ડબ્લીન (આયર્લેન્ડ), તા. ૪
પોતાની આત્મકથાના પ્રમોશન તરીકે પુસ્તક પર જાહેરમાં હસ્તાક્ષર કરવા ડબ્લીન આવેલા ટોની બ્લેર પર શનિવારે યુધ્ધવિરોધી દેખાવકારોએ જોડા અને ઇંડાનો વરસાદ વરસાવ્યો હતો. જેવા બ્લેક બુકસ્ટોર નજીક આવ્યા કે દેખાવકારોએ સુત્રો પોકાર્યા હતા કે બ્લેરના હાથ લોહીથી રંગાયેલા છે. એક જોડો, ઇંડા અને અન્ય વસ્તુઓ બ્લેર પર ફેંકવામાં આવી હતી. જો કે નિશાન ચુકી ગયા હતા.
બ્લેરે પોતાની આત્મકથા 'એ જર્ની' (એક યાત્રા)માં પોતાના ૧૦ વર્ષના શાસન દરમ્યાન અપનાવેલી નીતીઓનો બ્લેરે બચાવ કર્યો છે તેમાં ૨૦૦૩ના ઇરાક આક્રમણનો પણ સમાવેશ થાય છે.
શનિવારે ટીવી પર બતાવવામાં આવેલા એક ઈન્ટરવ્યુમાં બ્લેરે કહ્યું હતું કે ઈરાક અને અફઘાનિસ્તાન પરના આક્રમણને કારણે મુસ્લિમ અંતિમવાદ વધ્યો હતો, એ વાત ખોટી છે.
તેમણે કહ્યું કે ''ઘાતકી અને ભુતકાળગામી ક્રાંતિકારી ઇસ્લામ'' વૈશ્વિક સલામતી સામે સૌથી મોટું જોખમ છે. તેમણે કહ્યું કે તે ક્રાંતિકારી સામ્યવાદ જેવી ચળવળ છે. તેમણે કહ્યું કે અલ-કૈદાએ ફેલાવેલો અંતિમવાદને વૈશ્વિક વિચારધારા ચળવળ તરીકે ગણી શકાય અને ઈરાન તેને અધિકૃત રીતે ઉત્તેજન આપે છે.