Last Update : 04-Sept..-2010, Saturday

ઇરાક સામેનું યુદ્ધ અમેરિકાનું એક બહું મોટું કાવતરું હતું

ઇરાક પાસે સમૂહસંહારના શસ્ત્રો છે એવો જૂઠો આક્ષેપ કરીને અમેરિકાએ ઇરાકમાં આશરે એક લાખ નિર્દોષ નાગરિકોની કતલ નાંખી છે

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ૩૧મી ઓગસ્ટે પોતાની ઓવલ ઓફિસમાંથી જાહેરાત કરી છે કે ઇરાકના યુદ્ધનો અંત આવ્યો છે. સાત વર્ષ અગાઉ અમેરિકાના તત્કાલીન પ્રમુખ જ્યોર્જ બુશે આ જ ઓવલ ઓફિસમાંથી ટીવી ઉપરના લાઇવ ટેલિકાસ્ટ દ્વારા જાહેરાત કરી હતી કે તેઓ ઇરાકમાં રહેલાં સમૂહ સંહારના શસ્ત્રો શોધી કાઢવા તેની સામે યુદ્ધે ચઢી રહ્યા છે. ઇરાકના યુદ્ધનો પ્રારંભ આ એક મોટા જૂઠાણાં સાથે થયો હતો અને તેનો અંત તેનાથી પણ વધુ મોટાં જૂઠાણાં સાથે આવી રહ્યો છે. પહેલું જૂઠાણું એ હતું કે, ઇરાક પાસે સમૂહસંહારના શસ્ત્રો છે માટે અમેરિકા તેની સામે યુદ્ધે ચડયું છે. સાત વર્ષ ચાલેલા આ યુદ્ધમાં ઇરાક પાસે સમૂહ સંહારનું એક પણ હથિયાર મળ્યું નથી. હકીકતમાં આ વાતની જાણ અમેરિકાને યુદ્ધનો આરંભ કરતી વખતે પણ હતી. ઇરાક સામે યુદ્ધ કરવાનું ખરું કારણ સમૂહ સંહારના શસ્ત્રો નહોતું પણ ઇરાકના તેલના ભંડારો હતા, જેની ઉપર અમેરિકા બાદશાહી લૂંટ ચલાવવા માંગતું હતું. ઇરાકના ત્યારના શાસક અમેરિકાના આ ઇરાદાને બર આવવા દે તેમ નહોતા, માટે તેમને ચગદી નાખવા ઇરાક ઉપર આક્રમણ કરવામાં આવ્યું હતું. આ રીતે તદ્દન જૂઠું બોલીને એક સ્વતંત્ર દેશ ઉપર હુમલો કરીને લાખો લોકોની કતલ કરનારા અમેરિકા ઉપર ખટલો ચલાવવો જોઈએ.
બરાક ઓબામાએ જાહેરાત કરી છે કે, ઇરાકના યુદ્ધનો અંત આવ્યો છે. આ બીજું મોટું જૂઠાણું છે. ઇરાક યુદ્ધનો જો અંત આવ્યો હોય તો ઇરાકમાં શા માટે ૫૦,૦૦૦ અમેરિકન સૈનિકોને રાખવામાં આવ્યા છે ? યુદ્ધનો અંત આવ્યો હોય તો ઇરાકમાં લશ્કર રાખવાની કોઈ જરૃર રહેતી નથી. અમેરિકા કહે છે કે ઇરાકની સરકારને વહીવટમાં મદદ કરવા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા કન્સલ્ટન્ટ તરીકે આ ૫૦,૦૦૦ સૈનિકોને રાખવામાં આવ્યા છે. આ પણ એક જૂઠ છે. ઇરાકમાં સદ્દામ હુસૈનને ફાંસીએ ચડાવ્યા પછી અમેરિકાએ એક કઠપૂતળી જેવી સરકારની સ્થાપના કરી છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇરાકમાં અમેરિકાએ યુદ્ધ દ્વારા જે તેલના કૂવાઓ ઉપર અંકુશ મેળવ્યો છે, તેની રક્ષા કરવાનું છે. અમેરિકાને ડર છે કે જો અમેરિકાના બધા સૈનિકો જો ઇરાકમાંથી વિદાય થઈ જશે તો ઇરાકના દેશપ્રેમી તત્ત્વો આ અમેરિકાની ચમચા સરકારને હટાવીને સત્તા પર આવી જશે અને અમેરિકાની સાત વર્ષની મહેનત ઉપર પાણી ફરી વળશે. અમેરિકાએ ઇરાકમાં સાત વર્ષના શાસન દરમિયાન ભવિષ્યમાં અમેરિકાને જ વફાદાર રહે તેવા લશ્કરનું નિર્માણ કર્યું છે. આ લશ્કર ભૂલેચૂકે બળવો કરીને ઇરાકની કઠપૂતળી સરકારને ઉથલાવી ન પાડે તે માટે હજી પણ ત્યાં અમેરિકાનું લશ્કર રાખવામાં આવ્યું છે.
હકીકતમાં ઇરાક પર હુમલો કરીને અમેરિકા ભેરવાઈ ગયું હતું. ઇરાકના યુદ્ધમાં અમેરિકાના ૪૪૨૧ સૈનિકો માર્યા ગયા હતા અને બીજા ૩૨,૦૦૦ ઘાયલ થયા હતા. આ ઉપરાંત ઇરાકના યુદ્ધમાં અમેરિકાને ૧,૦૦૦ અબજ (એક ટ્રિલિયન) ડોલર જેટલો ખર્ચો થયો હતો. આ કારણે અમેરિકામાં ઘરઆંગણે ઇરાક યુદ્ધનો વિરોધ વધી રહ્યો હતો. ઇરાકના યુદ્ધમાં ઇરાકના એક લાખ નિર્દોષ નાગરિકોનો સંહાર થઈ ગયો તેની અમેરિકાના નાગરિકોને જરાય ચિંતા નથી. બરાક ઓબામાએ ઇરાક સામે યુદ્ધે ચડવાના ત્યારના પ્રમુખ બુશનાં પગલાંનો જાહેરમાં વિરોધ કર્યો હતો અને વચન આપ્યું હતું કે તેઓ સત્તા ઉપર આવશે તો યુદ્ધનો અંત આણશે. અમેરિકાના મતદારો પણ આ અર્થ વગરના યુદ્ધથી કંટાળી ગયા હતા, એટલે તેમણે બરાક ઓબામાને જીતાડી આપ્યા હતા. હવે ઓબામાએ ઇરાક યુદ્ધના અંતની ઘોષણા કરીને પોતાનું વચન પાળ્યું છે, પણ ઇરાકને જે નુકસાન થયું છે તે કોણ સરભર કરશે ?
અમેરિકાએ હજી ઇરાકમાંથી પોતાનું લશ્કર પાછું નથી ખેંચી લીધું તે દર્શાવે છે કે દાળમાં કંઈક કાળું છે. અમેરિકાનું લશ્કર હવે ઇરાકની શેરીઓમાં જોવા નહીં મળે પણ તેને ૨૦ જેટલા મોટા અને ૧૦૦ જેટલા નાના લશ્કરી અડ્ડાઓમાં ખસેડી દેવામાં આવ્યું છે. તેમાંના આઠ અડ્ડાઓ તો ઇરાકની રાજધાની બગદાદની બાજુમાં જ આવેલા છે. ઇરાકની અબુ ધારીબ નામની કુખ્યાત જેલમાં હજી પણ લાખો દેશભક્ત અને અમેરિકા વિરોધી ઇરાકીઓને બંદી બનાવીને રાખવામાં આવ્યા છે, જેની રક્ષા અમેરિકી સિપાઈઓ કરી રહ્યા છે. ઇરાકમાં જે તેલના કૂવાઓ આવેલા છે, તેની અને તેલની પાઇપલાઇનો તેમજ તેલ અમેરિકા મોકલવા માટે વાપરવામાં આવતા બંદરોની ચોકી અમેરિકાના સૈનિકો જ કરી રહ્યા છે. અગાઉ અમેરિકાની સત્તા સામે અવાજ ઉઠાવનારા ઇરાકીઓની કતલ કરવાનું કામ અમેરિકાનું લશ્કર કરતું હતું હવે આ કામ અમેરિકાના લશ્કર પાસે તાલીમ પ્રાપ્ત કરનાર ઇરાકી લશ્કર કરી રહ્યું છે. ફરક આટલો જ પડયો છે.
અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા કહે છે કે, ''ઇરાકની સ્વતંત્રતાનું ઓપરેશન હવે પૂરું થયું છે. હવે ઇરાકની રક્ષા કરવાની જવાબદારી ઇરાકની પ્રજાની છે.'' આ પણ કેટલું મોટું જૂઠાણું છે ? અમેરિકાએ ઇરાક ઉપર જે હુમલો કર્યો તેનો હેતુ ઇરાકની પ્રજાને ગુલામ બનાવવાનો હતો કે સ્વતંત્ર બનાવવાનો હતો ? બહુ સ્પષ્ટ છે કે અમેરિકાનો હુમલો સ્વતંત્રતાનું નહીં પણ ઇરાકની ગુલામીનું મિશન હતું. આ મિશન સફળ થયું છે. આ મિશનના અંતે અમેરિકાએ બગદાદમાં એક ડમી સરકારની સ્થાપના કરી છે, જેને અમેરિકા રિમોટ કન્ટ્રોલથી ચલાવશે. આ સરકાર જ્યાં સુધી અમેરિકાને વફાદાર રહેશે ત્યાં સુધી તેને સત્તા ઉપર રહેવા દેવામાં આવશે. જેવી આ સરકાર અમેરિકાનાં હિતોને બદલે ઇરાકનાં હિતોની સુરક્ષાની ચિંતા કરવા લાગશે તેવી તેને ઉથલાવી મૂકવામાં આવશે. ઇરાકની સ્વતંત્રતાનો અર્થ ઇરાકની લૂંટફાટ ચાલુ રાખવાની અમેરિકાની સ્વતંત્રતા અર્થ એવો થાય છે. ઇરાકની રક્ષાનો અર્થ અમેરિકાનાં હિતોની રક્ષા એવો થાય છે.
રાજકીય સમીક્ષકો કહે છે કે, હવે ઇરાકમાં લોકશાહીની પુનર્સ્થાપના કરવાની અને તેને ગુંચવાડામાંથી બહાર લાવવાની જરૃર છે. પહેલી વાત એ કે ઇરાકના ગૂંચવાડા માટે ઇરાકની પ્રજા અથવા શાસકો નહીં પણ અમેરિકા જવાબદાર છે. ઇ.સ. ૨૦૦૩ની સાલમાં અમેરિકાએ ઇરાક ઉપર આક્રમણ કર્યુ ત્યારે ઇરાકમાં સદ્દામ હુસૈનની સરકાર સત્તા ઉપર હતી. ઇરાકના લોકોએ અમેરિકાને ક્યારેય આમંત્રણ આપીને બોલાવ્યું નહોતું કે, ''અમને સદ્દામ હુસૈનના શાસનમાંથી મુક્ત કરવા તમે સૈન્ય લઈને અમારી મદદ કરવા આવો.'' ઇરાકના શાસકો અમેરિકાને ઇરાકની કુદરતી સંપત્તિની લૂંટફાટ નહોતા કરવા દેતા એટલે સમૂહસંહારના શસ્ત્રોનું બહાનું બતાવીને અમેરિકાએ ઇરાક ઉપર આક્રમણ કર્યું હતું અને તે દેશમાં ભારે ખૂનખરાબો કર્યો હતો. ઇરાકના દેશપ્રેમી શાસકોએ વર્ષોની જહેમતથી દેશનો વહીવટ કરવાની અને સીમાડાઓની સુરક્ષા કરવાની જે વ્યવસ્થા ઊભી કરી હતી તે અમેરિકાએ ખતમ કરી નાંખી હતી. હવે ઇરાકના તેલના કૂવાઓ જ્યારે પોતાના કબજામાં આવી ગયા છે ત્યારે અમેરિકા ઇરાકને ખુદાના ભરોસે છોડીને નીકળી જવા માંગે છે.
રાજકીય સમીક્ષકો એમ પણ કહે છે કે, ઇરાકની લોકશાહી ટકી રહે તે જોવાની જવાબદારી અમેરિકાની છે. હકીકતમાં ઇરાકમાં મહિનાઓ પહેલા ચૂંટણી થઈ ગઈ છે, પણ જે ચૂંટાયેલી સરકાર છે તે એટલી નબળી છે કે દેશ ઉપર તેનો કોઈ કાબૂ જ નથી. બ્રિટન અને અમેરિકાએ પોતાના સામ્રાજ્યવાદને વિસ્તૃત બનાવવા એક જ સ્ટ્રેટેજી અપનાવી છે. પહેલા તેઓ સ્વતંત્ર, સાર્વભૌમ અને સ્વમાની દેશના શાસકો ઉપર હુમલો કરે છે અને યુદ્ધમાં તેમને પરાજીત કરે છે. આ સ્વમાની શાસકોને ક્યાં તો ફાંસીની સજા ક્યાં દેશનિકાલની સજા કરવામાં આવે છે. આ પછી દેશની આ બધી કુદરતી સંપત્તિ ઉપર લૂંટફાટ ચલાવી કુદરતી સ્રોતોનો અંકુશ પોતાના હાથમાં લઈ લેવામાં આવે છે. પછી તે દેશની પ્રજામાંથી એવા ગદ્દારો તૈયાર કરવામાં આવે છે, જેઓ પોતાના દેશબાંધવોને નહીં પણ અમેરિકાને વફાદાર હોય. પછી તે દેશનું બંધારણ બદલી નાખવામાં આવે છે ત્યાં લોકશાહીની સ્થાપનાનું નાટક કરવામાં આવે છે. આ નાટકમાં અમેરિકા અને બ્રિટનની ઇચ્છા મુજબની સરકાર જ સત્તા ઉપર આવે તેની ખાસ કાળજી રાખવામાં આવે છે. પછી આ સરકાર પાસે એવા કાયદાઓ ઘડાવવામાં આવે છે કે તેના થકી અમેરિકાના અને બ્રિટનના હિતોની રક્ષા થાય અને તે દેશની પ્રજા ઉત્તરોત્તર ગરીબ અને કંગાળ બનતી જાય. ઓપરેશન ઇરાક પૂરું થયું છે. હવે ઇરાનમાં આ પ્રકારનું ઓપરેશન શરુ કરવા અમેરિકાએ ઇરાકમાંથી લશ્કરને પાછું ખેંચી લેવાનું નાટક કર્યું છે.
અમેરિકાએ જે નાટક ઇ.સ. ૨૦૦૩થી ૨૦૧૦ દરમિયાન ઇરાકમાં કર્યું તે નાટક બ્રિટીશરો ઇ.સ. ૧૮૫૭થી ૧૯૪૭ દરમિયાન ભારતમાં કરી ચૂક્યા છે. ઇ.સ. ૧૮૫૭માં સિપાઇઓના બળવાને ડામી દેવાના બહાને ભારતના મોગલ શાસકોને અને રજવાડાંઓને ખતમ કરી નાખવામાં આવ્યા હતા. પછી દેશના ખજાના ઉપર બાદશાહી લૂંટ ચલાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ દેશભરમાં યુનિવર્સિટીઓની સ્થાપના કરીને પોતાના દેશવાસીઓને ધિક્કારતો હોય અને અંગ્રેજો પ્રત્યે અહોભાવ ધરાવતો હોય તેવા શિક્ષિતોના વર્ગને તૈયાર કરવામાં આવ્યો. આ વર્ગને બ્રિટીશરોના હિતની રક્ષા કરે તેવા લોકશાહી ઢબના શાસનની તાલીમ આપવા માટે ઇ.સ. ૧૮૮૫માં કોંગ્રેસ પક્ષની સ્થાપના કરવામાં આવી. ઇ.સ. ૧૯૧૮ની સાલમાં આ રીતે તાલીમ પામેલા ભારતીયોને મ્યુનિસિપાલિટીના સ્તરે સત્તાની સોંપણી કરવાની શરુઆત કરવામાં આવી. ઇ.સ. ૧૯૩૫માં ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઘડીને આ અંગ્રેજભક્ત ભારતીયોને પ્રાંતોમાં અને કેન્દ્રમાં પણ સત્તાની ભાગીદારી આપવામાં આવી. ઇ.સ. ૧૯૪૬માં આ અંગ્રેજપરસ્ત ભારતીયો પાસેથી ભવિષ્યમાં અંગ્રેજોને ફાયદો થાય તેવા બંધારણની રચના કરાવવામાં આવી. પછી તેમના હાથમાં સત્તા સોંપી દેવામાં આવી. આ અંગ્રેજપરસ્ત ભારતીયો આજે પણ આપણા દેશનો વહીવટ એવી રીતે ચલાવી રહ્યા છે કે જેથી ભારતની પ્રજા પાયમાલ થાય અને વિદેશી કંપનીઓ ભારતનું શોષણ કર્યા કરે. આપણી લોકસભામાં ઘડાતા કાયદાઓ પણ બ્રિટન અને અમેરિકાની તરફેણ કરે તેવા હોય છે. ઇરાકમાં પણ જ્યારે વર્તમાન ભારત જેવી પરિસ્થિતિની સ્થાપના થશે ત્યારે અમેરિકાનું ઇરાક મિશન ૧૦૦ ટકા સફળ થયું હોવાની ઘોષણ કરવામાં આવશે.
- સુપાર્શ્વ મહેતા
Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved