Last Update : 05-Sept.-2010, Sunday
જ્ઞાન, ભક્તિ કે કર્મમાંથી એકાદ પણ ન હોય, તો બાકીનાં નકામાં છે !
જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર
 

એક છે જ્ઞાનમાર્ગ અને બીજો છે ભક્તિમાર્ગ. જ્ઞાનમાર્ગ જ્ઞાન દ્વારા પરમાત્મ પ્રાપ્તિનો રસ્તો બતાવે છે. માર્ગમાં બાહ્ય ક્રિયાઓ કરતાં જ્ઞાનની આંતરિક અનુભૂતિ પર વઘુ ટકેલો છે. ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’માં શ્રીકૃષ્ણે અર્જુનને જે વિરાટ દર્શન કરાવ્યું, તેનો અર્થ જ્ઞાનમાર્ગી સાધક આત્મસ્વરૂપના દર્શનમાં પામે છે, જ્યારે ભક્તિમાર્ગ અને કર્મમાર્ગ એનો અર્થ જુદો થાય છે. આ માર્ગો વિશે એક આઘ્યાત્મિક વાર્તાલાપમાં જ્ઞાનયોગી શ્રી ચંદુભાઈએ ભક્તિ, જ્ઞાન અને કર્મ એ ત્રણનો ભેદ પ્રગટ કર્યો. તેઓ કહે છે,
‘‘હવે ભક્તિની વાત કરું. મોટા તરફ પૂજ્ય ભાવ અને પ્રેમભાવ એ ભક્તિ છે. પરમાત્મા ઘણા મહાન છે, પૂજ્ય છે અને પ્રિય પણ છે. ભક્તિની પરાકાષ્ઠામાં આનંદના ઓઘ વહે છે. પ્રેમનો નશો એટલો ચડે છે કે ભક્ત પાગલ જેવો દેખાય છે. પ્રભુ- પ્રભુ કરતો ભાવવશ થઈ જાય છે. સુંદર દ્રશ્ય જોતાં પણ પ્રભુનો મહિમા જોઈને બેહોશ થઈ જાય છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ, શ્રી ચૈતન્યદેવ અને મીરાંબાઈની આવી ભક્તિ ગણાય. કંઈક થાય છે. પછી તે સારુ હોય કે માઠું હોય, તેઓ તો બસ ‘પ્રભુ તારી મરજી’એ જ સૂત્રને આધીન થાય છે. ભક્ત પ્રભુપ્રેમમાં મસ્ત થઈને બોલે છે, પ્રભુ મારી ધાબળી પણ તમે અને મારી લંગોટી પણ તમે. આથી આગળ વધતાં વધતાં પ્રભુ, તું તું જ છે, એવા ભાવમાં જાય છે. છેવટે ‘તું જ છે, તું જ છે.’ ‘હું નથી, હું નથી,’ પણ તું જ છે, એવો ભાવ આવે છે અને અંતિમ દશાનો ન તું, ન હું, એક જ તે, અખંડ, એક રસ અવાઙ્મનોગોચર તત્ત્વ છે. પછી નથી ભક્તિ કરતો કે નથી ભાવવશ થતો. એક પરમ સુખાવસ્થામાં ચાલી જાય છે. એનું જીવન સહજ, સ્વાભાવિક વહ્યું જાય છે. પ્રારબ્ધ કર્મ હશે તે ભોગવી છેવટે એ પરમતત્ત્વ સાથે મળી જાય છે.’’
‘‘વેદાંતના વિચારોને કેટલાક શુષ્ક કહે છે. કહેનારાનો દોષ નથી. માત્ર ચર્ચામાં જ જે સમય ગાળે છે તેને માટે તો વેદાંત ખરેખર શુષ્ક જ છે. પ્રત્યક્ષ આચરણ કરનારને માટે તો એ જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણ ઝરારૂપ છે. સાચા વેદાંતમાં સૌ કોઈને સ્થાન છે. વેદાંત કદી પણ ભક્તિને નિંદતું નથી. તે તો કહે છે કે તમે વિચાર કરતાં શીખો. જે કરો તે વિચારપૂર્વક કરો ને જેવું છે તેને તેવું જોતાં શીખો. વેદાંત કહે છે કે કર્મ ભક્તિભીનું થઈ જ્ઞાનપૂર્વક થવું જોઈએ. ભક્તિ જ્ઞાનમય થઈ કર્મમાં પરિણમવી જોઈએ અને તે આચરણમાં પરિણમવું જોઈએ.’’
આ રીતે શ્રી ચંદુભાઈ ભક્તિ, જ્ઞાન અને કર્મના પારસ્પરિક સંબંધો દર્શાવ્યા છે. ભક્તિમાં કર્મની અને કર્મમાં જ્ઞાનની ભૂમિકાને સ્પષ્ટ કરી છે. આ સંદર્ભમાં પોતાના વિચારને દૃષ્ટાંતથી અભિવ્યક્ત કરવા એમણે કહ્યું કે, ‘‘દાખલા તરીકે બાપુજીને હું ઓળખું છું. ખૂબ સારી રીતે ઓળખું છું. એ જ્ઞાન થયું. એમના તરફ મારો પૂજ્યભાવ અને પ્રેમ છે એ ભક્તિ થઈ અને એમને માટે હું કામ કરું- માંદગીમાં સેવા કરું, એ કર્મ થયું. હું એમને ઓળખીને- એમની મહત્તા સમજીને ખૂબ પૂજ્યભાવ અને પ્રેમપૂર્વક એમની સેવા કરું, તો મારા જ્ઞાન, કર્મ અને ભક્તિની એકવાક્યતા થઈ ગણાય. હું સેવા કરું છું. પણ પૂજ્યભાવથી કે પ્રેમભાવથી નથી કરતો. હું એમની મહાનતા પણ સમજુ છું. છતાં ય મારી સમજણ કે જ્ઞાન નકામું છે. કર્મ પણ નકામું છે. મારી સેવા એ સેવા જ નથી, પણ વેઠ છે. મારામાં સમજણ હોય, હું બાપુજીને મહાન સમજતો હોઊં, એમના પ્રત્યે પૂજ્યભાવ અને પ્રેમભાવ રાખું અને સેવા કરવાના સમયે ભાગી જાઊં તો મારાં એ જ્ઞાન અને ભક્તિ નકામા ગણાય. બાપુજી માટે મને પૂજ્યબુદ્ધિ હોય અને પ્રેમ હોય, એમને માટે કામ પણ કરું પણ એમને ન ઓળખતો હોઊં તો મારી પૂજ્યબુદ્ધિ ઝાઝો સમય ટકશે નહિ. એકાદ નજીવો પ્રસંગ બનશે અને મારી પૂજ્યબુદ્ધિ ઉઠી જશે. ટૂંકમાં એટલું જ કે ત્રણેની જરૂર છે. ત્રણમાંથી એકાદ પણ ન હોય તો બાકીના બંને નકામા થઈ પડે છે. વેદાંત શુષ્ક ગણાયું, કારણ કે વાતોમાં જ રહ્યું. જે દેશમાં ઉચ્ચ જ્ઞાન હોય તે દેશની આવી દશા રહે એનું કારણ એ જ કે આપણે જ્ઞાનને પ્રેક્ટિકલ- વ્યાવહારિક ન બનાવ્યું.’’
પોતાની વાતને જ્ઞાનયોગી શ્રી ચંદુભાઈ જુદા જુદા દ્રષ્ટાંતોથી પ્રગટ કરે છે. ‘‘જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ કે કર્મમાર્ગ એ ત્રણે માર્ગમાંથી કોઈ એક જ માર્ગની આરાધના કરે તો તે નિષ્ફળ જવાનો. આ ત્રણે માર્ગો પરસ્પર સંકળાયેલા છે અને તેથી એ ત્રણેની જરૂર પડવાની’’ આ પછી તેઓ એક બીજો નિયમ આ પ્રમાણે સમજાવે છે. - ‘‘જાણે કે અજાણે આપણે દેહથી પર જઈએ તો જ આનંદ પ્રકટે છે. ભક્તિમાં પણ ભક્ત શરીરથી પર જાય છે, પ્રભુ પ્રભુ કરતો શરીરભાવને ભૂલી જાય છે અને આનંદ પામે છે. એ જ આનંદ વેદાંતનો વિચાર ‘હું આત્મા છું’ એ આપે છે. અનુભવ કરી જુઓ. હું કોણ છું ? શરીર નહિ, પ્રાણ નહિ. આંખો બંધ કરીને ભાવપૂર્વક વિચારો, બઘું જ ઊડી જશે. હું આત્મા એવો એક પરમ ભાવ રહેશે. આનંદ આનંદ થશે. શું આ પરમભાવ નથી. થોડી જ મહેનતે હૃદય પુલકિત થાય છે. રોમેરોમમાં આનંદ આનંદ થઈ રહે છે. પરમાત્મા સત્ ચિત્ એકલા નથી. સાથે આનંદરૂપ પણ છે. અરે, આનંદસ્વરૂપ છે, આનંદસ્વરૂપમાં પ્રેમ તો હોય જ. સત્- ચિત્ આનંદ એટલે પ્રેમસ્વરૂપ સત્. મહાત્મા ટોલ્સ્ટોય કહે છે કે ર્ન્પી ૈજ ર્ય્ગ, ર્ય્ગ ૈજ ર્ન્પી. પ્રેમ એ પ્રભુ છે અને પ્રભુ એ પ્રેમ છે.’’
આ પ્રેમને વેદાંત કઈ રીતે જુએ છે ? એ પરમાત્માને પ્રેમસ્વરૂપ માને છે ખરો ? જ્ઞાનયોગી ચંદુભાઈ આ વાત આ રીતે સમજાવે છે - ‘‘વેદાંત કહે છે કે પરમાત્મા એ પ્રેમ ખરા. એ પ્રેમની પાસે કહેવાય પણ એટલું જ ન કહેવાય, એથીયે એ પર છે. ત્યાં તો પ્રેમ નથી, અપ્રેમ નથી, રાગ નથી, દ્વેષ નથી, શોક નથી, મોહ નથી. એ બધાં એકબીજાની અપેક્ષાએ છે. શબ્દોમાં કહેવું હોય તો એને પ્રેમસ્વરૂપ ભલે કહો, પણ વાસ્તવિક રીતે તો કોઈ પણ શબ્દથી પર છે. આપણે સર્વત્ર કલહ, દ્વેષ, ઝઘડો જોઈએ છીએ, માટે આપણને પરમાત્મા પ્રેમસ્વરૂપ લાગે છે. બાકી એ તો અવાઙ્મનોગોચર- મનવાણીથી પર છે. હવે કહો, આ સ્થિતિમાં રહેવું એ ભક્તિ ગણાય કે નહિ ?’’
અરે એ જ સર્વશ્રેષ્ઠ ભક્તિ છે. એનું હૃદય એવું કોમળ બને છે કે, એ સૌ કોઈનું દુઃખ પોતાનું માની લે છે અને તે દૂર કરવા પ્રયત્નશીલ રહે છે. હા, જ્ઞાનપૂર્વક થયેલો ભક્ત વેવલો નથી, એ તેજસ્વી હોય છે. એનું હૃદય કોમળ છતાં જરૂર પડ્યે એ સખત પણ થઈ શકે છે. એ ગભરાતો નથી કે પ્રભુ પાસે કામ કરાવવા તૈયાર થતો નથી. જ્ઞાનીને મન પ્રભુ એ સેવક નથી. સાચો ભક્ત, સાચો અનુભવી - જ્ઞાની અને સાચો કર્મયોગી સૌ એક જ છે. સરખા વંદનીય છે.’’
એ પછી જ્ઞાનયોગી શ્રી ચંદુભાઈને એક સાધકે કહ્યું, ‘‘હું સ્વામી રામકૃષ્ણ પરમહંસ જેવો થાઊં તો કેવું સારું ?’’ આના ઉત્તરમાં ચંદુભાઈએ માર્મિક વાત કરી. એમણે કહ્યું ઃ
‘‘શ્રી રામકૃષ્ણ પરમહંસ કે કોઈ પણ સંત, મહાપુરુષ, રાજકીય નેતા કે વૈજ્ઞાનિક થવાની ઇચ્છા શા માટે રાખવી ? દરેકના પૂર્વના સંસ્કારો જુદા જુદા હોય છે. અત્યારના સંજોગો એકસરખા નથી હોતા, એટલે દરેકની મનોવૃત્તિ નોખી નોખી જ હોવાની. દરેકની રુચિ પણ ભિન્ના ભિન્ન હોવાની. બધી મહાન વ્યક્તિઓ પોતપોતાના સંજોગો પ્રમાણે થઈ છે. હું મારા જેવો જ બનીશ. મનુષ્ય કોઈ બીબામાંથી નથી ઊતરતા, એ તો ધીરે ધીરે ઘડાય છે. દરેકમાં કંઈ ને કંઈ વિવિધતા રહેવાની જ. વિવિધતા એટલે જ જગત. કોઈ પણ બે વ્યક્તિના ગુણદોષ સરખા નહિ આવે. પછી કોઈના જેવા બનવાની ઇચ્છા શા માટે કરવી ? હા, તેમના ગુણનું સ્મરણ કરવાનું હોય. એમની દ્રઢતા, શ્રદ્ધા, પ્રેમ, હિંમત વગેરે આપણામાં આવે, એ માટે એમના ગુણોનું ચિંતન કરવાનું હોય, પણ એમણે જે જે કામો કર્યા તેવાં કામો હું પણ કરું એવી વૃત્તિ ઇચ્છવા જેવી નથી.’’
જ્ઞાનયોગી શ્રી ચંદુભાઈએ એક બીજી મહત્ત્વની વાત કરતાં કહ્યું, ‘‘જે જે મહાન પુરુષ થઈ ગયા તે એક, બે કે વધારે વિષય પૂરતા જ મહાન ગણાય. આઘ્યાત્મિક દશામાં સર્વશ્રેષ્ઠ ગણાતા મહાત્માઓ વ્યાવહારિક વિષયમાં કેટલીક વખત સામાન્ય ભૂલો પણ કરી બેસે. નજીવી બાબત પણ એને ગળે નહિ ઊતરે. એક સંત કે જેને લોકો એક મહાન આઘ્યાત્મિક પુરુષ ગણતા હતા, તેમને હું મળેલો; ખરેખર એ એ સંત પુરુષ હતા. પણ એ કહે છે, તમે લોકો આ ખરબચડી જાડી ખાદી કેમ પહેરો છો ? રેશમી સુંવાળા અને બીજા સુંદર કપડાં મળે છે તે પહેરો ને ? વળી એ કહેતા, દેશી ખાંડ ઝાંખી આવે છે તે ન ખાવી, જાડાઈ ખાંડ સારી. (તે સમયે દેશી ખાંડ ઝાંખી આવતી હતી.) આમ સ્વદેશીની વાતોમાં એક સામાન્ય બાળક જેટલું પણ એ સમજી નહોતા શકતા. એ એમનો માર્ગ ન હતો. પણ એથી એમને જે આઘ્યાત્મિક વસ્તુ સમજાઈ હતી તે ખોટી ન હતી. ગાય ગાયનું કામ કરે છે. ઘોડો ઘોડાનું કામ કરે છે. ગાય મીઠું અને પુષ્ટિકારક દૂધ આપે છે અને ઘોડો ગાડી ખેંચે છે કે સવારી કરવા કામ લાગે છે. દરેક સંતની પોતાની અમુક લાઈન હોય છે. તે પ્રમાણે તે વર્તે છે. તફાવત એટલો કે લોકોના વિચાર, વાણી અને વર્તન એકસરખાં હોય છે. સામાન્ય માણસ માફક એ વિચારે છે એક વસ્તુ, ઉપદેશ કરે છે બીજી વસ્તુનો અને આચરણ વળી ત્રીજું જ કરે છે. આવી એના વિચાર, વાણી અને વર્તનમાં ભિન્નતા હોતી નથી. આઘ્યાત્મિક વિષયમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ જેટલા મહાન તો ઘણા ઓછા થઈ ગયા છે.’’

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved