| Last Update : 05-Sept.-2010, Sunday |
|
|
|
|
|
|
|
 |
|
| પરફેકટતા |
| જાણે તે માણે -ચાર્વાકરાવલ |
એટલું તો ઇવન ટેકચંદ અગ્નાની પણ જાણે છે કે જગતમાં કશું જ પરફેકટ નથી. પત્ની તરીકે શ્રીમતી ટેકચંદ સંપૂર્ણ - ભોજનેષુ માતા, શયનેષુ રંભા હોવા છતાંય. અથવા કદાચ એટલે જ કહ્યું છે ને- પૂર્ણતા જ અપૂર્ણતાની નિશાની છે ! શ્રીમાન ટેકચંદ અગ્નાનીને ૨૦૦૧માં હળવો હાર્ટ એટેક શું આવ્યો, પરમ ગનાન- પરલોક સિધાવ્યા સિવાય પરફેકટતા પ્રાપ્ત થતી નથી- એક જોરદાર ઝટકા સાથે પ્રાપ્ત થયું હતું. શોકસભામાં સ્વર્ગસ્થ વિશે સારું સારું બોલવાનો સુરિવાજ અમસ્તો નથી પડયો. ઇસ્વીસન પૂર્વે ચોથી સદીમાં એક આદિ સિંધી સજ્જન પર જ્ઞાનનો જાન લેવા દૌરો પડયો હતો, ત્યારથી ‘સ્વર્ગસ્થ માત્ર, પરફેકટતાને પાત્ર’ સૂત્ર સમાજમાં સજડબમ્મ ધૂસી ગયું છે.
માણસ બહુ અળવિતરું પ્રાણી છે. મૃત્યુ પામીને ય પરફેકટતા પ્રાપ્ત કરશે. પણ જીવતે જીવ અપૂર્ણતા સાથે પડયું પાનું નિભાવી નાખશે. ઉપરથી ‘મૃત્યુ એ પૂર્ણવિરામ નથી’ એવો વહેમ પાળશે. વિદ્વાનો પાસે મૃત્યુની પરફેકટ વ્યાખ્યા નથી. કાળા ધોળાની વાત જવા દો, ઇવન વગર માથાના માનવીએ પણ મૃત્યુનો અનુભવ કર્યો નથી. સ્વયં મૃત્યુ જ પરફેકટ નથી ત્યાં વિદ્વત્તાની વાત કયાં કરવી ? પરફેકટતાની ઉણપના સીધા અનુપાતમાં જ્ઞાનનું સંવર્ધન થાય છે. ટપ્પી પડે તો સમજવું કે તમે પરફેકટ એટલે કે સ્વર્ગસ્થ છો. બોલ્યું- ચાલ્યું માફ થઇ ચૂકયું હોય ત્યારે સમજણને વિકસ્યે જ છૂટકો.
સર્જનહારની શ્રેષ્ઠ કૃતિ - માનવી પરફેકટતાથી કેમ વંચિત રહી ગયો ? કહેવાય છે કે બ્રહ્મા જ્યારે પરફેકટતાનું વિતરણ કરતા હતા ત્યારે માનવીએ ધક્કામુક્કી કરી હતી. કાગડા - કૂતરા, ઉંટ- વનચેર જેવા જીવોને પરફેકટતા આપીને શું કમાવાનું છે એવી અન-વાહિયાત દલીલ બ્રહ્મા સાથે કરી. ખલ્લાસ. બ્રહ્મા દયાના મહાસાગર હોવાથી માનવીને સંપૂર્ણતાથી સંપૂર્ણ મુકત રાખ્યો !
‘જે થાય તે સારા માટે’ સૂત્ર બ્રહ્માની કૃપાને કારણે પ્રચલિત થયું છે. અન્યથા માનવીની મૂર્ખતાય પરફેકટ હોત. અપૂર્ણ મૂર્ખતાની મૂડી પર માનવ જાતે આટલી અધોગતિ કરી છે. વગર સાદી ત્રિરાશિ માંડ્યે સમજાશે કે મૂર્ખતાના મામલામાં માનવી સંપૂર્ણ હોત તો અણુયુઘ્ધ કર્યા વગર રહ્યો ન હોત. અરે બિચારી બેકારી, ગરીબી અને ઇવન બિમારીને નેસ્તનાબૂદ કરી નાખી હોત. માનવી હોવાની પીડા જ પરફેકટ નથી ત્યાં માનવ પ્રેમ મંજીરામાં સંપૂર્ણ હોય ?
અમદાવાદના એક બિલ્ડર મિત્ર પરફેકટતાના આગ્રહી છે. લાભાર્થીઓનું સંપૂર્ણ કરી નાખતા નથી. થોડું મૂંડન બાકી રાખે છે. એમની રણનીતિ પ્રમાણે પરફેકટતાનો આગ્રહ રાખવાથી થોડું વત્તું -ઓછું ઘણે ભાગે વધારે પડતું કરી નાખવાનો મેળ પડે છે. મુંબઇના દિવાકર વરલીકર પીધા પછી કદી પીતા નથી. ખાણીપીણી જેવી પાલતુ બાતમાં ય માનવી પરફેકટ નથી. શરમ, શરમ !
મુંબઇના એક સાહિત્યકારે પરફેકટ નવલકથા લખી છે. વાહિયાતમાં વાહિયાત વાર્તા પણ પરફેકટ હોતી નથી. વિશ્વ સાહિત્યમાં એવી એક પણ કૃતિ નથી જેની વાહિયાતતા વધારી શકાય નહિં.
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|
|