
મૈં કિસ વરક કો છુપાઊં,
દિખાઊં કૌન સા બાબ ?
કિસી હબીબ ને માંગી હૈ
જિંદગી કી કિતાબ...
(વરક = પાનું, બાબ = પેરેગ્રાફ, હબીબ = મિત્ર)
પપ્પાએ અચાનક પૂછી નાંખ્યું ‘‘દીકરી પ્રેમમાં પડી છે ને ?’’
કવિતા ચોંકી ગઈ. પપ્પાને ક્યાંથી ખબર પડી !
અઢીફૂટિયા ‘પૉંગા’ પપ્પા મરક મરક હસી રહ્યા હતા. એક ક્ષણે તો કવિતાને થઈ આવ્યું કે પોતાના દિલની આખેઆખી કિતાબ પપ્પા આગળ ખોલી નાંખે. પણ બીજી ક્ષણે તે અટકી ગઈ.
ના. પપ્પા જો જાણશે કે અનુરાગ જ હેપ્પી છે, તો કશું વિચાર્યા વિના એ પાછળ પડી જશે કે અનુરાગને માફ કરી દે. અનુરાગને પણ બાળપણની હકીકતો જાણ્યા પછી ‘સાચો પ્રેમ’ બતાડવાનું બહાનું મળી જશે.
કવિતાએ વાત ટાળી દીધી. ‘પપ્પા, એ તો તમે ઘણા વખતે મળ્યા ને, એટલે દિલ હલકું કરવા થોડુંક રડી લીઘું.’
પપ્પા હસ્યા, નાનકડી હથેળીઓ કવિતાના ગાલ પર થપથપાવી. ‘‘ચાલ, મોડું થઈ ગયું છે. સૂઈ જા.’’
* * *
પથારીમાં પડી પડી કવિતા વિચારે ચડી ગઈ. પોતાની જિંદગી ક્યાંથી ક્યાં પહોંચી ગઈ ?
સાતેક દિવસ પછી રેડિયો મસ્તી પર કવિતાનો ‘લવ-લાઈન’ શો ચાલુ થઈ જશે...એ પોતે જ હજી પોતાનો લવ-પ્રોબ્લેમ ઉકેલી નથી શકી, ત્યાં બીજાને શું સલાહ આપશે ?
વળી એના બીજા પંદર દિવસ પછી ઝક્કાસ ટી.વી. પર ‘બેસ્ટ કપલ કોન્ટેસ્ટ’નું ટેલિકાસ્ટ શરૂ થઈ જશે. રેડિયોના લિસનર્સને તો હજી રિઝલ્ટની ખબર જ નથી એટલે આખો દિવસ કવિતાને અનુરાગ સાથે ‘બેસ્ટ કપલ’ બનવાની વિશ કરતા ફોન આવતા રહેશે. ટીવી પર આવનારા એ શોને ‘રિયાલિટી શો’ કહેવામાં આવશે, પણ રિયાલિટીની કોઇને ખબર જ ક્યાં હતી ? અને ‘બેસ્ટ-કપલ’ એટલે શું ? શ્રેષ્ઠ સાથીદાર કોને કહેવાય ?
જંગલવૂડ્ઝ રિસોર્ટ્સમાં કવિતાએ દરેક પ્રકારના કપલનો પ્રેમ જોયો હતો. સુનંદાબેન-જયરાજભાઈનો ઠરેલ પ્રેમ, ગૌરવ-રિતુનો નિર્દોષ ઝરણા જેવો પ્રેમ, રામકલી- રાજપાલનો ગાંડીતૂર નદી જેવો પ્રેમ અને મિકી-શાલિનીનો દેખાડાથી ભરપૂર શો-રૂમ જેવો પ્રેમ....એ બધામાં ક્યાં પોતાનો અને અનુરાગનો મિડીયાથી ચગેલો પ્રેમ...?
પ્રેમ તો એના પપ્પાનો કહેવાય.
પોતે સાવ નાનકડી ‘ગુંગી’ હતી ત્યારથી એ જોતી આવતી હતી કે જોકર પોંગા સરકસની પ્લાસ્ટિક ગર્લ મીના ખાતર હંમેશા જાન કુરબાન કરવા તૈયાર રહેતો. પરંતુ મીનાએ એને કદી પ્રેમ કર્યો જ નહોતો.
કવિતાની મમ્મી હજી પણ એમ જ માનતી હતી કે તેનો પ્રેમી સેમસન તેને દગો દઈને ભાગી નહોતો ગયો, પણ પોંગાએ જ કોઈ ચાલ વડે એને હંમેશ માટે દૂર કરી દીધો હતો.
‘પ્રાર્થના મેન્ટલ હેલ્થકેર’માં મમ્મીના રૂમની બારીમાંથી કવિતાએ મમ્મી-પપ્પાની મુલાકાતનાં દ્રશ્યો જોયાં હતાં. સામાન્ય સંજોગોમાં ‘પ્રાર્થના’નો સ્ટાફ મમ્મીના હાથપગ બાંધી રાખતા જેથી તે કોઇને ગમે તેમ મારી ન બેસે. પરંતુ એના પપ્પા અંદર જઈને મમ્મીના સ્ટ્રેટજેકેટની દોરીઓ છોડી નાંખતા...
એ સાથે જ મમ્મી કોઈ હિંસક પશુની જેમ પપ્પા પર તૂટી પડતી ! એમને એટલી હદે મારતી કે કવિતા ફફડી જતી. છેવટે મમ્મી થાકીને હાંફવા લાગે ત્યારે પોતે જ પપ્પાનો સહારો લઈને ક્યાંય લગી રડ્યા કરતી...
એ વખતે પપ્પા મમ્મીના ટૂંકા બરછટ વાળમાં પોતાની નાનકડી આંગળીઓ ફેરવતા રહેતા.
કવિતાને વિચાર કરતાં લાગ્યું કે ‘લવ-લાઈન’ના યુવાન લિસનર્સને આ ‘લવ’ સમજાવવો હોય તો કઈ રીતે, અને કઈ ભાષામાં સમજાવી શકાય ?
* * *
બીજા દિવસે પપ્પા એમની આદત મુજબ સવારે સાડા પાંચે ઊઠી ગયા. બહાર હવામાં થોડું વરસાદી ઘુમ્મસ હતું, છતાં વાતાવરણ ખુશનુમા હતું. કવિતાને જગાડ્યા વિના તે એપાર્ટમેન્ટનો દરવાજો ખોલીને બહાર ફરવા નીકળી પડ્યા.
રસ્તો સુમસામ હતો. સ્ટ્રીટલાઈટો હજી બંધ થઈ નહોતી. ક્યાંક કોઈ દૂધવાળાની સાઇકલ પસાર થઈ જતી, તો ક્યાંક કોઈ કૂતરૂં આળસ મરડીને આમતેમ આંટા મારતું દેખાઈ રહ્યું હતું.
ઘૂંધળા ઉજાશમાં પોંગા પાંડુ પોતાના નાનકડા પગને કોઈ રિધમમાં ઉછાળતા ચાલી રહ્યા હતા. ત્યાં સામેથી મોર્નંિગ-વૉકમાં નીકળેલા એક સજ્જન બાજુમાંથી પસાર થઈ ગયા. પછી તે અચાનક અટક્યા.
‘‘અરે, પોંગા ?’’ તે બોલી ઊઠ્યા.
પોંગા પાંડુએ પાછું વળીને જોયું. બન્નેની નજરો મળી. ‘‘અરે ! મિસ્ટર ડરબનવાલા ? તમે !’’
પોંગા ઊછળીને દાદાજીને ભેટી પડ્યા. બન્નેની આંખોમાં ઝળઝળિયાં હતાં. પોંગાએ આંખો લૂછતાં પૂછ્યું, ‘‘મારો હેપ્પી...હેપ્પી છે ને ?’’
દાદાજી જરા ઉદાસ થઈ ગયા. ‘‘પોંગા, એ હેપ્પી નથી...’’
દાદાજી પોંગાને પોતાને ઘેર લઈ ગયા. એમણે કવિતા-અનુરાગની આખી કહાણી સંભળાવી. બઘું સાંભળી લીધા પછી પોંગાએ ચપટી વગાડી.
‘‘ફિકર નૉટ દાદાજી, મારી પાસે એક આઇડિયા છે. બસ થોડી મહેનતની જરૂર છે...’’
* * *
બે દિવસથી કવિતાની ઉદાસી વધી ગઈ હતી. તે ઘરની બહાર પણ નીકળતી નહોતી. ઉપરથી એના પપ્પા સવારના ક્યાંક ચાલ્યા જતા તે છેક મોડી સાંજે પાછા આવતા હતાં.
અત્યારે પણ કવિતા સોફા પર ક્યારની પૂતળાની જેમ બેસી રહી હતી. સાંજનો અંધકાર બારીઓ વાટે ક્યારે અંદર ઊતરી આવ્યો તેની કવિતાને ખબર સુદ્ધાં નહોતી.
આખરે વારંવાર વાગતી ડોરબેલના અવાજથી કવિતા ઝબકી, દરવાજો ખોલીને જુએ છે તો સામે, એટલે કે નીચે-સામે, પપ્પા હસતા ઊભા છે !
‘‘કેમ દીકરી, અંધારાને પીતી હતી ?’’ અંદર આવીને એક નાનો કૂદકો મારી એમણે લાઈટ ચાલુ કરી.
‘‘તમે આખો દિવસ ક્યાં હો છો પપ્પા ?’’
‘‘અરે, સરોવર પાસેના પેલા મેદાનમાં એક સરકસ આવ્યું છે. હું તો અમસ્તો ત્યાં આંટો મારવા ગયેલો, પણ મેનેજર મારો ઓળખીતો નીકળ્યો ! મને કહે છે પોંગા, રવિવારના સ્પેશીયલ શોમાં મને તારી એક એક્સક્લુઝિવ આઇટમ જોઇએ, જોઇએ ને જોઈએ જ !’’
‘‘તો ?’’
‘‘તો શું ? બે દિવસથી રિહર્સલો કરતો હતો. ધમાલ કોમેડી આઇટમ બની છે. તારે જોવી છે ને ?’’
‘‘હું...’’
‘‘ઓ ગુંગી ! બહુ વિચાર ના કર. ચાલ, જલદી તૈયાર થઈ જા.’’
કવિતાને નવાઈ લાગી. કારણ કે આટલાં વરસો પછી પપ્પાએ તેને ‘ગુંગી’ કહીને બોલાવી હતી.
શા માટે ?
* * *
સરકસના મેનેજરે કવિતાને ખાસ આગળની વીઆઇપી સીટમાં બેસાડી હતી. કહ્યું હતું કે છેલ્લેથી બીજી આઇટમ તારા પપ્પાની છે.
એ આઇટમ શરૂ થતાં જ કવિતાની આંખો ચમકી ઊઠી. પપ્પાની એન્ટ્રી એક ધડાકા સાથે તોપમાંથી થઇ ! અઢીફૂટિયા પોંગા પપ્પા તોપના નાળચામાંથી વછૂટ્યા ત્યારે એમણે પટ્ટાવાળી ટૂંકી ચડ્ડી પહેરી હતી, નાડું લબડતું હતું અને પોતાનો રંગીન પાયજામો હાથમાં હતો !
હવામાં એક, બે અને ત્રણ ગુલાંટ માર્યા પછી ચોથી ગુલાંટે હવામાં ને હવામાં પાયજામો ફટાક કરતો પહેરી લીધો ! બીજી જ સેકન્ડે ભોંય પર બન્ને પગ ગોઠવાઇને એમણે ઓડિયન્સને સલામ મારી ! તંબૂમાં સીટીઓ વાગવા લાગી...
વાઊં ! કવિતાને થયું, પોતે કેટલાં વરસો પછી પપ્પાનો શો જોઈ રહી હતી !
હવેની મેઈન કોમિક આઇટમ એક લંબૂ જોકર સાથે હતી. લંબૂએ પગમાં લાંબા વાંસ પહેરીને હાઇટ પંદર ફૂટની કરી નાંખી હતી. એ પોતાના પગ પહોળા કરીને ઉંચે ઝૂલા પર બેઠેલી એક સુંદર છોકરી તરફ ફલાઈંગ કિસ આપી રહ્યો છે. છોકરી પણ સામે રિસ્પોન્સ આપી રહી છે...
આ દરમ્યાનમાં અઢીફૂટિયો પોંગા આવીને લંબૂના બે પગ વચ્ચે જાળીવાળો હીંચકો બાંધીને બિન્દાસ ઝૂલવા લાગે છે ! ઝૂલતાં ઝૂલતાં છોકરીને લાઈન પણ મારે છે !
પહેલાં તો લંબૂને કશો ખ્યાલ જ નથી આવતો પણ ઘ્યાન નીચેની તરફ જતાંની સાથે પોંગાને જોઈ સખ્ખત ભડકે છે ! એ પોંગાને મારવા દોડે છે પણ પોંગા વાંકોચૂકો દોડીને લંબૂને સખ્ખત ગૂંચવે છે.
આ પકડાપકડી જોઈને ઓડિયન્સ જબરદસ્ત ગેલમાં આવી ગયું. પોંગા ઘડીકમાં લંબૂના બે પગ વચ્ચેથી નીકળી જાય છે તો ઘડીકમાં કૂદકો મારીને એની કમર પર ઝૂલવા માંડે છે ! લંબૂ એને હાથ વડે પકડવા જાય ત્યાં પોંગા તેના એક પગ પર લપસીને લંબૂનો પાયજામો એક સાઈડથી ઉતારી નાંખે છે ! લંબૂ એનો પાયજામો પગ ઉપર પાછો ચડાવે ત્યાં પોંગા કૂદીને બીજા પગ પર ચોંટે છે અને નીચે લપસતાં એ બાજુનો પાયજામો નીચે ખેંચી કાઢે છે !
આખા સરકસના તંબૂમાં લોકો બેવડ વળીવળીને હસી રહ્યા હતા. કવિતા તો ઊછળી ઊછળીને હસી રહી હતી. ખેલ હજી ચાલુ હતો. લંબૂ વાંકો વળી પોંગાને પકડવા જાય છે પણ પોંગા એને લલચાવે છે, ટટળાવે છે અને અચાનક એના બે પગ વચ્ચે અંગ્રેજી આઠડાના આકારમાં ધૂમીને ગરબા ગાવા લાગે છે ! આ જોઇને ઓડિયન્સ પણ ખૂબ ચગ્યું. પોંગાના ગરબાના તાલે ઓડિયન્સ તાળીઓ વગાડવા લાગ્યું. સરકસનું ઓરકેસ્ટ્રા સૂર પૂરાવી રહ્યું હતું ‘‘પોપટ જોંણી ને મીં તો પિંજરૂં ઘડાયું...અલ્યા સૂડલા, ઓ સૂડલા તારી બોલી મને મીઠી મીઠી લાગે...’’
પોંગાએ ગરબાની એવી જમાવટ કરી નાંખી કે પેલો લંબૂ પણ બઘું ભૂલીને એમાં તાલબદ્ધ નાચવા લાગ્યો ! પણ પછી અચાનક પોંગા એના પગમાં આંટી ભિડાવી એને પાડવાની ટ્રાય કરે છે, તરત ગુસ્સામાં આવી લંબૂ પોંગાની પાછળ દોડે છે. ગરબાનો તાલ વિખરાઈ જાય છે. પોંગા ધમધમ કરતો એક લટકતા દોરડાની સીડી પર ચડી જાય છે.
ઉપર જઇને તે ક્યાંકથી ફટાકડાની લૂમ કાઢે છે અને લાઇટર વડે સળગાવીને લંબૂના ઉંચા ટોપા પર ફેંકે છે ! તડાતડ ફૂટતી ફટાકડાની લૂમથી લંબૂ હાવરો-બહાવરો બનીને જે કૂદાકૂદ કરી રહ્યો હતો એ જોઈને ઓડિયન્સ તો હસીહસીને પાગલ થઈ ગયું.
કવિતાની આંખોમાં પાણી આવી ગયાં. માત્ર બે જ દિવસના રિહર્સલમાં આટલી જોરદાર આઇટમ ? પપ્પા ખરેખર ગ્રેટ કહેવાય...
પણ હજી અસલી ટ્રિક તો બાકી હતી, પોંગા સીડી વડે એક લટકતા ઝૂલા પર પહોંચી જાય છે અને પછી ઉંધા લટકીને તે લંબૂને હેરાન કરવાનું ચાલુ કરી દે છે. લંબૂ એને પકડવા તાડના ઝાડની જેમ આમથી તેમ હલવા લાગે છે ! પણ પોંગાનો ઝૂલો વઘુ ને વઘુ લાંબી ઝોલ ખાવા લાગે છે. લંબૂ બે હાથ લાંબા કરીને પોંગાને પકડવા જાય છે ત્યાં પોંગા જ ફટ લંબૂના લેતાંકને બન્ને કાંડાં પકડી લે છે !
પછી જે ખેલ બન્ને જોકરોએ બતાડ્યો તે શ્વાસ અઘ્ધર કરી દે તેવો હતો. પોંગા લંબૂને હાથ વડે ઝૂલાવતાં ઝૂલાવતાં છેક ઉંચે ઉછાળીને તેને ગુલાંટ ખવડાવી અને લંબૂ ગુલાંટ ખાઈને નીચે પડતો હોય એ દરમ્યાનમાં પોંગાએ તેના પગ નીચે બાંધેલા બન્ને વાંસડા ખેંચી કાઢ્યા !
લંબુ જે અદ્ભૂત રીતે હવામાં ગુલાંટી મારીને નીચે પડ્યો તે જોતાંની સાથે જ ઓડિયન્સે તાળીઓનો ગડગડાટ કરી મૂક્યો ! કવિતાએ ચિચિયારી પાડી ઃ ‘‘વાઆઆઉ ! હેટ્સ ઑફ !’’
પરંતુ લંબૂએ પડતાંની સાથે જે ચીસાચીસ કરવા માંડી તે જોઇને લોકો ફરી જોરજોરથી હસવા લાગ્યા. પોંગા ઝડપથી ઝૂલો ફગાવી નીચે ઊતર્યો અને લંબૂની બે ‘નોર્મલ’ ટાંગો પકડીને તેને રીંગની બહાર ઘસડી ગયો. આઇટમ પૂરી થઈ ગઈ.
આખા તંબૂમાં લોકો પોતાની સીટ પરથી ઊભા થઈને તાળીઓના ગડગડાટ કરી રહ્યા હતા. કવિતા તો ગદ્ગદ થઈ ગઈ હતી. તેને થયું, હમણાં જ અંદર જઈને પપ્પાને કોન્ગ્રેચ્યુલેટ કરવા જોઈએ.
પરંતુ અંદર એના પપ્પા દેખાયા નહિ. ઝૂલાની લાસ્ટ આઇટમ માટે કલાકારો એન્ટ્રી લઈ રહ્યા હતા. કવિતા પપ્પાને શોધતી હતી ત્યાં જ મોબાઇલમાં રીંગ વાગી.
‘‘કવિતા, હું મેનેજર બોલું છું. તારા પપ્પા સરકસના તંબૂની પાછળ છે. તને બોલાવે છે.’’
કવિતા એ તરફ ગઈ. અહીં એક એમ્બ્યુલન્સ ઊભી હતી ! કવિતાને ફાળ પડી ઃ શું થયું ?
પણ એના પપ્પા સામે જ મળ્યા. ‘‘ચિંતા જેવું કંઈ નથી. લંબૂનો રોલ ભજવતા જોકરનો હાથ ખભામાંથી ખસી ગયો છે.’’
‘‘ઓહ, એણે પણ કમાલનું પરફોર્મન્સ કર્યું હતું.’’ કવિતા બોલી.
‘‘તો જા, જઈને અભિનંદન તો આપ ?’’
કવિતા એમ્બ્યુલન્સ પાસે જમા થયેલા લોકોને ખસેડતી અંદર પહોંચી તો ચમકી ઊઠી. એમ્બ્યુલન્સમાં અનુરાગ હતો !
‘‘અનુરાગ, તું ?’’
‘‘હા, જો ને ?’’ અનુરાગ જરા પીડા સાથે હસ્યો ‘‘જ્યારે તારા પ્રેમમાં નહોતો ત્યારે હાથમાં ફ્રેકચર થઈ ગયું હતું, અને જ્યારે પ્રેમમાં છું ત્યારે માત્ર ખભો ખસી ગયો છે !’’
અનુરાગે તેને હસતી જોવા માટે આટલું મોટું જોખમ લીઘું હતું ? કવિતાની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.
પાછળથી પપ્પા આવ્યા. નાના હાથ વડે કવિતાની હથેળી દબાવતાં તે બોલ્યા ‘‘દીકરી, હું શું કહેતો હતો ? સી હેપ્પી...બિ હેપ્પી !’’
કવિતા ધૂંટણિયે પડીને પપ્પાને બાઝી પડી ‘‘પપ્પા, યુ આર ગ્રેટ !’’ કવિતાની આંખોમાંથી આંસુની ધાર વહી રહી હતી.
દૂર વિદિશા સાથે ઊભા રહીને સઘળું જોઈ રહેલા દાદાજીએ હાથનો ઈશારો કરતાં એમ્બ્યુલન્સ ઊપડી...
* * *
બીજે દિવસે સવારે ‘પ્રાર્થના મેન્ટલ હેલ્થકેર’માં બધા મમ્મીના રૂમમાં ભેગા થયા હતા. આટલા બધા લોકોને એક સાથે જોઈને મમ્મીની આંખો ચકળવકળ થઈ રહી હતી.
પપ્પાએ ખભે લટકાવેલો ઝોલો ઉતારીને એમાંથી એક પતરાંનો લંબચોરસ ડબ્બો કાઢ્યો. એમાં સાચવીને રાખેલી નાનીમોટી ચીજોમાંથી એક જુનો, પીળો પડી ગયેલો કલર ફોટોગ્રાફ કાઢ્યો.
કવિતાના બાળપણના દિવસોમાં પાડેલી એ અણમોલ તસવીર હતી, જેમાં કવિતા અને હેપ્પી રંગબિરંગી વેશભૂષા સજીને સરકસમાં કોમિક આઇટમ રજૂ કરી રહ્યાં હતાં.
પપ્પાએ પહેલાં ફોટામાં કવિતા પર આંગળી મૂકી, પછી સામે ઊભેલી કવિતા તરફ આંગળી ચીંધી. આમ વારંવાર કહીને તે બોલતા રહ્યા, ‘‘ગુંગી...ગુંગી...ગુંગી...’’
ચાર-પાંચ વાર આમ કર્યા પછી મમ્મીએ આંખોમાં ઓળખાણનો અણસાર આપીને ગરદન હલાવી.
હવે પપ્પાએ ફોટામાં અનુરાગને બતાડ્યો અનુરાગનો મચકોડાયેલો હાથ ઝોળીમાં હતો. ‘‘હેપ્પી...હેપ્પી...’’ પપ્પાએ સામે ઊભેલા અનુરાગને બતાડ્યો ‘‘હેપ્પી...હેપ્પી...’’
થોડી ક્ષણો પછી મમ્મીની કીકીઓ થથરી !
પાંપણોએ પલકારા માર્યા !
‘‘હેપ્...હેપ્....’’ મમ્મીના હોઠ ઘૂ્રજી રહ્યા હતા. થથરતા હોઠ છેવટે સ્મિતમાં પલટાયા....
‘‘હેપ્ હેપ્...’’ બોલવાની કોશિશ કરતાં કરતાં તે છેવટે બોલી ઊઠી ‘‘હેપ્પી !’’
કવિતાના રોમેરોમમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. આટલાં વરસોમાં તેણે પહેલીવાર મમ્મીના ચહેરા પર સ્મિત જોયું હતું. જાણે એક ચમત્કાર થઈ રહ્યો હતો ! વિદિશાની આંખો હર્ષનાં આંસુથી છલકાઈ રહી હતી.
મમ્મીની ગરદન આવકારમાં હલવા લાગી. દાદાજીએ અનુરાગને આગળ કર્યો. અનુરાગ કવિતાની મમ્મીને બાઝી પડ્યો. મમ્મીની આંખોમાંથી હર્ષનાં આંસુ રેલાઈ રહ્યાં હતાં. ‘‘હેપ્...હેપ્...હેપ્પી ! હેપ્...હેપ્પી !’’
પપ્પાએ ધીમે રહીને મમ્મીના હાથ છોડી નાંખ્યા. મમ્મી અનુરાગને ભેટી પડી. પ્રાર્થનાના ઓરડામાં લાગણીઓની છોળો ઊડી રહી...
દાદાજીએ અનુરાગના ખભે હાથ મૂકીને કહ્યું, ‘‘જોયું દીકરા ? ભગવાને તારા ચહેરામાં કંઈક એવું જાદુ મૂક્યું છે કે સામેવાળાની જિંદગીમાં ખુશીઓ ભરી દે !’’
‘‘ખરેખર એવું હશે ?’’
‘‘હા, પણ તું અત્યાર સુધી એ જાદુનો ઉપયોગ તારી પોતાની મઝાઓ માટે કરતો રહ્યો. હવે પ્રોમિસ કર કે તું તારા આ ચાર્મનો ઉપયોગ બીજાને ખુશ રાખવા માટે જ કરીશ, કોઈને દુઃખી કરવા માટે નહિ.’’ દાદાજી હસ્યા ‘‘ખાસ તો કવિતાને !’’
‘‘દાદાજી, હું પ્રોમિસ આપું છું.’’ અનુરાગ સિરીયસ હતો.
‘‘જોકે મને તારા પ્રોમિસમાં બહુ ભરોસો નથી. તું ગમે ત્યારે એ તોડી બેસે એવો છે.’’ દાદાજી પણ સિરીયસ હતા.
‘‘તોડે તો ખરો ?’’ કવિતાએ પપ્પાના ઝોલામાંથી એક ચીજ કાઢીને ઉગામી ‘‘ આ સ્લૅપસ્ટિક જોઈ છે ?’’
પ્રાર્થનામાં હાસ્યની છોળો ઊડી...
(સમાપ્ત) |