મુંબઈ, શનિવાર
માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ (સેબી) અમુક ચોક્કસ કિસ્સામાં શેરબજારમાં જોવા મળતી ભાવની વોલેટાલિટીને અંકુશમાં લેવા માટે નવા નિયમો ઘડયા છે.
સેબીના જણાવ્યા મુજબ મર્જર, ડિમર્જર અને મૂડીના માળખામાં ફેરફાર કરનાર કંપનીઓના શેરનું ટ્રેડિંગ માળખાગત ફેરફારના પ્રથમ દસ દિવસમાં ભાવની રેન્જમાં થવું જોઈએ. આવી કંપનીઓની સ્ક્રિપમાં ટ્રેડિંગમાં આવતી વોલેટાલિટીને અંકુશમાં લાવવા માટે પગલા ભરવામાં આવશે. આ ઉપરાંત પ્રથમ દસ દિવસ માટે આ શેરોના ટ્રેડિંગની પતાવટ (લેવાલ-વેચવાલ) ક્લિયરીંગ હાઉસ વગર કરવાની રહેશે. એટલે કે પ્રથમ દસ દિવસ માટે આ શેરોમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરી શકાશે નહીં.
મર્જર, ડિમર્જર, એકત્રીકરણ અને મૂડીના ઘટાડા તથા મજબૂતાઈના કિસ્સામાં પ્રથમ દસ દિવસ દરમિયાન ટ્રેડિંગના પ્રથમ દિવસે પ્રાઇઝ બેન્ડ ખુલ્લું રાખીને લાગુ પાડવામાં આવતા પ્રાઈઝ બેન્ડ સાથે ટ્રેડ-ફોર-ટ્રેડ સેગમેન્ટમાં ટ્રેડિંગ થશે. આ પ્રકારના સેટલમેન્ટમાં ઇન્ટ્રાડે ટ્રેકિંગ શક્ય નથી. તેમાં રોકાણકારે દરેક ટ્રેડ માટે જામીનગીરી લેવી પડશે તેમજ આપવી પડશે. બજારના જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ મર્જર, ડીમર્જર કે મૂડીની પુનર્રચના પછી શેરોમાં નવેસરથી ટ્રેકિંગ થશે તેમ સ્ક્રિપ્સનો એફએન્ડઓમાં ટ્રેડ માટે લાયક હશે તો આ નિયમોનું પાલન કરવું પડશે. આ ઉપરાંત જે શેરોનું માત્ર કેશ સેગમેન્ટમાં જ ટ્રેડિંગ થાય છે તેમણે પણ આ નિયમોનું પાલન કરવું પડશે.