ તેટલું કાપડ. રેડીમેડ પણ છે ને તાકાના તાકા ભરાય એટલું કાપડ પણ છે !
‘એ આવો, આવો, પટેલ ! ભલાં તમારાં પગલાં અમારે ત્યાં પડ્યાં ? દીકરીનાં લગ્ન લીધાં છે કે શું ? એમાં થઈ શું ગયું ? જ્વલંત શેઠ આ શહેરમાં હજી જીવતો જાગતો બેઠો છે. લઈ જાવ જે જોઈએ તે. ને જુઓ પટેલ ! રોકડાની જરૂર હોય તો પણ કહેજો ! તમે તો અમારા કાયમી ઘરાક. તમે મુસીબતમાં હોવ ને હું જોઈ રહું એવું બને ખરૂં ?’
જ્વલંત શેઠની આ જ તો સ્ટાઈલ હતી. હસતાં હસતાં વાત કરવાની. વચ્ચે વચ્ચે તકિયા કલામ જેવા બે શબ્દો તો આવે જ ઃ ‘ચિંતા ન કરો !’
ચિંતા છોડો, આવો જ્વલંત શેઠને ત્યાં. શહેર જેવું શહેર છે. મોટું બજાર છે ઃ હોટલો છે, તો લોજોય છે. કચકચાવીને ધંધો કરનારાય છે, તો કસવાળા ઘરાક પાસેથી ‘મલાઈ’ તારવી લેનારા ય છે. બધા કંઈ ‘જ્વલંત શેઠ’ નથી હોતા ! ચોપડો ચીતરનારાય છે, ને અંગૂઠો પડાવીને ‘પડાવી’ લેનારાય છે !
પણ જ્વલંત શેઠ જુદી જ માટીના માણસ છે. આમ જુઓ સાવ સાદા ને સાવ સરળ. સાંકડી મોરીનો લેંધો, ને ઉપર સહેજ બદામી કલરનો ઝભ્ભો. ગળામાં ચળકતી હોય સોનાની ચેઈન. કાંડે ઘડિયાળ, ને પગમાં મોજાં. આંખો પર લીલી ઝાંયવાળા કાચનાં ચશ્માં ! જીભ ઉપર મધના લોટા. આમેય જ્વલંત શેઠને કારેલાનું શાક ભાવતું નથી. એટલે કડવાશનો છાંટો ય ન મળે. થોડેક દૂર રેલ્વે સ્ટેશન છે. ને સ્ટેશનના નાસ્તાની દુકાનનાં ભરેલાં મરચાંવાળાં ભજીયાં શેઠને બહુ ભાવે. કોઈ આવે એટલે આવકાર આપીને જોડે બેસાડે, ને નોકર જીવલાને હુકમ કરે ઃ ‘જીવલા, સાયકલ લઈને ઊપડ સ્ટેશને. પાંચસો ગ્રામ ભજીયાં લઈ આવ. આમ બાઘાની જેમ તાકે છે શું ? જોતો નથી, ગલુદણના મુખી આવ્યા છે તે ! લે આ પચાસની નોટ ? ને ઝટ ઊપડ’ ને જીવલો હજી તો સાયકલ પર અસવાર થયો પણ ન હોય શેઠની બીજી બૂમ પડે ઃ ‘કોથમીરની લીલી ચટણી ને મરચાં બંધાવતો આવજે !’ ઘરાક ગલુદણનું હોય કે અમારા ભાઈના મુવાડાનું, પાલૈયા ગામનું હોય કે મગોડીનું, આવનાર ઘરાકનું માન પૂરેપૂરૂં જાળવવાનું. એ કહે ઃ ‘ઘરાક તો દુકાનનો આત્મા છે. શેઠ લીલા છમ્મ રહે ને દુકાન ધમધોકાર તો જ ચાલે કે જ્યારે ઘરાકને અદકો આદર અપાય. વેપારી માટે ઘરાક એના ભગવાન કહેવાય. ને ભગવાનને તો આદર જ અપાય !’
વાત એમની સાવ સાચી, ને જગતના તમામ વેપારીઓએ એમનાં આ વાક્યો તકતી પર ચીતરાવીને સામેની દિવાલ પર લટકાવવાં જોઈએ ! વેપારનો તો કોઈ પાર નથી, પણ વેપાર ‘અપાર કસવાળો’ બનાવવો હોય તો ‘ઘરાક’ને કેન્દ્રમાં રાખવો જ પડે ! કદાચ જ્વલંત શેઠ માંડ સાત ધોરણ સુધી ભણ્યા હશે, પણ એમનું ગણતર ભલભલા ‘ભણેશરીઓ’ને ય ગોથાં ખવડાવી દે એવું. તાકાના તાકા ફાડવાના. એક સેન્ટિમીટર જેટલુંય ઓછું કાપડ ન મળે ! એ કહેતાં ઃ ‘ધંધાને ધમધમતો કરવો હશે તો બે વાનાં શીખવાં જ પડશે ઃ એક, ઇમાનદારી. બીજું ઃ મીઠી જબાન ! લાંબી લચ્ચ ચોપડી લખતાં તો એમને ન આવડે, પણ જગતના ટોચના ઉદ્યોગગૃહોનાં ખેરખાં પણ મોઢામાં આંગળાં નાખી જાય એવી એમનામાં કુનેહ ! અને એટલે જ તો બીજી દુકાનોમાં માંખીઓ ઉડાઉડ કરતી હોય ત્યારે જ્વલંત શેઠના વસ્ત્ર ભંડારમાં ઘરાકોનાં ટોળાં બેઠાં હોય !’
ચાવાળાને ચા.
નાસ્તાવાળાને નાસ્તો.
ને ઘરાક ખૂબ દૂરથી એટલે કે નાંદોલ કે ધારીસણાથી આવ્યો હોય ને ભાણે ખપતો હોય તો જમીને જવાનો આગ્રહ પણ કરે ! સફળ બીઝનેસની ચાવીરૂપ સાયકોલોજી એમની જીભને ટેરવે. એ બે ભાઈઓ. પણ બીજા ભાઈ તો મુંબઈમાં રહે. વતનના શહેરમાં જ્વલંત શેઠ ધંધો જમાવીને બેઠા હતા. જેમ ફૂલને સુવાસ હોય છે, ચંદનના કાષ્ટને સુવાસ હોય છે, તેમ દુકાનને ય સુવાસ હોય છે ! ખરીદી કરવા નીકળનાર ઘરાકનું નાક બહુ તીવ્ર હોય છે. દુકાનને એ સૂંઘે છે ને પછી જો ‘સુવાસ’ આવે તો દુકાનનાં પગથિયાં ચઢવા માંડે છે ! દુકાન ચલાવનાર શેઠ તો હોય રાતરાણીના છોડ જેવો, મઘમઘતો-મહેકતો અને સુવાસ પાથરતો ! જે દુકાનમાંથી ઘરાકને સુવાસ નથી આવતી, એ દુકાનનાં પાટિયાં પડી જતાં વાર નથી લાગતી. જ્વલંત શેઠ સુગંધના માણસ છે, મધમઘાટના માણસ છે. સુગંધનો દરિયો એમની દુકાનના ઈંચ ઈંચમાં છાલકો મારે છે !
હા, એક વાત જરૂર છે.
જ્વલંત શેઠે લગ્ન નથી કર્યા.
ને લગ્ન ન કરવા પાછળનું કારણ એ નથી કે એમને ત્યાં કન્યાઓના પિતાશ્રીઓનાં માગાં આવતાં નથી ! કારણ એ નથી કે એમનું ઘર ઘસાયેલું છે ! કારણ એ નથી કે જ્વલંત શેઠના દેહમાં જોબનનાં પગલાં નથી પડ્યાં ! કોઈ આવે, લગ્નની વાત કરે તો શેઠ બોલી ઊઠે ઃ ‘મારે લગ્ન શું કામ કરવાં પડે ? હું તો મારા ધંધાને પરણી ચૂક્યો છું. એક ઘરમાં બે ઓરતો ચાલે ખરી ? કાં તો ધંધો ચાલે, કાંતો ઘરવાળી ચાલે ! અને ઘરવાળી આવે તો કેવી નીકળશે એની શી ખબર પડે ? રામ રામ કરો. ફજેતીના ફાળકા નથી કરવા ! ઘરને ગધેડે નથી ચઢાવવું !’
‘પણ શેઠ, વંશનો વેલો-’
‘વેલાને શું કરવાનો ? વેલો કડવો નીકળશે કે મીઠો, એની શી ખાતરી ? વેલો કડવો નીકળ્યો તો ? સાત પેઢીની આબરૂ તો ઘૂળધાણી જ થાય ને ?’
વાત સાવ સાચી.
ઘરઘરમાં આ જ હાલત છે.
મોટા ભાગે તો વેલા કડવા જ નીકળે છે ! વેલો ફણગાય. વેલો ફૂટે. વેલો મોટો થાય. વેલો ફેલાય. ને પછી ઘરડા થયેલા બાપના હાથમાં માળા પકડાવી દેઃ ‘લો, છાનામાના પડી રહો ખૂણામાં, ને નવકાર ગણ્યા કરે !’ ઘેર ઘેર તાયફા ! ઘેર ઘેર તમાશા ! ઘેર ઘેર નફ્ફટતાનાં નાટક ! વેલાને મોટો કરો, વેલાને પરણાવો. પછી વેલાની ચાર આંખો થાય. ચાર હાથ થાય. ચાર પગ થાય. ને બે જીભ થાય. પછી ઘરડાં કોઇને ગમે નહિ !
તાગડધિન્ના કરવાનું ગમે.
જલસા કરવાનું ગમે.
હોટેલમાં જઈને રગડો પેટમાં પધરાવવાનું ગમે !
થિયેટરમાં જઈને અડકાઅડકીના ખેલ કરવાનું ગમે ! આંખને અને મનને ગલગલિયાં થાય, એવાં દ્રશ્યો જોવાં ગમે. નફ્ફટ નાચ જોવાનું ગમે. હીરો હીરોઇનને ખાનદાનીનાં ચીંથરાં ઉડાડતાં જોવાનું ગમે. જોઈને જ લજવાઈ મરાય એવા ‘સીન’ જોવાનું ગમે ! પણ આ ન ગમે. બાપ ન ગમે. પહેલાં લાડ કરે. પછી બઘું પોતાના નામે કરે...પછી વૃદ્ધ મા-બાપને મારે ધક્કા. અંધ-માબાપને કાવડમાં બેસાડીને જાતરા કરાવનારા શ્રવણનો યુગ આથમી ગયો ! હવે તો માબાપને છતી આંખે ‘આંધળાં’ બનાવી દેનારા કપૂતોનો કાળ જેવો કળજુગ આવ્યો છે ! રોજ પાંચ માળા નવકારની કરવાની એટલે કરવાની. વરસમાં બે વાર શંખેશ્વર અને સ્ફુલ્લિંગ પાર્શ્વનાથ પરમાત્માના વિજાપુર સ્થિત તીર્થની જાત્રા કરવાની એટલે કરવાની. મા-બાપની તસ્વીર સામે જોઈને રડી લેવાનું ઃ ‘બા-બાપુ, મારી કાંઇ ભૂલ તો નથી થતી ને ?’
ના.
ના, બેટા, ના !
તું તો અમારો શ્રવણ છે તું તો અમારો સપૂત છે. કુળનો તારણહાર તું છે.
તારાથી કોઇ ભૂલ નથી થતી, બેટા !
ધંધો ચાલે છે, ધંધો દોડે છે ઃ ધંધો ધમાધમ ચાલે છે.
ધંધો ધમધોકાર ચાલે છે ! મુંબઈ ને બેંગ્લોર, કાઠમંડુ ને કાઠિયાવાડ, ચેન્નાઈ ને કલકત્તા ! નેપાળ ને નાગપુર ! દૂરદૂરથી કાપડ આવે છે. એડવાન્સમાં રકમ મોકલાવી દે છે જ્વલંત શેઠ ! દસ દસ સ્થળે એમના આગોતરા રૂપિયા પહોંચી જાય છે !
ને ત્યાં જ ન બનવાનું બની ગયું ! જ્વલંત શેઠના લાખ્ખો રૂપિયા સલવાઈ ગયા ! રૂપિયા ગયા, પણ માલ ન આવ્યો. સીઝન ગઈ, પણ ‘ચીર’ ન આવ્યાં ! લાખ્ખોનો ધંધો અવળો થઈ ગયો ! ફોન કરે તો કોઇ ફોન ન ઉઠાવે. દલાલો ઉંઠાં ભણાવે.
શેઠના રૂપિયા ડૂબી ગયા ! લાખ્ખોની રકમ ‘ખોરા લોટ’ જેવી થઇ ગઈ ! ઠેરઠેર પાટિયાં પડી ગયાં છે. જવાબ એક જ મળે છે ઃ પેઢી ઊઠી ગઈ છે !
જ્વલંત શેઠ રડી પડ્યા. દેવું ભરવા હવેલી વેચી નાખવી પડી. દુકાન સસ્તામાં પધરાવી દેવી પડી. માથાના મોવાળા એટલું દેવું ! પતી ગયું ઃ ‘લાખ’ના શેઠ ‘કોડી’ના થઈ ગયા ! બઘું જ ચાલી ગયું ! હવે ? આભ ફાટ્યું હતું, થીગડું દેવાય તેમ નહોતું !
શેઠ રોડ પર આવી ગયા
શેઠ રસ્તે રઝળતા થઈ ગયા. હાથ છે, હૈયું છે, પણ હામ નથી. હાથને કામ જોઈએ. કામ મળતું નથી. ફાટેલાં જૂનાં વસ્ત્રો, ફાટેલાં જૂનાં જૂતાં. ચશ્માંની દાંડીઓ તૂટી ગઈ છે, ને કાન ફરતે દોરીઓ બંધાય છે ! શેઠ પાસે એલ્યુમિનિયમની થાળી, એવો જ લોટો અને શેતરંજી છે ! શહેર છે, સવાલોના જવાબ આપતું નથી શહેર ! શહેર ગમગીન છે. શેઠ ઊપડ્યા શેતરંજી લઈને નાંદોલના ફાટક નજીક કબ્રસ્તાન છે ત્યાં. શેઠ કબ્રસ્તાનના ઓટલા પર પડી રહે છે. બપોરે શહેરમાં આવે છે. જ્વલંત શેઠ હવે શેઠ નથી રહ્યા, હવે તેઓ ‘જ્વલંતિયો’ બની ગયો છે ! બપોરે શાકબજાર પાસેથી ફરસાણની દુકાને આવે છે. ચીંથરેહાલ, મેલાંઘેલાં ને સફેદ પૂણી જેવા થઈ ગયેલા શરીરવાળા શેઠના એલ્યુમિનિયમના ગંદા વાડકામાં ફરસાણના માલિક ચાર-પાંચ ભજીયાં મૂકી દે છે. શેઠ ખાઈ લે છે. કોક વળી વરલી-મટકાના શોખીનો જ્વલંતના હાથમાં પાંચ-પચીસ રૂપિયા મટકા સેન્ટરમાં પહોંચાડવા માટે મૂકી દે છે, નૈ ઉપર મૂકે છે રૂપિયા બેની નોટ ! બસ, આ એમની દલાલી. કબ્રસ્તાનમાં સૂએ છે શેઠ. ફાટેલી શેતરંજી પર શરીર ફંગોળે છે શેઠ. બિહામણા અવાજો આવે છે, કદાચ ભૂત પ્રેત પણ હોય, પણ પાયમાલીના પગથારે ઊભેલા, કાયા જેની કંતાઈ ગઈ છે એવા જ્લવંત શેઠ હસી પડે છે ઃ ‘ભૂતપ્રેત મને શું કરવાનાં ? હું જ ભૂત જેવો બની ગયો છું, પછી ભૂતને વળી ભૂત રંજાડે ખરૂં ?’
- સાવ સાચી આ ઘટનાનાં ઉચિત ફેરફાર સાથે પાત્રોનાં નામ બદલી નાંખવામાં આવ્યાં છે એટલું જ, બાકી જ્વલંત શેઠ હમણાં સુધી કબ્રસ્તાનના ભૂતો વચ્ચે સૂતા હતા. અમદાવાદથી માંડ પચીસ કિલોમીટર દૂર આવેલા તાલુકાના શહેરમાં કબ્રસ્તાનમાં કાયાને ઢબુરી દેતા શેઠનું ગયા વરસે જ અવસાન થયું છે. તોય પેલા ફરસાણવાળા શેઠ જ્વલંત શેઠની રાહ જુએ છે ઃ કહે છે ઃ ‘ભાગ્ય રૂઠ્યું. બાકી જ્વલંત શેઠ જેવા એક તો શેઠ દુનિયામાં દેખાડો ?’
Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved