વર્તમાન સમયમાં જનીનવિજ્ઞાનનાં સંશોધનોએ એક આંધી સર્જી છે. અત્યાર સુધી માનવજાતને એ ફિકર હતી કે પરમાણુ શસ્ત્રોની દોડનું પરિણામ માનવસંહારમાં તો નહીં આવે ને ? પરંતુ હવે માનવીમાં એથીયે વઘુ ફિકર એ જાગી છે કે આ જનીનવિજ્ઞાન અનેક દિશાએથી માનવજીવનનાં જુદાં જુદાં ક્ષેત્રો પર ક્રાંતિકારી પ્રભાવ પાડી રહ્યું છે અને માનવીની સામાજિક, રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક બાબતોમાં ભવિષ્યમાં એ કેવા ધરતીકંપો સર્જશે એ કલ્પવું મુશ્કેલ છે. આ જનીન વિજ્ઞાન માનવજાતના આઘ્યાત્મિક અને નૈતિક મૂલ્યોને રફે-દફે કરી નાખે તેવું છે. વળી વર્તમાન સમયમાં જનીનવિજ્ઞાનનાં સંશોધનોનો પ્રબળ વિસ્ફોટ થયો છે અને એની પાછળ એનું ઘ્યેય આપણાં દેહનાં રહસ્યો, આપણાં મનનાં રહસ્યો અને આપણા વર્તનની જટિલતાને સંશોધન દ્વારા પ્રગટ કરવાનું છે. આ સંશોધનો એ માનવીની પૂછતાછ કરનાર, માનવીનું પૃથ્થકકરણ કરનાર અને માનવીને સમજવા માટેનો ક્રાંતિકારી અથવા ઉથલપાથલ કરનારો પ્રયત્ન છે. એ દ્રષ્ટિએ જનીનવિજ્ઞાન દ્વારા જિંદગીનાં મૂળ રહસ્યોને ઉકેલવાની કોશિશ ચાલે છે.
જનીન ચિકિત્સાએ હવે એ વાત પર નજર ઠેરવી છેકે માણસના જનીન બદલાવી શકાય ખરા ? આને માટે ઊંદરો પર ઘણાં સંશોધનો કરવામાં આવ્યાં અને જનીનની ફેરબદલી કરીને ઊંદરો દ્વારા માનવીના જન્મજાત રોગોનો અભ્યાસ કરવામાં આવ્યો. આમાં રોગીના રોગગ્રસ્ત કોષોબહાર કાઢીને નવા જનીનની પ્રતિકૃતિ દાખલ કરી તેને પાછા રોગીના શરીરમાં મૂકી દેવામાં આવે છે. પહેલાં પ્રાણીઓ પર આ બધાં સંશોધનો થયાં. હવે માનવ પર સંશોધન થઈ રહ્યા છે અને એવી પ્રથમ ચિકિત્સા અમેરિકાના ઓહાયો રાજ્યમાં રહેતાં મૂળ શ્રીલંકાના વતની વાન ડી સિલ્વાની પુત્રી અશાન્તિ ડી સિલ્વા પર કરવામાં આવ્યો. એ જે ક્ષતિથી પીડાતી હતી, એમાંથી એને સ્વસ્થ કરવામાં આવી. આપણે એ જાણીએ છીએ કે પ્રાણીના અવયવોનું માનવીમાં પ્રત્યારોપણ કરવાની આ ચિકિત્સાપઘ્ધતિની વાતે ખળભળાટ મચાવ્યો છે. ડુક્કરનાં અવયવોનું પ્રત્યારોપણ માનવીમાં શક્ય બન્યું છે. આને પરિણઆમે જ આ જગતના સામાજિક, ધાર્મિક અને નૈતિક એવા કેટલાય ખ્યાલો કડડભૂસ કરીને તૂટી પડશે. અંધારામાં ચમકતા તમાકુના છોડ, રંગીન ઊન આપતાં ઘેટાં ્ને રંગીન રૂ આપતા કપાસના છોડ જનીનવિજ્ઞાનની ભેટ છે.
જનીનવિજ્ઞાન ગુનેગારોને શોધવામાં કે રોગોને પારખવામાં માણસજાતને આશીર્વાદરૂપ બન્યું છે.ગુનેગારનું લોહી, ચામડી, વાળ, વીર્ય કે થૂંક મળી આવે તો પણ તેમાંથી ગુનેગારને જાણી શકાય છે. એ રીતે પિતૃત્વ નક્કી કરવા માટે પણ બાળકના ડી.એન.એ. સાથે માતાપિતાનું ડી.એન.એ. સરખાવવામાં આવે છે અને બાળકનું પિતૃત્વ નક્કી કરી શકાય છે. આવી જ રીતે કૅન્સર અને વિશેષે કરીને સ્તન કૅન્સરમાં પણ જનીનવિજ્ઞાન ઉપયોગી બની રહ્યું છે. જનીન સ્ક્રિનિંગ દ્વારા ક્ષતિગ્રસ્ત જનીનને દૂર કરી શકાશે અને એ રીતે આવનારા રોગને પણ અટકાવી શકાશે. આયુષ્ય વઘાપવા માટે જનીનને લગતા ગતિશાસ્ત્રને આયુષ્યને મુલતવીર ાખવાના હેતુથી ચકાસી શકાશે. વ્યક્તિની વેદનાપૂર્ણ માનસિક સ્થિતિ અને વર્તનની અસ્થિરતા જનીનવિજ્ઞાનની શોધો દ્વારા અંકુશમાં લાવી શકાશે અને તેની સારવાર કરી શકાશે, તો બીજી બાજુ અત્યાર સુધી જેનાથી દૂર ભાગવામાં આવે છે તેવા બૅકટેરિયા અને વાયરસને પણ નવાં રસાયણો, દવાઓ અને આહાર બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય. ખેતીવાડી અને ઔદ્યોગિક ક્ષેત્રોને ગુણવત્તાસભર બનાવવા માટે બાયોટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.
આપણે કલ્પના પણ કરી ન હોય એટલા જનીનવિજ્ઞાનના પ્રયોગો આજે જગતમાં ચાલી રહ્યા છે અને તે એક અર્થમાં ભયપ્રેરક છે. જે ઝડપથી બાયોલોજીકલ પસંદગીઓ થાય છે અને તેને અમલમાં મૂકવામાં આવે છે, એનાથી જીવશાસ્ત્રની નૈતિકતાના પ્રશ્નો ઊભા થાય છે. આ પ્રશ્નો આ શાસ્ત્ર ઉકેલી શકે તેમ નથી. જેમ કે, માનવીમાં પ્રાણીના અંગનું પ્રત્યારોપણ કર્યું હોય તો પછી એ માનવીનું પ્રત્યારોપણ પછીનું વર્તન કેવું હશે એ અગાઉથી જાણી શકાતું નથી. પ્રાણીમાં માનવીનું અંગ મૂકવામાં આવ્યું હોય તોપણ એ જ પરિસ્થિતિ થશે. આનો અર્થ એ છે કે હવેની દુનિયામાં જનીનવિજ્ઞાનને કારમે જાગેલી અનેક સમસ્યાઓનો અનુભવ થશે. અત્યારે તો જનીનવિજ્ઞાનના પ્રયોગોના પ્રભાવ હેઠળ મનુષ્યજાતિ આવી ગઈ છે. ગર્ભનિરોધકોના વિકાસથી અન નવી પ્રજોત્પાદનની ટેકનોલોજી દ્વારા સૌપ્રથમ પ્રાકૃતિક કડી તૂટશે. સ્ત્રીઓને પ્રસૂતિમાંથી મુક્તિ મળશે. કેટલાક સ્ત્રીમુક્તિના ટેકેદારો એમ કહે છે કે ગર્ભધારણ કરવામાંથી મુક્તિ એ સ્ત્રીની સૌથી મોટી મુક્તિ હશે. આ રીતે સ્ત્રીના ગર્ભની બહાર અકુદરતી રીતે પ્રજોત્પાદન થશે.
જો કે પ્રજોત્પાદન ટેકનોલોજીનો આ વિકાસ સ્ત્રીને માટે જોખમરૂપ પણ બને. એમાંથી માતૃત્વ વિશે અસંખ્ય પ્રશ્નો ઊભા થશે. બાળકના ઉછેર સાથે માતાનો ગર્ભકાળ સંકળાયેલો છે તે અંગે કોઈ વિચિત્ર પરિસ્થિતિ ખડી થશે. વળી પ્રજોત્પાદનની શક્તિ વિશે પણ ચેતવણીરૂપ પ્રશ્નો જાગશે. આવી રીતે જન્મેલું બાળક પ્રજોત્પતિ અને માતૃત્વના નવા જ પ્રશ્નો જગાવશે.
આ બધા કરતાં સૌથી મોટો ભય બાયો-ટૅરરિઝમનો છે. નવી દુનિયાને માટે આ એક થીજવી નાખે તેવી વાસ્તવિકતા છે. મનુષ્યજાત પર બાયોલોજીકલ અને રાસાયણિક હુમલાઓ થાય તો એને માટે બચવું મુશ્કેલ છે અને આજે તો બાયો-ટૅરરિઝમથી આવતા ચિત્ર-વિચિત્ર રોગોને રોકવા માટે દવાઓ, સાધનો, સંશોધનો એ ટૅક્નોલોજીની પુષ્કળ જરૂર છે. મનુષ્યની જિંદગીના સુધારામાં જનીનવિજ્ઞાને મહત્ત્વનું યોગદાન કર્યું છે, તો એની સાથોસાથ મનુષ્યજાત માટે ખતરો પણ ઊભો કરે છે. આ સંશોધનોની પાછળ ઉચ્ચ ઈરાદો હોય, તો પણ શુભ પરિણામ આવતું નથી અને નુકસાનકારક પરિણામ પ્રાપ્ત થાય છે. આથી આવાં સંશોધનોને આજના માનવીએ મનુષ્યજાતિને લાભદાયી થાય એટલા જ અર્થમાં જોવાને બદલે એક નવી જવાબદારી સાથે આ સંશોધનો અંગે વિચાર કરવો જોઈએ.
આપણી મનુષ્ય તરીકેની અસીમ આવડતનો દુરુપયોગ ન થાય તે માટે સાવધ રહેવું જોઈએ. આ શોધો આપણી જિંદગીના પાયાના સત્યોને ઘ્વંસ કરી શકે તેવી છે અને આપણી જાતને વૈજ્ઞાનિક વમળોમાં ડૂબાડી દે તેવી છે. પણ મનુષ્ય એ ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન હોવાને પરિણામે એણે એના માનવીય મૂલ્યો અને સદ્ગુણોને જીવંત રહેવા માટે પ્રયત્ન કરવો જોઈએ. માણસ તરીકે માણસ પાસે અમૂલ્ય અને અમાપ પ્રતિષ્ઠા છે ત્યારે ક્લોનિંગ, સ્ટૅમસેલ સંશોદન, શાંતિપૂર્વકનું સહજ મરણ નિપજાવવાની બાબત અને એવાં બીજાં કાર્યો સાથે જનીનવિજ્ઞાન જોડાય છે, ત્યારે એને જરૂર છે માનવી પ્રતિષ્ઠાની, ચિંતનશીલ વિચારની અને એના ગંભીરપણે અમલીકરણની.
ક્ષણનો સાક્ષાત્કાર
‘માણસ એ તો શેતાનનું કારખાનું છે’ એવાં વાક્યો જ્યારે વારંવાર સાંભળવા મળે છે, ત્યારે હૃદયને દુઃખ અને આઘાતનો અનુભવ થાય છે. પરમાત્માની મહત્તા સિદ્ધ કરવા માટે મનુષ્યને કેવો હીન અને અધમ ચીતર્યો છે! માણસ પાપી છે, દોષી છે, વિકારી છે એમ કહીને એને નીચો અને હલકો બતાવીને પરમાત્માને ઊંચા સ્થાને બેસાડવામાં આવે છે.
માણસ વિશે આપણાં શાસ્ત્રોએ કેટલા બધાં હીન વચનો કહ્યાં છે. એને દોષોની ખાણ તરીકે વર્ણવ્યો છે અને જાણે માણસ ટીકા, ઉપાલંભ અને ફીટકારને પાત્ર હોય તેમ આલેખન કર્યું છે. આનું પરિણામ એ આવ્યું કે માણસ પોતાની જાતને ક્ષુદ્રાતિક્ષુદ્ર માનવા લાગ્યો અને પોતાના જીવન તરફ ધિક્કાર કેળવવા લાગ્યો. એણે એની ભીતરમાં શક્તિઓની ઉપેક્ષા કરી.
પરમાત્માને ઊંચે આસને બેસાડવા માટે માણસને કેટલો નીચો પાડ્યો. એ પોતાની માનવ ચેતનાને વીસરી ગયો અને માત્ર પરમાત્મા પાસે ભિક્ષાપાત્ર લઇને કોઇ યાચકની માફક ઊભો રહી ગયો. એણે એની જાતને કચડી નાખી. પોતે જાણે કશું જ નથી, એમ માનીને એ પરમાત્માની ભક્તિ કરવા લાગ્યો. હકીકતમાં પરમાત્મા મહાન છે પણ એ જ રીતે માણસ પણ પોતાની ભીતરમાં અખૂટ શક્તિઓનો ભંડાર છે.
|