Last Update : 05-Sept.-2010, Sunday
સ્ટીલને બદલે વાંસ
આજકાલ - પ્રીતિ શાહ

સ્થપતિની કલ્પના કોઈ નવું સર્જન કરે તો એ સર્જન વિલક્ષણ બની રહેતું હોય છે. કોલમ્બિયાના આર્કિટેક્ટ સિમોન વેલેસે વાંસની ગુઆડુઆ જળમાંથી એક એવું સ્ટ્રક્ચર ઉભું કર્યું કે જે કોંક્રીટ અને સ્ટીલના સ્થાને કામ આપી શકે અને જેના નિર્માણમાં ઘણો ઓછો ખર્ચ થાય. એણે પહેલાં લાંબા બ્રિજની બંને બાજુ પગે ચાલનારા અને સાઇકલ સવારો માટે આવા વાંસના માર્ગો કર્યા અને પછી તો આ પ્રકારના વાંસમાંથી એણે અનેક જાતના સ્ટ્રક્ચર ઉભા કર્યા. સિમોનને આ વ્યવસાય વારસામાં મળ્યો છેે એના દાદા આર્કિટેક્ટ હતા. એના પિતાએ કોલંબિયામાં કેટલાક આઘુનિક મકાનો રચ્યા અને ત્રણ દાયકા પૂર્વે સિમોન વેલેસે મકાન બાંધકામ માટે વૈકલ્પિક સામગ્રીનો વિચાર શરૂ કર્યો. એણે સૌથી પહેલું કામ મેક્સિકો શહેરના વિશાળ મેદાનના અડધા ભાગમાં પેવેલિયન બાંધવાનું કર્યું. એ પછી ઇ.સ. ૨૦૦૦માં હેનોવર ઇન્ટરનેશનલ ફેર માટે જર્મનીએ એમને નિમંત્રણ આપ્યું અને એમણે કરેલું બાંધકામ જર્મનીના સલામતીના કડક કાયદાઓને પાર કરી ગયું. એના આ બધા કાર્યોને લીધે સિમોનને કોલંબિયાનો સૌથી મોટો એવોર્ડ મળ્યો. ભારત પણ ઘણા લાંબા સમયથી સિમોનના માર્ગદર્શન હેઠળ વાંસના આવા ઉપયોગો વિશે વિચારી રહ્યું છે. ચારેક વર્ષ પહેલાં સિમોન વાંસનું બાહુલ્ય ધરાવતા ભારતના ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં ગયા હતા અને એમાંથી કેટલાક એવા વાંસો પસંદ કર્યા હતા કે જે બાંધકામના ઉપયોગમાં આવી શકે. આ વર્ષે ચીનમાં યોજવામાં આવેલા શાંઘાઈના વ્યાપારી મેળામાં માત્ર પાંચ મહિનામાં સિમોન વેલેસે ૩૪ મીટરનો ડાયામીટર ધરાવતો ડોમ તૈયાર કર્યો હતો. ભારતના બીજાપુરમાં આવેલો ગોળગુંબજ ૩૮ ડાયામીટરનો છે તે સહેજ ! વળી શાંઘાઈમાં બાંધેલા આ ડોમમાં પર્યાવરણનો ખ્યાલ રાખવામાં આવ્યો. એની છત ઉપર બગીચો બનાવવામાં આવ્યો અને બાંધકામ માટે કુદરતી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો. આ રીતે વાંસના જગતમાં આજે સિમોન વેલેસ દંતકથારૂપ બની ગયો છે.

આરતીની ઇચ્છા
‘‘દર્દીઓને મારી સામે મોતનો શિકાર બનતા હું જોઈ શકતી નહોતી. મારે કોઈ પણ હિસાબે અને ઉપાયે એમનું જીવન બચાવવું હતું.’’
આ શબ્દો છે પૂણેની સાસન હોસ્પિટલમાં કામ કરતા ડૉ. આરતી કાનીકરના. એમની હોસ્પિટલમાં ચાર વેન્ટીલેટર હતા અને સ્વાઇન ફ્લુના રોગચાળા વચ્ચે શ્વાસની તકલીફ ધરાવતા નવસો બાળકો હતા. આ બાળકોને બચાવવા માટે ડો. આરતી કાનીકરે તત્કાળ એક સાધન શોધી કાઢ્યું જે નેસલ બબલ દ્વારા પ્રાણવાયુ નીકળતો હતો અને એનાથી અનેક બાળકોના પ્રાણ બચાવી શકી. આ સાધન બનાવવા માટે સેલાઇનની બોટલ કે બાળરોગના નિષ્ણાતો વાપરે છ તે નેઝલ કેનુલાનો ઉપયોગ કર્યો. સામાન્ય રીતે નવજાત શિશુને જે સાધનો મારફતે સારવાર આપી શકાય તેનો ઉપયોગ એણે બાર વર્ષ સુધીના બાળકો માટે કર્યો. એને માટે આ સાહસ અનિવાર્ય હતું. આ શોધને નેસલ બબલ કન્ટીન્યૂઅસ પોઝીટીવ એરવે પ્રેશર તરીકે ઓળખવામાં આવી. જેની એકની કિંમત પાંચ લાખની થતી હતી પરંતુ ડો. આરતીએ સ્થાનિક બજારમાં મળતી સામગ્રી લઈને માત્ર અઢીસો રૂપિયામાં આ સાધન બનાવ્યું. નેસલ કેનુલાનો એક છેડો નાની ટ્યુબ સાથે જોડી દર્દીના નાકમાં નાખવામાં આવે અને બીજો છેડો એ ઓક્સિજનનો પ્રવાહ દર્શાવતા મીટર સાથે જોડવામાં આવે. સ્વાઇન ફ્લુના દર્દીને ઓક્સિજનની ખાસ જરૂર પડે છે. એથીયે વઘુ વેન્ટીલેટરના સ્થાને શોધેલું આ સાધન અમીર- ગરીબ સહુને ઉપલબ્ધ થઈ શકે તેવું છે. ડો. આરતી આના વર્કશોપ લે છે અને આજે મહારાષ્ટ્રની ઘણી હોસ્પિટલો એના આ સાધનનો સ્વીકાર કરીને ઉપયોગ કરે છે. આરતી કહે છે કે એ એવી સારવારમાં માને છે કે પથારીમાં સૂતેલા દર્દીને પ્રત્યક્ષ રીતે મળી શકે.

 

ઈજ્જતનો સવાલ છે

વિશ્વમાં ભારત એક બાબતમાં દુઃખદ ‘સિદ્ધિ’ ધરાવે છે અને તે એ કે ભારતમાં જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં નિષ્ફળ જવાના ભયથી આત્મહત્યા કરે છે તેટલા બીજાકોઈ દેશમાં વિદ્યાર્થીઓ આત્મહત્યા કરતા નથી. આ પરિસ્થિતિથી ભારતને પોતાનું ઘર બનાવનારા સિત્તેર વર્ષના સફેદ વાળવાળા મેકોક્ષીને ભારે વેદના થઈ. બ્રેન્ડન મેકારથી ૧૯૬૦માં બાવીસ વર્ષની વયે ભારત આવ્યા. એ સમયે માત્ર હાઈસ્કૂલમાં ઉત્તીર્ણ થયા હતા, પરંતુ અહીં આવ્યા પછી એમણે અભ્યાસ કર્યો અને નવી નવી શિક્ષણનીતિઓ અમલમાં મૂકી. વિદ્યાર્થીઓમાં થતી આત્મહત્યા સામે મેકારથીએ આંદોલન જગાવ્યું છે અને વિદ્યાર્થીને સહાયક બની રહે એવી શાળાશિક્ષણની પઘ્ધતિ શોધી છે. શરૂઆતમાં એમના પ્રયત્ન તરફ કોઈએ ખાસ લક્ષ આપ્યું નહીં, પરંતુ ધીરે ધીરે મેકારથીની વાત તરફ સહુનું ઘ્યાન ખેંચાયું અને પછી તો પશ્ચિમ બંગાળે એના કેળવણીના માળખામાં મેકારથીની પઘ્ધતિને સ્થાન આપ્યું એટલું જ નહીં પણ ઘણા શિક્ષકોએ આ નવી પઘ્ધતિની તાલીમ લીધી અને નવ લાખ વિદ્યાર્થીઓએ બિનપરંપરાગત પઘ્ધતિનો લાભ લીધો. હવે રાજસ્થાન અને ઉત્તરાખંડ પણ આ પઘ્ધતિને આધારેપોતાની શિક્ષણનીતિ ઘડી રહ્યું છે.
મેકારથીના કહેવા પ્રમાણે વર્તમાન શિક્ષણ પઘ્ધતિનું સૌથી મોટું દૂષણ એ ‘ઈજ્જતનો સવાલ છે.’ વિદ્યાર્થી અને એના માતાપિતા એક સ્પર્ધામાં ઝૂકાવતા હોય છે અને બીજાને પાછા હઠાવીને સૌથી મોખરે આવવામાં ઈજ્જત માનતા હોય છે. મેકારથીની પઘ્ધતિમાં બાળકના મન પરથી ભણવાનું દબાણ દૂર કરવામાં આવે છે. શિક્ષક વિદ્યાર્થીઓને જુદી જુદી ટુકડીમાં વહેંચી નાખે છે અને વર્ગોમાં ક્વીઝ યોજવામાં આવે છે, જેમાં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને પ્રશ્ન પૂછતો હોય અને એનો ઉકેલ આપતો હોય. શિક્ષકની ભૂમિકા આમાં મોડરેટર કે નિરીક્ષક જેવી લાગે છે અને વિદ્યાર્થી ગોખવાને બદલે પોતાની સંયુક્ત રીતે કુશળતાથી અભ્યાસ કરતો રહે છે, એકબીજાની સ્પર્ધાનો ભાવ હોતો નથી અને તેથી તેવા વાતાવરણમાં વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધે છે અને એનામાં નેતૃત્વનો ગુણ પણ ખીલે છે. મેકારથી પોતે જે રીતે આગળ વઘ્યા એ જ રીતે એમણે પોતાની આ પઘ્ધતિ ઊભી કરી છે. સુંદર હિન્દી બોલી શકતા મેકારથી હિન્દી બોલતા ઝૂંપડપટ્ટીના બાળકોને પણ શીખવે છે અને કોલેજના અઘ્યાપકોને પણ શીખવે છે.

 

પુલીએ પુરવાર કર્યું

'મોટર કંઈ પાણીથી ચાલી શકતી નથી.' એવી વાત કરનારાઓ એમને માટે વપરાતા મોંઘા ડીઝલ અને પેટ્રોલ તરફ નજર કરે છે, પણ હવે એક નવું પરિવર્તન એ આવ્યું છે કે મોટર હવાથી ચાલી શકશે ! બેંતાલીસ વર્ષના પુલી રવિ કુમાર વારાંગલમાં આવેલી નૅશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીના મદદનીશ અધ્યાપક છે. એમને એક વખત મનમાં વિચાર આવ્યો કે હવાથી ચાલતી મોટર બનાવીએ તો કેવું સારું. વિચાર તો સારો હતો, પણ જેણે સાંભળ્યો એને આશ્ચર્ય થયું. આવે સમયે એને એના પાંચેક સાથીઓનો સાથ મળ્યો અને પુલી રવિ કુમારે એમનું કામ શરૃ કર્યું. નવ મહિના પછી આ પુલીએ પુરવાર કરી બતાવ્યું કે વ્યક્તિ ધારે તે કરી શકે છે. પેટ્રોલ કે ડીઝલ વાપર્યા વિના ઍરથી મોટર ચલાવી શકાય છે. પેટ્રોલ કે ડીઝલના વપરાશને કારણે પ્રદૂષણ ફેલાય છે એ જાણીતી હકીકત છે. જો આને બદલે એર-પ્રેશર ટૅક્નોલોજીનો ઉપયોગ કરીને મોટર ચલાવવામાં આવે, તો કેવું સારું ?
આમ વિચારીને એણે આ કામ શરૃ કર્યું. એના શિક્ષકે એને આ માટે પચાસ હજાર રૃપિયા આપ્યા. એટલું જ નહીં પણ પ્રયોગ કરવા માટે એક ફિયાટ અને એક મારૃતિ જેવી જૂની મોટર પણ લાવી આપી. અંતે માત્ર પચાસ હજાર રૃપિયાના ખર્ચે ફયુઅલથી ચાલતી કાર એરના પ્રેશરથી ચાલવા લાગી.આની પાછળનો ખ્યાલ એ છે કે પ્રેશર ધરાવતી હવા સિલિન્ડરમાં આપીને પિસ્ટનની મુવમેન્ટ ઊભી કરવી, જેને પરિણામે મોટર ચાલે. આ વાહનને રેડિએટરની પણ જરૃર નથી અને સૌથી મોટી વાત તો એ છે કે આ તદ્દન પ્રદૂષણમુક્ત છે. ગયે વર્ષે આ પ્રકારની કારને માટે પેટન્ટ પણ નોંધાવવામાં આવી છે.
જો કે રવિકુમારે આ એર એંજિનમાં પોતાની રીતે ઘણાં ઘણાં સંશોધનો કર્યાં છે અને તેને પરિણામે આનાથી ઘણી મોટી આવક થવાની શક્યતાઓ વધી ગઈ છે.આ કાર ધારેલી ઝડપે જઈ શકતી નથી, પરંતુ હવે એમાં જુદા જુદા ફેરફારો થતાં એની ઝડપ પણ વધશે અને લોકો ઉપયોગ કરી શકે એવા કોમર્શિયલ મોડેલની એ તૈયારી કરી રહ્યાં છે.
થોડાં સમયમાં લોકોને હવાથી ચાલતી કારમાં વિનામૂલ્યે સવારી કરાવવાનો પુલી રવિ કુમારનો વિચાર છે.

 

જાગૃતિની નવી દિશા
બીજા સરકારી બાબુઓ કરતાં વજાહતની વિશેષતા એ રહી કે જે બાબતથી બીજા અફસરો દૂર ભાગતા હોય એને એ સામે ચાલીને આવકારતા હોય છે. ભાગ્યે જ કોઈ પસંદ કરે એવા લક્ષદ્વીપ ટાપુમાં એડમીનીસ્ટ્રેટર તરીકે આ ઉચ્ચ સરકારી અધિકારીને મોકલવામાં આવ્યા અને એમણે સ્થાનિક પ્રશાસનમાં મોટું પરિવર્તન આણ્યું. એમણે ટાપુમાં સર્વત્ર સૂર્યશક્તિનો ઉપયોગ કરવાનું રાખ્યું જેને કારણે લોકોને રાહત મળે. એમણે આ ટાપુમાં એક આયલેન્ડ કાઉન્સિલની રચના કરી, જેમાં ચૂંટાઈ આવેલા લોકો ભાગ લેતા હતા અને એને પરિણામે પ્રજા અને સરકાર વઘુ નજીક આવી. પરંતુ પ્રજા અને સરકારને સૌથી વઘુ નજીક લાવવાનું કામ તો વજાહત હબીબુલ્લાએ ભારતના પ્રથમ મુખ્ય માહિતી કમિશનર તરીકે કર્યું. એમણે સામાન્ય માનવી માગે ત્યારે સરકારે માહિતી આપવી જોઈએ એ સિઘ્ધાંત સિઘ્ધ કર્યો. લોકોમાં રાઇટ ટુ ઇન્ફર્મેશન અંગે જાગૃતિ લાવ્યા. અને ચાર વર્ષ પહેલાં પસાર થયેલા આ કાયદાના અમલ માટે સરકારે વજાહતની નિમણૂંક કરી. આ કાયદો માત્ર દસ રૂપિયાની ફીથી ભારતના નાગરિકને ગવર્નમેન્ટનો રેકોર્ડ જોવાની, એની કોપી કરવાની અને એના સત્તાધીશને સવાલ કરવાની તક આપે છે. વજાહતની આગેવાની હેઠળ આ કાયદો દેશની સામાન્ય પ્રજાને માટે જાદુઈ લાકડી જેવો પુરવાર થયો. એના દ્વારા લાંચ-રૂશ્વત સામે ઘણાએ જંગ ખેલ્યો અને સરકારની ઉદાસીનતા કે તુમારશાહી સામે પ્રજાએ લાલ આંખ કરી. પાસપોર્ટ કે પેન્શન મેળવવા માટે એના હકદારને મહિનાઓ સુધી પરેશાન થવું પડતું હતું એ આ કાયદાને પરિણામે તત્કાલ થવા લાગ્યા. જાહેર અધિકારીઓની મિલકતોની તપાસ થવા લાગી. કોઇ પણ કામ લીઘું હોય પછી એને પાર પાડવું એ વજાહત હબીબુલ્લાહના લોહીમાં છે. એમના પિતા મેજર જનરલ ઇ. હબીબુલ્લાહે મહારાષ્ટ્રના ખડકવાસલામાં વિખ્યાત ડિફેન્સ એકેડેમીની સ્થાપના કરી હતી. એમના દાદીમા અને ઉર્દૂ લેખિકા ઇનામ ફાતિમા હબીબુલ્લાહ ૧૯૩૦ના ગાળામાં લખનૌમાં બુરખાનો ત્યાગ કરનારી અગ્રણી મુસ્લિમ મહિલા હતી. કોલેજના અભ્યાસકાળ દરમિયાન એન્ટોન ચેખોવ અને દોસ્તોએવસ્કીને વાંચનારા આ ઉચ્ચ સરકારી અધિકારી લિયો ટોલ્સ્ટૉયના આશક છે. આજે ૬૪ વર્ષે પણ પરંપરામાંથી મળેલો એમનો ઘોડેસવારીનો શોખ અકબંધ છે. વિશેષ તો ઘણા વર્ષો સુધી કાશ્મીરમાં આઇ.એ.એસ. ઓફિસર તરીકે કામ કરનાર વજાહતે જાનના જોખમે પણ સુલેહ અને શાંતિ માટે પ્રયત્નો કર્યા છે. આજે એમને સૌથી વઘુ આનંદ એ છે કે આર.ટી.આઈ. દ્વારા દેશના સામાન્ય માણસને અન્યાય સામે એનો અવાજ નિર્ભયતાથી વ્યક્ત કરવાની તક આપી છે.

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved