ઈ-રીડર કોન્સેપ્ટ અને ટેબ્લેટ પર એક નવો વળાંક આવ્યો છે. KNO નામનું આ ઈ-રીડર કોલેજના વિદ્યાર્થીઓ માટે છે. જેમ પુસ્તકમાં ચિત્રો અને લખાણ સ્પષ્ટ દેખાય છે તેમ આ ઇલેકટ્રોનિક ઉપકરણમાં પણ ભાષા અને ચિત્રોના ગ્રાફિક જોઈ શકાય છે.
આ ઉપકરણમાં ૧૪ ઇંચના બે સ્ક્રીન હોય છે, જેની ઉપર સ્ક્રોલ કર્યા વિના પુસ્તકનાં બે પાનાં જોઈ શકાય છે. તેમાં સ્ટાઈલસ પણ છે જેથી વેબ બ્રાઉઝર સાથે નોટ્સ લઈ શકાય છે.
ફક્ત સાડા પાંચ પાઉન્ડનું આ ઇ-રીડર અડધો ઇચથી સહેજ વધુ માપનાં બે પડખાં ધરાવે છે. તમે આઇપોડ સાથે સરખાવો તો આ ઉપકરણ જરા મોટું અને ભારે લાગશે. મેકગ્રો હિલ અને વિલી જેવા પબ્લિશરોએ આ ઉપકરણનો સહયોગ કર્યો છે. જોકે હજાર ડોલરનું આ ઉપકરણ ભારતીય વિદ્યાર્થીઓ માટે મૂંઝવણભર્યું કહેવાય પરંતુ બધાં જ ઇલેકટ્રોનિક ઉપકરણોની માફક તેની કિંમત પણ આવનારા દિવસોમાં પોકેટ-ફ્રેન્ડલી બની રહેશે.
ચહેરાની જ નહિ, પગની પણ કાળજી લો
તમે પૃથ્વીની ફરતે ત્રણથી વધુ આંટા મરાય એટલું જિંદગીભર ચાલો છો. આ સ્થિતિમાં તમે પગનું ધ્યાન કેટલું રાખો છો? અવારનવાર ફેઇસ વૉશથી ચહેરાને સાફ કરો છો પણ વાંકા વળીને પગની કાળજી લો છો ખરા?
ચપટી પાની અને આર્થરાઈટિસ ઉપરાંત કણી, ફૂગનો ચેપ, નખના રોગો વગેરે તમારા પગને તકલીફ આપે છે. ચોમાસામાં પગને કાદવ અને ગંદકીમાં ડૂબતા બચાવવા વધુ કાળજીની જરૃર પડે છે.
દુખાવાની કે ચપટી પાનીની તકલીફમાં ખાસ પેડવાળા બૂટ પહેરવા. પગમાં કોર્ન થાય તો કોર્નકેપ વાળી ટેપ લગાડો. ફૂગ થાય તો એન્ટી ફન્ગલ ક્રીમ કે પાવડર લગાડો. દરરોજ રાત્રે પાની પર ક્રીમ લગાડો. આંગળીઓ વચ્ચે એન્ટી ફન્ગલ પાવડર છાંટો. નખ કાપેલા રાખો. પાવડરમાં કોટ્રાયમેઝોલ નામની દવા હોય છે જે ફૂગનો નાશ કરે છે.
નાન ઊભા ઊભા નહિ, બેસીને કરો, જેથી પગની કાળજી લેવામાં સરળતા રહે. પગના મેલને લુફાહથી અથવા ગલકાના સુકાયેલા જાળાથી સાફ રાખો. ઘણાં લોકો પગને પહેલાં જુએ છે અને ચહેરાને છેલ્લે જુએ છે એ વાત પણ યાદ રાખો.
કામનો ભાગાકાર, હાસ્યનો ગુણાકાર
શું તમે તમારા પતિનું બધું કામ જાતે જ કરી લો છો? ફરી વિચારજો. એમાં સુખ નથી. સુખ તો છે કામ વહેંચવામાં. એને કહો કે જરા ડિશ ધોઇ નાંખે, કપડાં ઘડી કરે અથવા રસોડામાં થોડી મદદ કરે..! એવું કેમ ના કહેવાય? બન્નેએ સુખી થવું હોય તો કામને વહેંચી કાઢો એવું વિધાન ઓન્ટારીઓ- કેનેડા ખાતેની યુનિવર્સિટીના સંશોધકોએ કર્યું છે.
તેમના મતે જીવનસાથીઓ જ્યારે કામ વહેંચી લે છે ત્યારે મહત્તમ સંતોષની લાગણી અનુભવે છે. સહયોગી લગ્નજીવન મોડેલમાં બન્ને પાત્રો કમાણી વહેંચે છે, કાળજી વહેંચે છે અને બાળકોનું ધ્યાન રાખે છે.
આ પ્રકારની મેનેજમેન્ટથી 'ઈન્ટીમસી' વધે છે. એકબીજાને વખાણવાલાયક બને છે. અને કોઇ કોઇને 'ગ્રાન્ટેડ' તરીકે લેતું નથી એટલે કે બન્ને એકબીજા પ્રત્યે ગંભીર રહે છે.
નવી પેઢીની કે જ્યાં બન્ને કમાય છે તેની આ વાત છે. એટલે મોટી ઉંમરે કાકાને સ્વતંત્રતા માણવા દેજો. સાંભળો કે? કહી કહીને ટેન્શન ના વધારતા...!
|