| Last Update : 05-Sept.-2010, Sunday |
|
|
|
|
|
|
|
 |
|
| શ્રાવણ મહિનાની અગિયારસ શકરાભાઈને ફળી? |
| હું, શાણી અને શકરાભાઈ - પ્રિયદર્શી |
| |
|
શાણીબહેન એમની મંજરી વહુ સાથે શ્રાવણ મહિનાની અગિયારસ કોણ કોણ કરશે તેની વિચારણા કરી રહ્યાં હતાં. મંજરીએ સૂચવ્યું ઃ ‘પપ્પાને પૂછી જુઓ. એ અગિયારસ કરશે? શ્રાવણ માસની આ તો મોટી અગિયારસ કહેવાય.’
શાણીબહેન કેટલાય દિવસથી શકરાભાઈની દિનચર્યા ઘ્યાનપૂર્વક જોતાં રહ્યાં હતાં. એમને ભક્તિનું ઘેન ચડ્યું હતું. સવારે પથારીમાં બેઠા થતાં જ બે હાથ જોડીને તે ભગવાનનું નામસ્મરણ કરવા લાગી જતા હતા. એ પછી નાહીને ય મહાદેવની છબી પાસે ઊભા રહીને પાંચેક મિનિટ પ્રાર્થનામાં લીન થઈ જતા હતા અને એમાં કોઈથી ઘ્યાનભંગ થાય તો ફરીવાર એ ઘ્યાનમાં લાગી જતા હતા. કેટલીક વાર તો ત્રણચાર વાર એ ડિસ્ટર્બ થતા હતા.
એકવાર તો મુન્નો બાઈક પર ક્યાંક જતો હતો અને પપ્પાને મંદિરમાંથી બહાર આવતા જોયા હતા. એને આશ્ચર્ય થયું હતું. ઘેર આવતાં વાર તેણે વધામણી આપી ઃ ‘મમ્મી! ચમત્કાર, ચમત્કાર!’
‘કેમ, શું થયું? શેનો ચમત્કાર?’
‘અરે આજે પપ્પા ભગવાનને મળવા મંદિરે ગયા હતા. મેં એમને મંદિરમાંથી બહાર નીકળતા જોયા.’
શકરાભાઈએ આ હકીકત કોઈને કહી નહોતી. દીકરો કદાચ હળવી મજાક કરે. શાણી પૂછપરછ કરે. મંજરીનું મોં મલકી જાય.
શાણીબહેને તેમને સીધો જ સવાલ પૂછ્યો ઃ ‘તમે રોજ મંદિરે જાવ છો? મને કહેતા ય નથી?’
શકરાભાઈ વર્ષો પહેલાં પોતાને બૌદ્ધિક માનતા હતા. શાણીબહેન મંદિરે ભલે જાય, એમને મંદિરમાં જવાનો બહુ અણગમો હતો. ભીડમાં ભગવાનને ભજવાનું એમને ગમતું નહોતું. પણ થોડાક મહિનાથી એમને ન જાણે કેમ ભક્તિનું વળગણ વળગ્યું હતું.
શાણીબહેનના સવાલનો શકરાભાઈએ ઉડાઉ જવાબ આપ્યો હતો. પણ એમની રગ શાણીબહેન ના ઓળખે? એ રાજી થયાં હતાં. ઘડપણમાં ગોવિંદને સંભારવા જ પડે. એમાં છુપાવવાનું શું?
શાણીબહેને શકરાભાઈને પૂછ્યું, ‘શ્રાવણ મહિનાની આ મોટી અગિયારસ તમે કરશો?’
શકરાભાઈ ગૂંચવાયા. મંદિરમાં જવાની વાત અલગ હતી, પણ અગિયારસ?
અને શાણીબહેન પોતે એ દિવસે ચા-દૂધ પર જ દિવસ ખેંચી કાઢતા. એમની ઇચ્છા હતી કે એ બંને એક સાથે અગિયારસનો ઉપવાસ કરે તો સારું. મહાદેવની ભક્તિમાં એટલો ઉપવાસ કરવો પડે.
દોઢડાહ્યા મુન્નાએ પપ્પાને સલાહ આપી ઃ ‘પપ્પા! એક દિવસનો જ સવાલ છે. શ્રાવણ મહિનાની અગિયારસ કરવાથી મહા પુણ્ય થાય. મમ્મીને તમારે સાથ આપવો જોઈએ.’
શકરાભાઈ ફસાયા. મંજરીએ પણ ટાપશી પૂરી ઃ ‘પપ્પા! રોજ મંદિરે જાવ છો ને! અગિયારસે ઉપવાસ કરો એ ય ભગવાનની ભક્તિ જ છે.’
શકરાભાઈ પર દબાણ આવ્યું. તે ઝૂક્યા ‘સારૂં.’
શાણીબહેને મોઘમ જવાબ સાંભળી ચોખવટ પૂછી ઃ ‘શું સારૂં? ઉપવાસ કરશોને?’
‘એકવાર કહ્યું તો ખરૂં!’ શકરાભાઈ કચવાટથી બોલ્યા.
શાણીબહેને મુન્નાને પૂછ્યું ઃ ‘મુન્ના! તું ય અગિયારશ કરજે. આ તો પવિત્ર માસની અગિયારસ છે.’
મુન્નો તરત જ છટકબારી શોધતો કહે, ‘મમ્મી! તું અને પપ્પા અગિયારસ કરો છો એમાં મારી ય અગિયારસ ગણાઈ જાય. મોટામાં નાના સમાઈ જાય.’
મંજરીએ એને પકડ્યો ઃ ‘તારે ય અગિયારસ કરવી પડશે. એક જણ માટે રસોઈ ના બનાવાય. એક દિવસ ભૂખ્યા ના રહેવાય?’
મુન્નો ગલ્લાતલ્લા કરવા માંડ્યો. ત્યાં પરી બોલી ઊઠી ઃ ‘મમ્મી! હું ય અગિયારસ કરીશ.’
શાણીબહેને મુન્નાને ટપાર્યો ઃ ‘જરા શરમા! આ નાની છોકરી ઉપવાસ કરવા તૈયાર થઈ છે ને તું ના પાડે છે?’
મુન્નો કહે ઃ ‘તમે મારે માટે રસોઈ ના કરશો. હવે તો બજારમાં ફરાળી પીત્ઝા, ફરાળી પાતરા, ફરાળી હાંડવો બઘુંય મળે છે. અને મંજરી મારી વતી અગિયારસ કરે જ છેને! પત્નીના પુણ્યમાં પતિ ય ભાગીદાર હોય.’ પછી શાણીબહેનની આગળ દલીલ કરી ઃ ‘મમ્મી! તું મંદિરે જઇને મહાદેવને ભજે છે તેનું અર્ઘું પુણ્ય પપ્પાને મળે કે નહિ?’
શાણીબહેન આર્યનારી હતાં. તેમણે કહ્યું ઃ ‘પત્ની એ પતિની અર્ધાંગના કહેવાય. એટલે એનું અર્ઘું પુણ્ય પતિને મળે.’
મંજરી હસી ઃ ‘મફતમાં ભાગીદારી.’
છેવટે મુન્નાને અગિયારસમાંથી બાકાત રાખવામાં આવ્યો. શાણીબહેન અને મંજરી સુઘ્ધાં એની નાડ જાણે કે દહાડામાં ચારવાર એને ખાવા જોઈએ. એ અગિયારસ કરશે તો એ છાનોમાનો ખાઈ આવશે. એના કરતાં ભલે એને એમાંથી છૂટો રાખવો.
અગિયારસનો પ્રશ્ન આમ ઊકલી ગયો. શકરાભાઈને પણ ઉત્સાહ હતો. એક દિવસ હોજરીને આરામ મળશે એવો તેમણે મનમાં સંતોષ માણ્યો. એ નિયમ પ્રમાણે ઓફિસે ગયા. ઉપવાસનો ભાર ના લાગે એટલે કામમાં ચિત્ત પરોવી દીઘું. બારેક વાગ્યા એટલે એમને મગજમાં જરાક સળવળાટ થવા માંડ્યો. રોજ તો જમીને ઓફિસે જાય પણ અગિયારસે ખાલીપેટે આવ્યા. મગજમાં ભૂખનાં આંદોલનો થવા માંડ્યા. મગજનાં આંદોલનો પેટ સુધી પહોંચ્યાં. બાર વાગે તેમણે પેટને પ્રસન્ન રાખવા થોડુંક પાણી પીઘું. જરા શાંતિ થઈ. પણ એક વાગ્યો. હવે પેટમાં ખાલિપો લાગવા માંડ્યો. કામકાજમાંથી ચિત્ત છૂટીને ફાંફા મારવા માંડ્યા.
બે વાગે રીસેસમાં એમના નાકમાં અચાનક ભજિયાંની સુગંધ પેસવા માંડી. એમનું ઘ્યાન ફાઈલમાંથી નીકળીને ભજિયામાં પ્રવેશ્યું. એમનું નાક સતેજ થયું. ભજિયાંની સુગંધ તીવ્ર થવા માંડી.
ઓફિસના સ્ટાફના માણસોએ ફરાળી બફવડાં મંગાવ્યાં હતાં. એની સુગંધ વાતાવરણમાં પ્રસરતી હતી. શકરાભાઈને પહેલીવાર ભજિયાં-વડાં આવાં સુગંધીદાર હોય તેનો અહેસાસ થયો. એવામાં પટાવાળો ડિશમાં બફવડાં લઈને આવ્યો ઃ ‘સાહેબ! આ તમારે માટે સ્ટાફમાંથી મોકલ્યાં છે.’
શકરાભાઈ ઘડીભર બફવડાં સામે જોઈ રહ્યા. એમનું મન ચલિત થવા માંડ્યું. પણ એકદમ મન રોકીને જુસ્સાથી બોલ્યા ઃ ‘પાછું લઇ જા. મારે અગિયારસ છે.’
‘સાહેબ! આ ફરાળી બફવડાં છે.’
‘નહિ. મારે ઉપવાસ છે - નકોરડો. એકલી ચા લાવજે!’ શકરાભાઈએ સાંજ ખેંચી નાખી.
રાતે પેટમાં ગુડગુડ થતું હતું. શાણીબહેન એમનો મનોભાવ સમજીને કહે ઃ ‘દૂધ પીને આજે વહેલા સૂઈ જજો. ઉંઘ આવી જશે કે વહેલી પડે સવાર.’
અને શકરાભાઈ રોજ કરતાં દોઢેક કલાક વહેલા સૂતા. ઉંઘ સાથે થોડી રકઝક થઈ. પણ છેવટે અગિયારસનો ફરાળ વિનાનો ઉપવાસ કરીને મેદાન મારી ગયા.
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|
|