Last Update : 05-Sept.-2010, Sunday

‘આજે ‘કામ કરનાર’ નહીં, ‘કામ કરાવનાર’ મોટો’શ

કેમ છે દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

 

 

પાંચ બેડરૂમનો વિશાળ બંગલો, જાતજાતના છોડ અને વૃક્ષોથી મનોહર લાગતો ગાર્ડન અને ફૂવારા. એ બધાંની વચ્ચે એકલું-અટૂલું પ્રાણી તે હું ! હું ઉર્ફે ડૉ. ઉત્ક્રાન્તિ.
બંગલાના દરવાજે મારા નામની તકતી હજી યથાવત્ છે. છેલ્લાં પંદર વરસથી મેં એક પણ દર્દીને તપાસ્યું નથી. નથી કશી સારવાર આપી કે નથી કોઈને ઘેર વિઝિટે ગઈ! કેટલીક પદવીઓ આજીવન માત્ર લટકણિયું બની માણસોની શોભા અને શાનમાં અભિવૃદ્ધિ કરે છે. ડાઘ અને ડિગ્રી માણસ સાથે આજીવન જોડાએલાં રહે છે!
હા. ડાઘ, કલંક, બદનામી આ બધા માણસના સમગ્ર વ્યક્તિત્વને ભરખી જનારા શબ્દો છે! એનો દુષ્પ્રભાવ કેવો ભયાનક હોય છે, એનું વર્ણન મારા જેવી કોઈ માનસિક યાતના ભોગવી ચૂકેલી મહિલા ડૉક્ટર જ કહી શકે!
મારા પપ્પાજીનું એક જ સ્વપ્નઃ મારી દીકરી દીકરા કરતાંય સવાઈ બની સાત પેઢી તારે એવી સેવામૂર્તિ બને! એમને મન ડૉક્ટર એટલે ભગવાન. ભાગ્યવાન હોય તેને તબીબ બનવાનું સૌભાગ્ય સાંપડે!
પપ્પાજીએ મને લાડકોડથી ઉછેરવામાં કશી જ કસર ન રાખી. એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષથી જ મારે માટે શાનદાર કાર અને ડ્રાઈવરની સુવિધા. ત્રીસ દિવસના ચાલીસ અવનવા લેટેસ્ટ સ્ટાઈલના ડ્રેસ! મઘમઘતાં અત્તર છાંટી હું કલાસરૂમમાં પ્રવેશતી ત્યારે વાતાવરણમાં પણ એક અલગ જ પ્રકારની તાજગી છવાઈ જતી. મારા પપ્પાજી અમીર હતા એટલે પ્રાઘ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ મારા ઘમંડને સાંખી લેતા.
એમ.બી.બી.એસ.ના છેલ્લાં વર્ષમાં મેં પપ્પાજીને ખુશ કરવા ખાસ્સી મહેનત કરી અને ઉંચી ટકાવારી સાથે ઉત્તીર્ણ થવાને લીધે મને એમ.એસ.માં એડમિશન પણ મળી ગયું.
અમારા એક પ્રોફેસર તબીબી કરતાં તત્ત્વજ્ઞાનમાં વઘુ રસ લેતા. ડૉ. કોટનીસની વાત હોય કે આલ્બર્ટ આઈન્સ્ટાઈનની, શંકરાચાર્યની વાત હોય કે સોક્રેટિસની. તેઓ માંડીને એવી રીતે વાત કરે કે અનિચ્છાએ પણ એમના પ્રવાહમાં શ્રોતાએ તણાવું પડે! સાદગી એમનો જીવનમંત્ર. એટલે હોસ્પિટલ પણ ઓટોરીક્ષામાં જ આવે. ત્રણ રંગીન પેન્ટ અને ત્રણ આખી બાંયના બુશશર્ટ અને દીર્ઘજીવી સેન્ડલ અને ખિસ્સામાં સ્યાહી ભરેલી ફાઉન્ટનપેન... આવો ડ્રેસ-વેશ જોઈ અમે કંટાળી જતાં ! પણ એ બોલે ત્યારે અમે સહુ મંત્રમુગ્ધ થઈ જતાં !
હું સ્વભાવે જરા બોલકી. એમનું ઉપદેશાત્મક વ્યાખ્યાન સાંભળીને કહેતી ઃ ‘સર, આ દુનિયાએ ત્યાગી અને તપસ્વીઓને એમના જીવતેજીવત ક્યારેય સુખ નથી આપ્યું ! રામ હોય કે શ્યામ, ઈસુ હોય કે ગાંધી એમને દુઃખી કરવામાં જગતે ક્યાં કશું બાકી રાખ્યું છે ! આ દુનિયા સુધારકો કરતાં ઉલ્લૂ બનાવનારાઓની જ કદમબોસી કરે છે ! હોઠે કોઈક અને હૈયામાં કોઈ અન્ય, આ દુનિયાના લોકોએ આત્મસાત્ કરી લીધેલી કળા છે ! નહીં તો આટઆટલા પ્રવચનકારો અને ઉપદેશથી દુનિયા સુધરી ન ગઈ હોત ?’
પણ અમારા તત્ત્વચિંતક ડૉક્ટર સાહેબ એમ ગાંજ્યા જાય તેવા નહોતા. તેઓ કહેતા ઃ ‘‘દીકરી, આ જગત ખેતર છે અને ઉપદેશક ખેડૂત. ખેડૂત વાવણી માટે જેટલા દાણા નાખે છે એ બધા જ કાંઈ થોડા ઉગી નીકળે છે ! શ્રદ્ધાથી દાણા વાવવા એ ખેડૂતનું કર્મ છે. સંતો ને ઉપદેશકો કેવળ આટલું જ યાદ રાખે છે... હું ઈચ્છું કે મારો વિદ્યાર્થી તબીબ ધનભૂખ્યો નહીં, પણ જનભૂખ્યો હોય, મેવાભૂખ્યો નહીં પણ સેવાભૂખ્યો હોય, પીડા દર્દીને થતી હોય પણ વેદના ડૉક્ટર અનુભવતો હોય!’’
મને મળેલી આર્થિક આઝાદી અને સુખ-સુવિધાઓની રેલંછેલ વચ્ચે ઘડાએલા મારા વ્યક્તિત્વ માટે આવો ભારેખમ ઉપદેશ-ડોઝ પચાવવો મુશ્કેલ હતો. ‘ખેતરમાં ન ઉગનાર દાણા પૈકી’ની હું એક હતી.
એમ.એસ. થયા પછી પપ્પાજીએ હું અનુભવથી ઘડાઈને થોડીક પરિપકવ બનું એ પહેલાં જ મારે માટે ‘નર્સંિગ હોમ’ ખડું કરી દીઘું ! મારા ‘આગવા જીવનદર્શન’થી પપ્પાજી પરિચિત નહોતા. હું દંભ કરતી. એમની આગળ આદર્શોની વાતો કરતી. મારા તત્ત્વચિંતક તબીબ ગુરૂએ કહેલી વાતો હું મારે નામે ચઢાવી દેતી અને પોતાની ગુણિયલ દીકરીનું મહાન વ્યક્તિત્વ જોઈ પપ્પાજીની છાતી ગજ-ગજ ફૂલતી.
મને સર્જરીમાં ઓછો અને સપનામાં વઘુ રસ પડતો. મારા જેવો જ એક અમીર પિતાના પુત્ર વાયવ્યને મોજશોખમાં ભારે ચસ્કો. મારી જેમ જાત જાતનાં ને ભાત ભાતનાં ફેશનેબલ વસ્ત્રો પહેરે, પાર્ટીઓ યોજે, સંગીતના જલસા ગોઠવે. એની જીવનદ્રષ્ટિમાં ‘આજનો લહાવો લેવાનું’ મુખ્ય હતું. મેં પણ એને આશ્વસ્ત કર્યો હતો કે તું નિરાંતે ભણજે, આપણે ‘જગ સુખાય’ નહીં, ‘જાત સુખાય’ એટલે કે આપણી જાતને સુખી કરવા જીવવાનું છે ! આપણે બન્ને સાથે મળી હોસ્પિટલ ચલાવીશું !
અને મારું ઘ્યાન સર્જરીમાં ઓછું અને લકઝરીમાં વઘુ કેન્દ્રિત થતું ગયું.
મોટા ભાગના ઓપરેશન મારા સાથી ડૉક્ટર્સ જ કરતા. મારી હાજરી નામમાત્રની રહેતી. પણ એમની સફળ સર્જરીનો યશ મને મફતમાં મળી જતો.
એક દિવસ પપ્પાજી એમના મિત્રના એકના એક પુત્રને ગાંઠનું એક ઓપરેશન કરાવવા તેને લઈને મારી પાસે આવ્યા અને મને કહ્યું ઃ ‘‘દીકરી, મને બીજા કોઈ ડૉક્ટર પર ભરોસો નથી. આનું ઓપરેશન તારે અને માત્ર તારે જ કરવાનું છે... તને મારા સોગંદ.’’
હું ધર્મસંકટમાં મૂકાઈ ગઈ! પપ્પાજીની ભાવના અને સોગંદનો અનાદર કરવાની મારામાં હિંમત નહોતી. ઓપરેશન માટે મારી હથોટી બરાબર કેળવાઈ નહોતી. અને છતાં પપ્પાજીના માન ખાતર મેં સાહસ ખેડ્યું ! અનુભવ અને પૂરતી સજ્જતાના અભાવને કારણે ઓપરેશન નિષ્ફળ ગયું અને એક વૃદ્ધ પિતાના ખોટના દીકરાનો જીવનદીપ અકાળે બુઝાઈ જવાનું હું નિમિત્ત બની.
પપ્પાજીએ તેમના એ મિત્રને ખૂબ જ સમજાવ્યા, નુકસાનીની બહુ મોટી રકમ આપવાની તૈયારી દર્શાવી. પણ તેઓ ન માન્યા ! પોલિસ કેસ થયો. અદાલતી કાર્યવાહી થઈ અને બેદરકારીથી મૃત્યુ નિપજાવવા બદલ હું દોષિત ઠરી ! મહેલવાસને બદલે જેલવાસ મારે નશીબે લખાયો !
મારા પપ્પાજી આ આઘાત ન સહી શક્યા અને હૃદયરોગના હુમલાનો ભોગ બની પરલોકે સિધાવ્યા.
આ ભવરણમાં હવે કોઈ ભરોસાપાત્ર રહ્યું હોય તો તે મારો સહાઘ્યાયી વાયવ્ય હતો. શરૂઆતમાં મને એ બંદીગૃહમાં મળવા આવતો પણ ધીરે ધીરે એણે મળવાનું બંધ કર્યુ અને મારી તમામ આશાઓ પર પાણી ફેરવી એ વઘુ અભ્યાસ માટે વિદેશ ચાલ્યો ગયો.
સજા ભોગવી હું જેલની તોતિંગ દીવાલોની બહાર આવી ત્યારે દુનિયા મને સાવ અજાણી લાગતી હતી. અમારા બંગલાની ચાવી પડોશમાં રહેતાં રક્ષા આન્ટીને ઘેર રહેતી.
મને મારે બંગલે પાછી ફરેલી જોઈ રક્ષા આન્ટીએ નોકર સાથે ચાવી મોકલી આપી... એમણે નોકરને કહેલા શબ્દો મારે કાને પડ્યા હતા ઃ ‘‘એ અપશુકનિયાળ હત્યારણનું મોં મારે નથી જોવું.’’
અને નોકર મને બંગલાની ચાવી આપીને ચૂપચાપ ચાલ્યો ગયો.
બંગલાનો બેઠક રૂમ મેં જાતે જ સાફ કર્યો. મેં ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો હોઈ નાસ્તા કે ખાવા-પીવાની મનમાં જરા પણ ઈચ્છા નહોતી.
એટલામાં અમારા ભૂતપૂર્વ માળી શ્યામૂકાકા આવી પહોંચ્યા. મોટાશેઠની દીકરી તરીકે મારો ચરણસ્પર્શ કર્યો ! એમને મન હું નહોતી હત્યારણ કે નહોતી અપશુકનિયાળ! પોતાની પત્નીને ટી.બી. થયો ત્યારે દવાદારૂનો ખર્ચ કરી તેની જિંદગી બચાવી લેનાર ‘મોટા શેઠ’ની દીકરી તરીકે મારો કોઈ દોષ તેઓ જોવા કે વિચારવા તૈયાર નહોતા.
થોડી જ વારમાં શ્યામૂકાકાના પત્ની, બે પુત્રવઘૂઓ અને એક દીકરો મારી સેવામાં હાજર થઈ ગયા ! બંગલાની સાફસફાઈ થતાં બંગલામાં ફરી રોનક છવાઈ ગઈ ! મારી રસોઈયણ તરીકે શ્યામૂકાકાની પત્નીએ જાતે જ પોતાની નિમણૂક કરી દીધી અને મારી વિનંતીને માન આપીને શ્યામૂકાકા સપરિવાર અમારા બંગલાના પાછળના ભાગમાં આવેલા ‘સર્વન્ટ કવાર્ટર’માં રહેવા આવી ગયા ! મેં જેલવાસ દરમ્યાન વાંચેલાં કેટલાંક પ્રેરક પુસ્તકોનાં મર્મસ્પર્શી વાક્યોનું સ્મરણ થયું ઃ ‘‘કર્મના ચોપડામાં સજા અને મજા બન્ને શબ્દો નોંધાએલાં હોય છે. સજાનો સમય પૂરો થતાં કોઈ ઋણાનુબંધી વળી પાછો સેવા માટે હાજર થઈ જાય છે અને સજાનું દર્દ ભૂલાવી આનંદની ક્ષણોનું સર્જન કરે છે !’’
વાત ખરી છે. શ્યામૂકાકા કોઈ ઋણાનુબંધે જ મારા દિવંગત પિતાશ્રીનું ઋણ ચૂકવવા માટે આજે મારી જિંદગીમાં આત્મપ્રેરણાથી હાજર થઈ ગયા હતા. ધન હાર્યું હતું, માનવતા જીતી હતી, ગર્વ જમીનદોસ્ત થયો હતો, સેવાની સરવાણી વિજયી બની હતી. શ્યામૂકાકાની મહાનતા જોઈ મને મારા તત્ત્વચિંતક તબીબ ગુરૂના શબ્દોનું સ્મરણ થયું હતું. હું જીવનના કેન્દ્રમાં રહી હોત અને મારા પવિત્ર વ્યવસાયની મેં ઈજ્જત જાળવી હોત તો મારા જીવનનો ઈતિહાસ કોઈક જુદા જ અક્ષરે લખાયો હોત!
વર્ષો વીતતાં ગયાં... મારું કલંકિત નર્સંિગ હોમ બંધ પડ્યું હતું. એને પુનર્જીવિત કરવાની મારામાં હિંમત નહોતી. મારી જિંદગીનાં પંદર વર્ષો મેં ખામોશી સાથે પસાર કર્યા. હું તબીબ છું એ વાત હું સદંતર ભૂલી ગઈ !
શ્યામૂકાકાનું પરિવાર હૃદયપૂર્વક મારી સેવા કરી રહ્યું હતું. એવામાં શ્યામૂકાકાનો એક જવાનજોધ દીકરો બીમાર પડ્યો.
મેં ડૉક્ટર તરીકેની મારી સેવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીઘું હતું એટલે મારા એક પરિચિત જનરલ પ્રેક્ટીશનર પર ચિઠ્ઠી લખી શ્યામૂકાકાને તેમના દીકરાની તપાસ માટે મોકલી આપ્યો.
જનરલ પ્રેક્ટીશનર ડૉક્ટરે શ્યામૂકાકાને કહ્યું કે તમારા દીકરાને ઓપરેશનની જરૂર છે અને હું ચિઠ્ઠી લખી આપું છું તે ડૉક્ટરની હોસ્પિટલમાં તમે સીધા જ પહોંચી જાઓ.
ગભરાએલા શ્યામૂકાકા સીધા જ ચિઠ્ઠી સાથે સૂચવેલી હોસ્પિટલે પહોંચી ગયા ! ડૉક્ટરે શ્યામૂકાકા પાસેથી તેમના રહેઠાણ, નોકરી વગેરેની વિગતો રસપૂર્વક સાંભળી અને તપાસ્યા બાદ આવતી કાલે ફરી બતાવવા આવવાની સૂચના આપી.
અને શ્યામૂકાકા ડૉક્ટર ઉત્ક્રાન્તિના બંગલાના સર્વન્ટ-હાઉસમાં પહોંચે તે પહેલાં જ પેલા સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર ઉત્ક્રાન્તિને બંગલે પહોંચી ગયા.
ડોર-બેલ રણકતાં શ્યામૂકાકાની પત્નીએ બારણું ખોલ્યું. ઉત્ક્રાન્તિ મેડમ ઉપરને માળે આરામ કરી રહ્યાં હતાં. એટલે આગંતૂક મહેમાનને ડ્રોઇંગરૂમમાં બેસાડી ઉત્ક્રાન્તિ મેડમને ખબર આપી.
ડૉ. ઉત્ક્રાન્તિ નીચે આવી તેના આશ્ચર્યનો પાર નહોતો.... ‘ગૂડ ઈવનિંગ’ કહી ડૉક્ટર વાયવ્યે તેની સાથે હાથ મિલાવવાની કોશિશ કરી.
અને ઉત્ક્રાન્તિ કશુંક કહે એ પહેલાં જ ડૉક્ટર વાયવ્યે બોલવાનું શરૂ કરી દીઘું ! ‘તમને સજા થઈ એ જાણી મારું મન દુઃખી થઈ ગયું હતું. તમારી સાથે નિર્સંિગ હોમ શરૂ કરવાની મારી ઈચ્છા મરી પરવારી હતી તેથી મારા પપ્પાજીએ મને વઘુ અભ્યાસ માટે યુ.એસ.એ. મોકલ્યો. હું ફોન પર વાત કરી તમારા સૂતેલા દર્દને જગાડવા માગતો નહોતો ! હું દસેક વર્ષ પછી ભારત પાછો ફર્યો ! તમે જાણો છો કે આપણે બંદા મહેનત કરવામાં માનતાં નથી ! હા, બીજાની મહેનતનું ફળ લેવામાં આપણે પાવરધા છીએ... અહીં ડૉક્ટરો રોકી નર્સંિગ હોમ ચલાવું છું... તમે જાણો છો કે મારા જેવા ડફોળના હાથમાં ઓપરેશનની કાતર પણ આવતાં ઘૂ્રજે છે ! નર્સંિગ-હોમમાં દાખલ થનારનું ભારે બીલ તૈયાર રાખું છું એટલે ઓછી મહેનતે લક્ષ્મીદેવીની કૃપાનું ફળ મળી જાય છે !’
- હજી ડૉ. વાયવ્ય આગળ વાત ચાલુ રાખે તે પહેલાં જ શ્યામૂકાકા આવી પહોંચ્યા. પોતાના પુત્રને તપાસનાર સ્પેશ્યાલિસ્ટ ડૉ. વાયવ્યને જોઈ એમના આનંદનો પાર ન રહ્યો.
શ્યામૂકાકા ડૉ. ઉત્ક્રાન્તિના બંગલાના માળી છે એ જાણ્યા બાદ ડૉ. વાયવ્યે તેમના સન્માનમાં વધારો કરી દીધો. હરખપદુડા શ્યામૂકાકા પણ ડૉક્ટર સાહેબ માટે આઈસ્ક્રીમ લાવવા રસોડામાં પહોંચી ગયા !
ડૉ. વાયવ્યે વળી પાછો વાતનો દોર સાંધતાં કહ્યું ઃ ‘‘ડૉ. ઉત્ક્રાન્તિ, અમેરિકા ગયા બાદ મારા પપ્પાજીએ પરાણે મને એક ‘ઈન્ડિયન માનસવાળી’ યુવતી સાથે પરણાવી દીધો ! મને તેના પ્રત્યે સખત અણગમો હતો... અમારું દામ્પત્ય જીવન કેવળ દેખાવ ખાતર હતું. પણ કુદરતે મને સાથ આપ્યો અને મારી પત્ની કેન્સરની બીમારીમાં મોતને ભેટી ! અહીં આવ્યા બાદ તમને મળવાની હિંમત ચાલતી નહોતી. પણ આ શ્યામૂકાકા આપણા તૂટેલા સંબંધને જોડવા માટે દેવદૂત બનીને આવ્યા છે. હું જાણું છું કે તમારે માટે દુઃખના ડુંગર તૂટી પડ્યા. પણ હવે કાળી અંધારી રાત પૂરી થઈ છે. સુખનો સૂરજ ઉગવાનાં એંધાણ વરતાઈ રહ્યાં છે. કારણ કે આપણા બન્નેનું પુનર્મિલન થયું છે ! એની શુભ શરૂઆત ખાતર શ્યામૂકાકાના દીકરાનું ઓપરેશન આપણે બન્ને સાથે રહીને કરીશું. ડૉ. ઉત્ક્રાન્તિ અને ડૉ. વાયવ્ય ! અને પછી...’’
‘‘હા, બોલો, પછી શું ?’’ - ડૉ. ઉત્ક્રાન્તિએ સહેજ કડક શબ્દોમાં પૂછ્યું.
‘‘ઉત્ક્રાન્તિ, એમાં પૂછવા જેવું શું છે ?... આપણા બન્નેની જિંદગી અઘૂરી છે. મારી જિંદગીમાં જીવનસંગિનીની ખોટ છે અને તમારી જિંદગીમાં જીવનસાથીની !... આપણી જિંદગીનો એક નવો અઘ્યાય શરૂ કરીશું. મારે ચોવીસ કલાક ટેન્શન સાથે જીવનારા ‘વૈતરા’ ડૉક્ટર નથી બનવું ! આજે કામ કરનાર નહીં, બીજા પાસે કામ કરાવનાર મોટો અને સફળ માણસ ગણાય છે ! ડોળ કરનાર ‘ડાહ્યો’ ગણાતો હોય એવા યુગમાં પરસેવો પાડીને રળવાની જરૂર શી?’’
એટલામાં શ્યામૂકાકા આઈસક્રીમ સાથે આવી પહોંચ્યા. એમણે કહ્યું ઃ ‘‘મને મારા દીકરાના ઓપરેશનની હવે ચિંતા રહી નથી ! ડૉક્ટર વાયવ્ય સાહેબ ઓપરેશન કરે એનાથી રૂડું શું ?’’
‘‘શ્યામૂકાકા, રૂડું નહીં, ભૂડું શું એમ કહો... ડૉક્ટર વાયવ્ય ડૉક્ટરના વ્યવસાય માટે કલંક છે. એમને સર્જરીના નિષ્ણાત બનવામાં નહીં પણ લોકોના ખિસ્સાં કાતરી લેવામાં રસ છે ! તમારા દીકરાનું ઓપરેશન કરવા હું અને ડૉ. વાયવ્ય બન્ને લાયક નથી ! હું અમારાથી વઘુ સારા ડૉક્ટરની હોસ્પિટલમાં જરૂરી ગોઠવણ કરી આપીશ.’’ ડૉ. ઉત્ક્રાન્તિએ કહ્યું.
‘‘ડૉ. ઉત્ક્રાન્તિ, છોડોને શ્યામૂકાકાના દીકરાના ઓપરેશનની ચિંતા. એના કારણે હું આપણા સંબંધને કશી આંચ આવે તેમ ઈચ્છતો નથી’’ - ડૉ. વાયવ્યે કહ્યું.
‘‘સંબંધ ? કેવો સંબંધ ? તમારા જેવા ફરેબી માણસોને મન સંબંધ એક છેતરપીંડી હોય છે. પોતાની મૃત પત્નીની અદબ ન જાળવે એવો માણસ પતિ થવાને લાયક જ ના કહેવાય ! સગવડીઆ સંબંધો એ જીવન અને સમાજ માટે ગૂમડા જેવા છે. એમની પર નસ્તર મૂકવું એ જ એકમાત્ર ઈલાજ છે ! ગંદા સંબંધો ગટરને લાયક ગણાય, ગંગાને લાયક નહીં. આજ પછી મારા એકાન્ત જીવનમાં સંબંધના કાગારવ માટે ફરી ક્યારેય આવવાની હિંમત ન કરતા ડૉ. વાયવ્ય. તમે જઈ શકો છો !’’
શ્યામૂકાકા એક સ્વમાની અને શાણી નારીની ખુમારી જોઈ તેને મનોમન વંદન કરતા આશિષ વરસાવી રહ્યા હતા.

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved