દેશના ભદ્ર વર્ગના લોકો અને કોર્પોરેટ કંપનીના એક્સિક્યુટિવો જેવા ૧૧ લાખ લોકો છેલ્લા થોડા સમયથી ભારે ટેન્શનમાં છે. તેમનું ચિંતાનું કારણ છે બ્લેકબેરી ફોન બનાવતી ‘રિસર્ચ ઇન મોશન’ (આરઆઇએમ) કંપની અને ભારત સરકાર વચ્ચે ચાલતી ચર્ચાવિચારણાઓ. વાસ્તવમાં બે બ્લેકબેરી ફોન વચ્ચે સંદેશાની આપ-લે કરવા માટે કેનેડાસ્થિત ઉત્પાદક કંપનીના સર્વરનો ઉપયોગ થતો હોવાથી મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓનો છેદ ઊડી જાય છે. પરિણામે તેના સંદેશા આંતરવાનું મુશ્કેલ બની જાય છે. આપણા દેશ પર કાયમ આતંકવાદનું જોખમ તોળાતું રહે છે. આવી સ્થિતિમાં આતંકવાદીઓ બ્લેકબેરીનો ઉપયોગ કરીને આસાનીથી આપણી જાસૂસી સંસ્થાઓને બાયપાસ કરી શકે. આ વાતને ઘ્યાનમાં લઇને ભારત સરકારે ઉત્પાદક કંપનીને ૩૧મી ઓગસ્ટ પહેલાં બ્લેકબેરી એન્ટરપ્રાઇઝ સર્વિસિઝ (બીઇએસ) અને બ્લેકબેરી મેસેન્જર સર્વિસીઝ (બીબીએસ)ને કાયદેસર રીતે આંતરવા માટે ટેક્નિકલ ઉકેલ આપવામાં નહીં આવે તો બ્લેકબેરીની સેવાઓ પર પ્રતિબંધ મૂકી દેવાની ચેતવણી આપી છે. સરકારે આરઆઈએમને તેમની સેવાઓનો લીગલ એન્ફોર્સમેન્ટ એજન્સી (એસઇએ) દ્વારા ઉપયોગ થઇ શકે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક સર્વિસ પ્રોવાઇડરોના જીએસએમ નેટવર્ક પરથી કરવામાં આવેલા વોઇસ કોલ્સને આપણી જાસૂસી સંસ્થાઓ આતંરી શકે છે. પણ એક બ્લેકબેરી પરથી બીજા બ્લેકબેરી પર કરવામાં આવતા વોઇસ કોલ્સને આંતરવાનું કપરૂં છે. જો તેને આંતરવામાં સફળતા મળે તોય તેને ઉકેલી શકાતા નથી. જોકે કંપનીએ ભારત સરકારને રાષ્ટ્રની સુરક્ષા માટે જરૂરી નંબરો પર નિગરાની રાખવા આવશ્યક માહિતી પૂરી પાડવાનું વચન આપ્યું છે. કંપનીએ ‘ઇન્ડિયન લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ’ને વોઇસ એસએમએસ અને બ્લેકબેરી ઇન્ટરનેટ સર્વિસીઝ (બીઆઇએસ)ના હક આપી દીધાં છે.
આ કંપનીએ પહેલાં એવી ઓફર કરી હતી કે ભારતને જે ફોન કે મેસેજની માહિતી જોઈતી હોય એ કંપની દસ દિવસની અંદર પૂરી પાડશે. એ પહેલાં કંપનીએ બ્લેકબેરી મેસેન્જર (બીબીએમ) સર્વિસ અને બ્લેકબેરી એન્ટરપ્રાઈઝ મેઈલ સર્વિસ (બીઈએસ)ને લગતી વિગતો મેન્યુઅલી પૂરી પાડવાની ઓફર કરી હતી.
ભારતના અધિકારીઓએ કહ્યું હતું કે કેનેડામાંના સર્વરમાંથી ઓટોમેટિક રીતે માહિતી મેળવવાની પઘ્ધતિ પણ જોખમી છે, કારણ કે એ માહિતીને અધવચ્ચે કોઈ હેક કરી શકે છે. ભારત સરકારની માગણી પૂરી કરવા માટે આરઆઈએમને ૩૧મી ઓગસ્ટનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ ભારત સરકારે આ સમયમર્યાદા પાછળ ઠેલી છે.
આમ છતાં ભારતને હજી તેનાથી વઘુ જોઈએ છે. આપણી સરકાર બ્લેકબેરીનું સમાંતર સર્વર ઇચ્છે છે. જેથી આપણને તેના સમગ્ર નેટવર્કમાંથી જ્યારે જરૂર પડે ત્યારે સંદેશા આંતરવાની સુવિધા પ્રાપ્ત થઇ શકે. આમાં સાંકેતિક ભાષા અથવા ગૂઢાર્થ ધરાવતી અત્યંત સલામત ‘બ્લેકબેરી એન્ટરપ્રાઇઝ સર્વિસ’ (બીઇએસ) અને બ્લેકબેરી મેસેન્જર સર્વિસ (બીેએમએસ)નો સમાવેશ પણ થાય છે. બીઇએસના માઘ્યમથી મળતી બ્લેકબેરીની ઇમેલ સેવા ચોક્કસ મર્યાદામાં બંધાઇ જતી હોવાથી કોર્પોરેટ કંપનીના માંધાતાઓને એકબીજા સાથે માહિતીની લેવડદેવડ કરવાનો અત્યંત સલામત સ્ત્રોત મળી રહે છે. કહેવાનો અર્થ એ છે કે બ્લેકબેરીના વર્તુળમાંથી તેમની માહિતી લીક થવાનો કોઇ ભય તેમને સતાવતો નથી. કારણ કે આને માટે ઉત્પાદક કંપનીએ જે તે કંપનીઓને આપેલા ‘પર્સનલાઈઝ’ સર્વરનો ઉપયોગ થાય છે.
ગૃહ મંત્રાલયના અધિકારીઓ અને ‘ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન’ (ડોટ) સાથે થયેલી પુષ્કળ ચર્ચાવિચારણા દરમિયાન આરઆઇએમે એવો દાવો કર્યો હતો કે તેમને પણ ‘પર્સનલાઇઝ’ સર્વરમાં પ્રવેશવાનો હક નથી. તેથી જો તેમને ચોક્કસ કંપનીની માહિતી જોઈતી હોય તો તેમણે સંબંધિત કંપની પાસેથી જ તે જાણકારી મેળવવી પડે. જ્યારે ગૃહ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે અમે અમારા તરફથી ઉત્પાદક કંપની સાથે કોઇ બાંધછોડ કરવા નથી માગતા. અમને બ્લેકબેરી પરથી થતા પ્રત્યેક કમ્યુનિકેશન વિશે માહિતી મેળવવાનો હક જોઈએ છે. બ્લેકબેરીનો વિવાદ છેડાયો તેનું કારણ એ છે કે છેલ્લાં થોડાં વર્ષોથી ભારત સરકાર દ્વારા કરચોરો, અસામાજિક તત્ત્વો અને આતંકવાદીઓ પર નજર રાખવા અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દિલ્હીના પોલીસ મુખ્યાલયમાં સાતમા માળે બનાવવામાં આવેલા સ્પેશ્યલ સેલમાં ડઝનબંધ લોકો ચોવીસે કલાક હેડફોન પહેરીને, કમ્પ્યુટર સામે બેસીને ૩૦૦ જેટલા નંબરો પર બાજનજર રાખી રહ્યાં છે. લગભગ ૧૫ જેટલાં સર્વિસ પ્રોવાઇડરોએ તેમને શંકાસ્પદ અપરાધીઓ, ઉગ્રવાદીઓ અને તેમના સહયોગીઓના નંબરોની સમાંતર લાઇન આપી છે. દિલ્હીની છુપી પોલીસ ગૃહ મંત્રાલયની આગોતરી મંજૂરી લઇને સતત તેમની વાતચીત સાંભળી રહી છે. પરંતુ બ્લેકબેરીનું સમાંતર સર્વર આપણી પાસે ન હોવાથી આ સઘળા અસામાજિક તત્ત્વો તેનો ઉપયોગ કરીને આપણા જાસૂસી તંત્રને હાથતાળી આપવામાં સફળ થઇ જાય છે.
દિલ્હી પોલીસ ઉપરાંત ‘એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ’, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન’, ‘ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ’, ‘ઇન્ટેલિજન્સ બ્યુરો’, ‘સેન્ટ્રલ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ બ્યુરો’ અને ‘નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો’ પણ શંકાસ્પદ તત્ત્વોના ફોન સાંભળે છે. એકલી કન્દ્રીય સંસ્થાઓ જ રોજના ૫,૦૦૦ જેટલાં ફોન ટેપ કરે છે. આમાંના કેટલાક નંબરો માટે ગૃહ સચિવ જી. કે. પિલ્લઇ પાસેથી મંજૂરી લેવામાં આવી છે. તેમણે કબૂલ્યું હતું કે તેમને ફોન ટેપિંગની મંજૂરી માટે દરરોજ સેંકડો અરજીઓ મળે છે. બધા જ ફોન કાયદેસર ટેપ કરવામાં આવે છે. આમ છતાં લગભગ દસેક નંબર પરવાનગી લીધા વિના પણ ટેપ થાય છે. આ આંક કદાચ તેના કરતાં વધારે પણ હોઇ શકે, પરંતુ તેનો કોઇ રેકોર્ડ ન હોવાથી ચોક્કસ આંક કહેવો મુશ્કેલ છે. રાજ્યોની પોલીસને પણ ફોન ટેપ કરવાની સત્તા હોવાથી સમગ્ર દેશમાં ફોન ટેપ થવાની સંખ્યા લાખો સુધી પહોંચી શકે. સરકાર આને માટે સૌથી મોટું કારણ ત્રાસવાદને ગણાવે છે. સરકારે એરટેલ, વોડાફોન, રિલાયન્સ, ટાટા, આઇડિયા, બીએસએનએલ અને એમટીએનેલ જેવા બ્લેકબેરીની સર્વિસ સુદ્ધાં આપતા સર્વિસ પ્રોવાઇડરોને બ્લેકબેરીની બીઇએસ અને બીએમએસ સેવા ૩૧મી ઓગસ્ટથી બંધ કરવાનો આદેશ આપ્યો છે. પરિણામે હાંસિયામાં ધકેલાઈ ગયેલી આરઆઇએમે બીઇએસને આંતરવા કોઇક માર્ગ શોધી કાઢવા માટે ભારત સરકાર પાસે સમય માગ્યો છે, પણ ભારતની ગુપ્તતા જાળવવા વિશેની ઢીલી નીતિ અને અનિયંત્રીત ઇ-જાપ્તો કંપની માટે ચિંતાનું કારણ છે.
રસપ્રદ વાત એ છે કે ગૃહ મંત્રાલયને ફોન ટેપ કરવા મંજૂરી માગતી જેટલી વિનંતીઓ આવે છે તેમાંની મોટાભાગની ટેક્સચોરોના ફોન ટેપ કરવા માટેની હોય છે. ટેલિકોમ મિનિસ્ટર એ. રાજાને સંડોવતા કૌભાંડનો પર્દાફાર્શ કરવામાં લોબીઇસ્ટ અને પીઆર કંસલટન્ટ નીર રાદિયાના ટેક્સચોરી સંબંધે કરવામાં આવેલા ફોન ટેપિગંનો મહત્ત્વનો ફાળો હતો.
નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’એ કેટલાંક રાજકારણીઓના ફોન અનધિકૃત રીતે ટેપ કર્યાં હતાં તે બાબતે સંસદમાં ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. રાજ્ય સભાના વિપક્ષના નેતા અરૂણ જેટલીએ આ બાબતે સરકારના ઉદ્દેશ સામે પ્રશ્ન કર્યો હતો. તેમણે એવો આરોપ મૂક્યો હતો કે સરકાર માઓવાદ જેવા મહત્ત્વના મુદ્દે ઇ-સર્વિલન્સનો ઉપયોગ કરીને જરૂરી માહિતી એકઠી કરવામાં નિષ્ફળ ગઇ હતી. સરકારે જ્યાં જરૂર હતી ત્યાં આ અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ નહોતો કર્યો. જિહાદીઓ, ઉગ્રવાદીઓ વિશે માહિતી મેળવવામાં પણ સરકાર ઉણી ઉતરી હતી. આ બઘું જોતા એમ લાગે છે કે સરકારે તેનો ઉપયોગ વિપક્ષીઓની જાસૂસી કરવા અને કેટલાંક કેસમાં કદાચ પોતાના પક્ષના સભ્યોની જાસૂસી કરવા જ કર્યો હતો.
આ સિનારિયો જોતાં બ્લેકબેરીના ડાટા મેળવવાના હક મેળવવાની અસરકારકતા સામે પ્રશ્ન ઊભો થાય છે. આ કારણે સલામતી એજન્સીઓ પણ સરકાર અને આરઆઇએમ વચ્ચે થતી વાટાઘાટો પર બારીક નજર રાખી રહી છે. સરકાર બ્લેકબેરીને રાષ્ટ્રની સલામતીના કારણોસર આંતરવા સાથે તેના વપરાશકર્તાઓની ગુપ્તતા જાળવવા વચ્ચે સંતુલન સાધી શકે છે કે નહીં તે જોવાનું રહે છે. આ મુદ્દો સ્કાયપે, ગુગલ મેલ અને ચેટ જેવી ઇ-કમ્યુનિકેશન પદ્ધતિને પણ અસર કરી શકે તેમ હોવાથી ટેક કંપનીઓ પણ આ મુદ્દા પર બારીક નજર રાખી રહી છે. તેમની દલીલ છે કે શું ભારત સંબંધિત ટેક્નોલોજી પર પ્રતિબંધ મૂકીને તેની સામે લડત આપી શકે તેમ છે. એવા બીજા ઘણાં માર્ગો છે જેનો ઉપયોગ કરીને લોકો પોતાના મેલ સાંકેતિક ભાષામાં મોકલી શકે છે. ત્રાસવાદીઓ પણ તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરે છે. વ્યાવસાયિક ધોરણે મળતું ‘સેલક્રિપ્ટ’ સોફ્ટવેર પોતાના સ્માર્ટ હેન્ડસેટમાં નાખીને વપરાશકર્તાઓ પોતાના ડાટાને ગૂઢ બનાવી શકે છે. જે પોતાના કમ્યુનિકેશનને ગુપ્ત રાખવા માગતું હોય તેને માટે જુદી જુદી શક્યતાઓનો તોટો નથી. હાલના તબક્કે લો-ગ્રેડ એન્ક્રિપ્શન ધરાવતા યાહુ મેલ અને મેસેંજર તેમ જ હોટમેલ પર ગુપ્તચર સંસ્થાઓ નજર રાખી રહી છે. આપણે ૪૦ બીટ્સના અલ્ગોરિધમ (અનકોડેડ મેસેજ) સમજવામાં પણ ઉણા ઉતરીએ છીએ. જ્યારે બ્લેકબેરી ૧૨૮ બીટનું ‘એડ્વાન્સ એન્ક્રિપ્શન સ્ટાન્ડર્ડ’ (એઇએસ) અને સ્કાયપે ૨૫૬ બીટનું એઇએસ વાપરે છે. ગુપ્તચર સંસ્થાઓ કબૂલે છે કે સંદેશાઓ આંતરવાની ક્ષમતાએ પણ છેલ્લા થોડા સમયમાં જોઇતું પરિણામ નથી આવ્યું. આનું કારણ એ છે કે મોટભાગના ત્રાસવાદીઓ મેલ નથી મોકલતા પણ તેને ડ્રાફ્ટ કરીને રાખે છે જે અન્ય વપરાશકર્તાઓ પણ વાંચી શકે છે.
આ બઘું જોતાં સંબંધિત ટેક્નોલોજી પર પ્રતિબંધ મૂકવાથી સમસ્યાનો ઉકેલ નથી મળવાનો. પરંતુ ઉત્પાદક કંપનીને વચ્ચે લાવ્યા વિના જ સંદેશાઓની આપ-લેને આંતરી લેવાનો તોડ શોધવામાં ડહાપણ છે. જોકે વિડંબણા એ છે કે આપણી સરકાર પાસે આવો તોડ કાઢનાર ક્રિપ્ટોગ્રાફર કે ક્રિપ્ટોલોજીસ્ટો નથી. એનટીઆરઓ છેલ્લા પાંચ વર્ષથી હૈદરાબાદમાં ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિપ્ટોલોજી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ’ની સ્થાપના કરવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ નિષ્ણાતોના અભાવની સમસ્યાને કારણે તેના પ્રયાસો સફળ થયાં નથી. જોકે ગૃહ મંત્રાલયના અધિકારીઓ કહે છે કે આ બધા લાંબા ગાળાના ઉકેલ છે. અને તેના ઉપર વિચાર કરવાનું પણ જરૂરી છે. આમ છતાં આપણે હમણાં જે થઇ રહ્યું છે તેને અવગણી ન શકીએ. આ ટેક્નોલોજી આપણી જાસૂસી સંસ્થાઓના ત્રાસવાદીઓના ઓપરેશન સમજવાની ક્ષમતાને અસર કરી રહી છે. સરકાર સતત એડવાન્સ ટેક્નોલોજી સાથે આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ ગુપ્તતા જાળવતી ટેક્નોલોજી હંમેશાં પડકારરૂપ હોય છે.
- ભાલચંદ્ર જાની |