Last Update : 05-Sept.-2010, Sunday

આદિવાસીઓ ને ક્યાં સુધી આદિવાસીઓ રાખશો?!

ટોકિંગ પોઇન્ટ - સુદર્શન ઉપાધ્યાય

સ્વતંત્રતાના ૬૩ વર્ષ પછી પૈસાદારોના છોકરા દૂન સ્કુલમાં ભણે અને આદિવાસીના આશ્રમશાળામાં ભણે એ કેવું?!

 

ખાણ માફીયાઓને અટકાવી ના શકાયા એટલે ખાણ-પ્રોજેક્ટો બંધ કર્યા એમાં શું ધાડ મારી?! આમ તો આદિવાસીઓને મળતી રોજગારી પર ચોકડી વાગે છે

આદિવાસીઓને વિકાસના મેઈન સ્ટ્રીમ લાવવા તેમને રોજગારી આપો ઃ તેમને પણ ભૌતિક સુખો ભોગવવા છે ઃ તેમનો માત્ર મત મેળવવા ઉપયોગ ના કરવો જોઇએ...

 

ઓરિસામાં બોકસાઈટના પ્રોજેક્ટને કે સૌથી મોટા રોકાણના પ્રોજેક્ટ તરીકે પંકાયેલા પેપ્સો પ્રોજેક્ટને નનૈયો ભણીને કેન્દ્ર સરકાર વાહ-વાહ ભલે લૂંટી રહી હોય અને આદિવાસી હિતોના ગાણા ભલે ગાતી હોય પરંતુ આ પગલું પૈસાદારને વધુ પૈસાદાર અને ગરીબને વધુ ગરીબ બનાવવા સિવાય બીજું કશું જ નથી. કેન્દ્ર સરકાર પાસે આદિવાસી નામનું નવું શસ્ત્ર છે જે બુમરેંગ સમાન છે અને મત ખેંચી લાવે છે. દેશના ઈન કમીંગ પ્રાઈમ મીનીસ્ટર તરીકે જેનું નામ બોલાય છે તે રાહુલ ગાંધી જ્યારે એમ કહે કે હું આદિવાસીઓનો રક્ષક છું ત્યારે શાણા વાચકોએ સમજી લેવું જોઈએ કે આ દેશમાં રક્ષકના નામે એન્ટ્રી લેનારા ભક્ષક બની ગયા છે. ઈન્ટરનેટ પર બ્લોગરો તૂટી પડયા છે કે ક્યાં સુધી આદિવાસીઓને આદિવાસી રાખશો, બધા રાહુલ ગાંધીની ટીકા કરે છે ભાઈ, ભારતને હવે રક્ષકોની જરૃર નથી પણ ભારતને સર્વાંગી વિકાસ કરનારાઓની જરૃર છે. જો આમજ ચાલશે તો ઓરિસાના વિકાસનું શું ?! ઓરિસાને છાશવારે ભૂખમરો જોવાનો વખત આવશે.
અહીં હકીકત એ છે કે ૬૩ વર્ષમાં આપણે જે પાપ કર્યું છે એ પૈસાદાર અને ગરીબવર્ગ વચ્ચે ના પુરી શકાય એટલી મોટી ખાણ ઉભી કરવાનું કર્યું છે. એક તરફ પૈસાદારો વિકાસમાં મહાલે છે તો બીજી તરફ સવાર સાંજ કાળી ખેતમજૂરી કરીને માંડ ઉત્પાદન આપતી જમીનો ખેડતા લોકો છે. એક જણ લહેર કરે છે. બીજો આ લહેર કરનાર તરફ ઈર્ષાના ભાવે જોતો રહે છે. આ થિયરી હેઠળ તો નક્સલવાદ ઉભો થયો છે.
ઉદ્યોગોને અટકાવશો તો રોજી કોણ આપશે ? અહીં આપણે ઉદ્યોગોની તરફેણ એટલા માટે કરીએ છીએ ભારત કૃષિ પ્રધાન દેશની સાથે-સાથે ઉદ્યોગ પ્રધાન પણ છે. ૨૦૨૦માં ભારત આર્થિક મહાસત્તા બનવાના સપનાં જુવે છે. પરંતુ ત્યારે આદિવાસીઓ ક્યાં હશે ? જો આમજ તેઓ જમીનના રક્ષણની બબાલમાં પડશે તો ત્યાંના ત્યાં જ રહેશે. આદિવાસીઓની નવી પેઢી મેં જોઈ છે. એ સરકારની ચાલબાજીને ઓળખી ગઈ છે. આ પેઢીને સમાજના મેઈન સ્ટ્રીમ સાથે કદમ મીલાવવા છે. તેઓ જાણે છે કે તેમનો ઉપયોગ મત લેવા માટે થઈ રહ્યો છે. જે દિવસે આ નવી પેઢી ભણી-ગણીને તૈયાર થશે ત્યારે સમાજ પાસે ઘણાં જવાબો માગશે. ૬૩ વર્ષ સુધી અમને આદિવાસી શા માટે રહેવા દીધા, શા માટે અમારો ઉપયોગ માત્ર મત મેળવવા થયો હતો ?! સરકાર પાસે આના કોઈ જવાબ નહીં હોય તે સ્વભાવિક છે.

આદિવાસીના હાથમાંથી તીર-કામઠાનો ભાર હટાવીને કોમ્પ્યુટરનું માઉસ પકડાવવું જોઈએ, અને રહેણી-કરણીમાં ફેર લાવવો પડશે. આફ્રિકાના જંગલોમાં રહેતા લોકો કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે, આ લોકોની સરખામણીમાં ઓરિસાના આદિવાસીઓ તો અનેકગણા સુધરેલા છે. પોસ્કો પ્રોજેક્ટ કે બોકસાઈટનો પ્રોજેક્ટ વેદાંતાં માઇનીંગ હજારો લોકોને રોજી આપી શકે એવી ક્ષમતાવાળો બનાવી શકાત. તમે તમારી પ્રજાને કેવી બનાવવા માગો છો તે પર બધો આધાર છે.
શહેરમાં પાર્ટી શૂઝ, સ્પોર્ટસ શૂઝ અને બેસણા સૂઝ સહિત ચાર જોડીઓ હોય છે. જ્યારે આદિવાસી વિસ્તારોમાં માંડ એક જોડી ચંપલ્લ હોય છે.

આદિવાસીઓએ પોતે ભારતના વિકસિત નકશા પર પોતાનું સ્થાન શોધવાની જરૃર છે. તેમનો રાજકીય ઉપયોગ કરનારાઓ પાસે જવાબો માગવાની જરૃર છે. જમીનોને હૈયાસરસી ચાંપી રાખવાથી વિકાસ નથી થવાનો, વિકાસનો પવન લાવતી બારીને ખોલવાની જરૃર છે. જમીન જે આર્થિક સવલત આપે છે તેના કરતાં બમણી આર્થિક સવલત મળતી હોય તો તે દિશા અંગે વિચારવું જોઈએ. તકસાધુ એનજીઓને રવાડે ચઢીને પોતાની ભાવિ પેઢીને અંધારામાં ના રાખવી જોઈએ. તેમને સાચી સમજ નહીં આપતાં એનજીઓ ફાઈવ સ્ટાર હોટલોની સવલતો ભોગવે છે. આંદોલનના નામે પ્રતિસ્પર્ધી કંપનીઓના એજન્ટ બનીને આવા લોકો ફૂટી નીકળે છે. આવા વિરોધની આસપાસ પૈસો ફરતો હોય છે તે ભૂલવું ના જોઈએ. દરેક કામમાં રોળાં નાખનારાઓએ આદિવાસી ગામોના લોકોના ઉદ્ધાર માટે શું કર્યું ?! શહેરમાં ધૂમાડા ઓકતા કારખાના પાસે ઘણાં એનજીઓ તોડ કરતા હોય છે એ ભૂલવું ના જોઈએ.
હાલમાં ખનીજનો જે જથ્થો છે એ ફરી ઉભો નથી થવાનો પરંતુ આ ખનીજ દ્રવ્ય પૈસા મેળવી લાવતું હોય તો તેમાં ખોટું શું છે ?! આપણે ખાણ કામથી એટલા માટે દૂર ભાગીએ છીએ કે ખાણ માફીઆઓને આપણે ડામી શકતા નથી. કાયદો અને વ્યવસ્થા તંત્રને ખરીદી શકતા આ ખાણ માફીઆઓને કારણે ખાણો બંધ કરી દેવાનું પગલું વિકાસની વિરૃદ્ધ છે.
એક તબક્કે પર્યાવરણને લક્ષ્યમાં રાખીને બધી જ ખાણો બંધ કરી દેવાય તો સ્ટીલ, કોલસો, એલ્યુમિનીયમ, બોકસાઈટ અને ગ્રીટ-કપચી જેવી ચીજો બંધ થઈ જાય. તેથી ઈન્ફ્રાસ્ટ્રકચરના તમામ કામો અટવાઈ પડે. ગગનચુંબી ઈમારતો અને પુલોના કામ બંધ થઈ જાય. દરેક દેશ પોતાના ખનીજ તત્ત્વનો ઉપયોગ આવક ઉભી કરવામાં કરે છે. આપણે ત્યાં ખાણ માફીઆઓ સરકારને આવક મળે તેના કરતાં ચાર ગણી પોતાના ઘેર લઈ જાય છે. સરકાર આ લોકોને વર્ષોથી સહન કરે છે કેમકે આ ખાણ માફીઆઓ અને રાજકારણીઓ વચ્ચે સાંઠ-ગાંઠ હોય છે. અર્થાત્ આ લોકો જ ચોરી કરાવે છે અને પ્રજાની આંખમાં ધૂળ નાખતા ફરે છે.
એક તરફ આપણે અણુ-ઉર્જાની હાઈ-ફાઈ ટેકનોલોજીની વાત કરીએ છીએ અને બીજી તરફ આદિવાસીઓ અર્થાત્ આંતરિયાળ ગામોને વિકાસના મેઈન સ્ટ્રીમથી દુર રાખીએ છીએ. મને તો લાગે છે કે આ લોકોને અંધારામાં રાખવામાં આવ્યા છે. આદિવાસીઓની હવેની પેઢી જ્યારે સરકાર પાસે પોતાની સ્થિતિ અંગેનો જવાબ માગશે ત્યારે સરકારી પ્રવકતાઓ તત્-ફફ્ થઈ જશે.
૬૩ વર્ષ સુધી આપણે જે કર્યું છે એ અનુસાર આદિવાસીને આદિવાસી રહેવા દીધો, ગરીબને ગરીબ રહેવા દીધો, પૈસાદારને પૈસાદાર થવા દીધો. આ એક સિસ્ટમ ગોઠવાઈ ગઈ છે. આ સિસ્ટમને તોડવાના બદલે આ સિસ્ટમને વધુ મજબુત બનાવવા પગલાં ભરાઈ રહ્યા છે. પરંતુ પૈસાદાર વર્ગ અને અર્ધ પૈસાદાર વર્ગ માંડ ૩૦-૩૫ ટકા છે. જ્યારે ગરીબ વર્ગ ૭૦ ટકા છે. ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે... એ વાત હવે બહુ દૂર નથી લાગતી.
આદિવાસીઓનું હિત તેમની આદિવાસી બનાવી રાખવામાં નથી પણ તેમને સમાજ સાથે કદમ મીલાવતા કરવામાં આવે તેમ છે. આ વિસ્તારોને ૬૩ વર્ષ સુધી શાળા, આરોગ્ય કેન્દ્ર, પાણી જેવી જીવનજરૃરી ચીજો પહોંચતી નહીં કરનાર સરકાર સામે પગલાં ભરવા જોઈએ. રહેણી-કરણીની વાત કરીએ તો પટેલથી માંડીને બ્રાહ્મણ સમાજ સુધીનાઓએ આધુનિકીકરણ અપનાવ્યું છે, તો પછી આદિવાસીને શું આજીવન આદિવાસી રહેવા દેવાના છે ?!
ખાણ કામ, રોડના કામો, બ્રિજના કામો કે વિશાળ ઈન્ફ્રાસ્ટ્રકચરના કામોમાં ક્યાં તો બિહારના મજૂરો હોય છે અથવા તો આદિવાસીઓની ટુકડીઓ હોય છે. આદિવાસી એટલે આંતરીયાળ ગામોમાં રહેતા લોકો. ગામડા કે શહેર કરતા તેમની જીવનશૈલી અલગ હોય છે. પરંતુ 'પેટ' માટે તેમણે બહાર નીકળવું પડે છે અને મજૂરી કરવી પડે છે. આ લોકોની કાર્યક્ષમતા અને શારીરિક સ્ટેમીના ગામડાના મજૂરો કરતાં વધારે હોય છે, જે સૌ જાણે છે.
તમિળનાડુમાં કરૃણાનીધીએ ઘેર-ઘેર કલર ટીવી આપવાની વાત કરીને મત લીધા હતા. જીત્યા બાદ તેમણે ટીવી આપવાની શરૃઆત કરી ત્યારે મજૂરો કામ છોડીને પોતાના ઘેર જતા રહ્યા હતા કેમકે બંધ ઘરવાળાને ટીવી નહોતું મળવાનું. ઈન્ફ્રાસ્ટ્રકચરના કામો આ મજૂરો જતાં રહેતા ઠપ્પ થઈ ગયા હતા. આ મજૂરોનું એક વિશેષ મહત્વ છે તે કોઈ કોન્ટ્રાક્ટરને પૂછશો તો ખ્યાલ આવશે. હોળીના સમયમાં કન્સ્ટ્રકશનના કામો બંધ રહે છે તેની પાછળનું કારણ આદિવાસી મજૂરો નથી હોતા.
આદિવાસી એ કોઈ સંસ્કૃતિ નથી પણ જ્યાં વિકાસના ફળ પહોંચ્યા નથી એ લોકો જીવવા માટે અપનાવેલી રહેણી-કરણી છે. આ સંસ્કૃતિ શહેરીજનો નથી અપનાવતા કે નથી તો આદિવાસીઓની નવી પેઢી તે સ્વીકારવા તૈયાર. દરેકને શહેર તરફ જવું છે. શહેર વાળાને વિદેશમાં જવું છે. ભૌતિક સુખોનો સિદ્ધાંત અને કેષાકર્ષણના સિદ્ધાંતમાં બહુ ફર્ક નથી. પૈસો પૈસાને ખેંચે છે પરંતુ એકવાર પૈસો તો ઉભો કરવો પડેને !! ગામડા કે ટાઉન-લેવલના લોકો શિક્ષણ ક્ષેત્રે આગળ કેમ આવે છે ?! આ લોકો સંઘર્ષ વચ્ચે અને કુદરતના ખોળે ઉછરેલા છે. તેમનામાં એક પ્રકારની ધગશ અને ધ્યેય હોય છે. સુરેન્દ્રનગરમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થનારાની સંખ્યા વધુ છે. એમ ગામડામાંથી આવેલો વિદ્યાર્થી મેડીકલ ક્ષેત્રે ડીસ્ટીંકશન મેળવે છે. કેમકે તેના મગજના એક ખૂણે પૈસાદાર થવાની અને આગળ આવવાની ધૂન છૂપાઈ હોય છે.
આવું જ આદિવાસીઓના મનમાં છુપાયેલું છે. જે દિવસે તેમને બહાર આવવાની તક મળશે એ દિવસે તે તેના પોતડી પહેરવેશને ફંગોળીને આધુનિક બની જશે. આ માટે તેમને પૂરતી રોજગારી, પૂરતું શિક્ષણ અને મજબૂત આરોગ્યની જરૃર છે. અંધશ્રધ્ધામાં ડૂબેલા અને વિકાસના મેઈન સ્ટ્રીમથી દુર રહેલા આદિવાસીઓની કોણીએ છેલ્લાં ૬૩ વર્ષથી ગોળ ચોપડાયા છે. તેમને જમીનના વિવાદમાં ખૂંપાવી દીધા છે. મારી જમીન, ડૂબમાં જતી જમીન, હકની જમીન વગેરે દ્વારા આ લોકોને સાચા વિકાસ અને ભૌતિક સવલતોથી દુર રાખવામાં આવે છે.
આદિવાસી ગામોમાં ટીવી એન્ટેના કે ફ્રીઝ જોવા હોય તો તેમની આવકમાં વધારો કરવો પડશે, તેમને આસાનીથી રોજગારી મળે એવા પ્રયાસો કરવા પડશે. ખેતી કે ખેત મજૂરીમાં ચપ્પણીયું પણ મળતું નથી. જે રોજગારીમાં બે ટંક ખાવા જેટલું મળી રહે એ કોઈ કામ નથી. બે-ટંક ખાવા પણ મળે અને ભૌતિક સુખો ભોગવી શકાય એવી આવક ઉભી કરવાના પ્રયાસોની જરૃર છે. આદિવાસીઓના છોકરાઓ આશ્રમ શાળાઓમાં ભણે અને પૈસાદારોના કે રાજકારણીઓના છોકરા દૂન સ્કુલમાં ભણે એ કેવું ?! સ્વતંત્ર થયે ૬૩ વર્ષ થયા પછી પણ જો આદિવાસી એ આદિવાસી રહે તે શરમજનક કહેવાય.
આદિવાસી વિસ્તારોમાં ઉભા કરાતા કોઈપણ ઉદ્યોગ માટે જમીન સંપાદન કરવી પડશે. તેમાં જંગલોની જમીન કપાવાની જ છે. શહેરીકરણ એ આ બાબતનું જાગતું ઉદાહરણ છે. આદિવાસીઓની સાથે બેસીને કોઈ મુદ્દો ઉકેલવાના બદલે ૧૦, જનપથના એ.સી. હોલમાં તે ચર્ચાય અને પછી તેને મતલક્ષી બનાવાય તે શરમજનક છે.
હાલમાં યુરેનિયમનું ઉત્પાદન ખનીજ માર્ગે ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં વધુ થાય છે. ભારતને અણુ-ઉર્જાના એકમો ઉભા કરવા માગે છે તેનો બેઝ યુરેનિયમ છે. ૨૧ વર્ષ સુધીમાં આ એકમો ઉભા કરવાના છે. આ સમયે યુરેનિયમની ડિમાન્ડ વધશે. જો કેનેડા કે ઓસ્ટ્રેલિયા જથ્થો આપવાનું બંધ કરશે કે ઓછો કરશે તો વિજળીનું ધાર્યું ઉત્પાદન નહીં મેળવી શકાય. યુરેનિયમ એ ખનીજ તત્ત્વ છે. ત્યાંની સરકાર આ ખનીજનું ઉત્પાદન બંધ કરશે તો ?? કેન્દ્ર સરકારે બોક્સાઈટની ખાણ શરૃ ના થવા દીધી એ કંઈ ગૌરવની વાત નથી. જે ખનીજ તત્ત્વ ઓરિસામાં છે તે બિહાર કે ગુજરાતમાં નથી. આ ખનીજ તત્ત્વ સામે રોયલ્ટી મળતી હોય છે. સરકાર ધારત તો પોસ્કો પ્રોજેક્ટ કે વેદાંત માઇનીંગ પાસે આદિવાસી વિસ્તારોની કાયાપલટ કરાવી શકત. કોઈ એમ કહે કે આદિવાસીઓને આદિવાસી જ રહેવું છે. તો તે નર્યું જુઠ્ઠાણું છે કેમકે શહેરમાં વસતો કે વિધાનસભામાં ચૂંટાતો આદિવાસી જોતજોતામાં શહેરીટચ વાળો બની જાય છે.
મહાત્મા ગાંધીજી નોઆખલીમાં ધામા નાખીને બેઠા ત્યારે શાંતિ થઈ હતી એમ રાહુલ ગાંધીએ સાચા દિલથી આદિવાસીઓના રક્ષક બનવું હોય તો નકસલગ્રસ્ત વિસ્તારોમાં ધામા નાખીને બેસવું જોઈએ. ગરીબો અને આદિવાસીઓના ઉદ્ધાર માટે વિશેષ પરિવર્તનશીલ પ્રોજેક્ટ ઉભા કરવા પડશે.
આદિવાસીને ક્યાં સુધી આદિવાસી રાખશો, તેમને પણ વિકાસના ફળ ખાવા દો મિસ્ટર રાહુલ ગાંધી !!

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved