| Last Update : 05-Sept.-2010, Sunday |
|
|
|
|
|
|
|
 |
|
| સોલ્લીડ પર્ફોર્મન્સ આપે એવા જાણીતા ચહેરા ! |
ફિલ્લમ ફિલ્લમ
|
શિડયૂલ કરતાં મોડી રીલિઝ થતી બધી ફિલ્મો ‘મુગલે આઝમ’ હોતી નથી. નાગેશની ‘આશાયંે’ને મળી રહેલો રિસ્પોન્સ જોતાં આ વાતને વધારાનો ટેકો મળી રહે છે. ‘‘હૈદ્રાબાદ બ્લ્યૂ,’ ‘ઇકબાલ’ અને ‘ડોર’ જેવી સરસ મજાની ફિલ્મો આપનારા નાગેશની આ ફિલ્મથી પણ ઘણાંબધાંને ઘણાં વખતથી ઘણી બધી આશાઓ હતી. કમનસીબે ‘આશાયંે’ નિરાશાજનક સાબિત થઈ છે.
જ્હોન અબ્રાહ્મની આશાઓ પર પણ પાણી ફરી વળ્યું છે કારણકે આ ફિલ્મ સાઈન કરી તે દિવસથી જ્હોન પોતાને એકટીંગ કરી શકતો સ્ટાર માનવા લાગ્યો હતો. એ વાત સાચી છે કે જ્હોન અબ્રાહ્મે તેની સાથે રેમ્પવૉક કરતા અન્ય મોડેલો કરતાં વધારે અને નોંધપાત્ર સફળતા મેળવવાની સાથે એ-લિસ્ટર્સ ગણાતાં બેનર્સ અને સ્ટાર્સની સાથે કામ કરી શકવાની ક્ષમતા પણ કેળવી છે. આમ છતાં, જ્હોન પાસે માત્ર પોતાના જોર પર ફિલ્મ ખેંચવાની તાકાત નથી.
જ્હોન પોતાની ફિલ્મો કરતાં તેની બિપાશા સાથેની દોસ્તીના કારણે વધારે ચર્ચામાં રહેતો હોય છે. બિપાશા બાસુ પાસે ચર્ચા જગાવવા માટે પોતાની ફિગર ઉપરાંતના પણ કારણો હોય છે.
હમણાં બિપાશાએ સમાજના અનિષ્ટો સામે લડતા કે જાગૃતિ આણતા મુદ્દાને સ્પર્શતી ફિલ્મો માટે સ્ટાર કલાકારોએ મહેનતાણાનો વિચાર પડતો મૂકવો જોઈએ એવો વિચાર વહેતો કર્યો છે. બિપાશાનું કહેવું છે કે સમાજના દૂષણો સામે જંગ છેડવાના આશયથી બનતી ફિલ્મોની પહોંચ વધે તે માટે જાણીતા સ્ટાર્સને લેવાનો આગ્રહ રાખવામાં આવે છે. પરંતુ સ્ટારને લેવાથી ફિલ્મનું બજેટ વધી જવાના કારણે ફિલ્મમાંથી મળતર મળવાની શક્યતા ઘટી જાય છે. મોટા ભાગે તો આવી ફિલ્મોના નિર્માતાએ પૈસા ગુમાવવા પડે છે. પરિણામે આવી ફિલ્મો બનતી અટકી જાય છે.
બિપાશાએ હાલ ઓનર કિલીંગની ઘટનાઓને ઘ્યાનમાં રાખીને બની રહેલી એક ફિલ્મ સાઈન કરી હોવાથી તેને આ ફિલ્મના આર્થિક પાસાની ચિંતા સતાવવા લાગી છે. બિપાશાની વાત સાચી છે પરંતુ વ્યવહારીક નથી. સમાજમાં દૂષણોનો તોટો નથી અને બોલીવુડમાં સ્ટાર કહી શકાય-જેના નામે ફિલ્મો વેચાય તેવા કલાકારોની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ છે.
અમિતાભ ચાલે છે કે એનું નામ ચાલે છે એટલો એનો દીકરો અભિષેક નથી ચાલતો. શાહરૂખ ચાલે છે પરંતુ ઝાવેદ નામનો ખાન સહેજ પણ ચાલતો નથી. રિતિક ચાલે છે પરંતુ તેના પપ્પા સિવાયની ફિલ્મ હોય તો ડિસ્ટ્રીબ્યુટર્સ પણ ડરતા રહે છે. આમીરની ફિલ્મ વેચાઈ જાય, પરંતુ આમીરની હારોહાર ઉભા રહેનારા બાકીના બે ઈડિયટ્સ-શર્મન કે માધવનના નામે ફિલ્મો ખરીદનારા ઈડિયટ ગણાય છે.
સલમાનનું નામ મોટું ગણાય, પરંતુ તેની સાથે પેકેજમાં લેવા પડતા સોહેલખાનને કોઈ હાથ પણ નથી લગાડતું. દેઓલ કુટુંબનો દબદબો ક્યારનો પૂરો થઈ ગયો, માત્ર અભય દેઓલ વાજબી દામ ચૂકવવાથી મળતો હોય તો તેના લેવાલ નીકળી રહે છે.
શાહીદ કપૂરની સાથે સારા ડાયરેકટરનું નામ જોડાયેલું હોય તો વાંધો ના આવે. નીલ નીતિન મુકેશનું પણ એવું જ સમજવું. રણબીર કપૂરની ફિલ્મો ફલોર પર જતાંની સાથે જ વેચાઈ શકે છે, પરંતુ ઈમરાન ખાનની ફિલ્મ વેચવા માટે મહેનત પડે (કે પછી તેના મામાએ મહેનત કરવી પડે).
આ પ્રકારનો માહોલ હોય ત્યારે સમાજમાં ચાલતા અનિષ્ટો માટે વેચાઈ શકે તેવા સ્ટાર્સને મફતમાં કામ કરવા રાજી કરવા અઘરૂં છે. બને એવું કે કોઈ જાણીતા સ્ટારે કોઈ ખાસ મુદ્દાને સ્પર્શતી ફિલ્મ માટે મહેનતાણું લીઘું નથી એવું જાહેર થાય તે સાથે જ તે સ્ટાર પાસે આવી ઓફરોનો ઢગલો થઈ જાય છે.
આમીરખાનનો દાખલો જાણીતો છે. તેણે ભારત સરકાર માટે ‘અતિથી દેવો ભવ’ કેમ્પેઈન કરવાનું નક્કી કર્યું તે સાથે જ પોલીયોથી માંડીને બાળમજૂરી સુધીના મુદ્દે તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માટે દરેક વિભાગના મંત્રીઓ-સચિવો અને કારકૂનોએ દોડાદોડી કરી મૂકી હતી. તે પછી આમીરે ...... આ સૌને નન્નો ભણતા કહ્યું હતું કે, હું સતત લોકોને ઉપદેશ આપતો રહીશ તો લોકો મારી વાતને ગંભીરતાથી લેવાનું બંધ કરી દેશે, એટલે હું મારી સમાજ પ્રત્યેની નિષ્ઠાને ગણતરીના પ્રોજેક્ટ પૂરતી જ પ્રદર્શિત કરવા માંગું છું.
સ્ટાર કલાકારોના વિકલ્પે સમાજના દૂષણ વિશે ચર્ચા જગાવવા માટે સારી એક્ટીંગ કરી શકતા જાણીતા ચહેરાઓની તલાશ હોય તો પાકિસ્તાન તરફ નજર દોડાવવા જેવી છે. ક્રિકેટના મેદાન પર એક પણ રીટેક વગર સ્ક્રીપ્ટ મુજબનું પર્ફોર્મન્સ આપતા ખેલાડીઓની આખી ટીમ (કે ગેંગ) થોડા દિવસમાં ઉપલબ્ધ બનશે. જો આ ખેલાડીઓને તક મળશે તો ભારતમાંથી જ વિરોધનો સૂર ઉઠશે. એવા સમયે સ્વદેશી ખેલાડીઓ પણ મળી જ રહેશે. સવાલ એક સ્ટીંગ ઓપરેશનનો છે !
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|
|