આપણા રસોડામાં જ અમૃતના પડીકા પડયા છે અને આપણને અંગ્રેજોએ એલોપથીના રવાડે ચઢાવ્યા અથવા ખોટી (દા.ત. છાશ પીવાથી શરદી થાય, ગોળ ગરમ પડે, બાજરી ગરમ પડે, કેળા શરદી કરે, દૂધ ચરબી વધારે, ઘી જાડાઈ વધારે, ચોખા જાડાઈ વધારે... આ બધી મગજમાં ઘુસી ગયેલી અથવા ઘુસાડી દીધેલી ખોટી માન્યતાઓ છે. ઘી અને દૂધમાં ચરબી છે પણ એ ચરબીની આપણા શરીરને જરૃર છે. આપણા ઋષિઓએ દેવું કરીને પણ ઘી પીવાનું કહ્યું છે! જ્યારે છાસને તો અમૃત કહી છે.) માન્યતાઓના કારણે આપણે આપણા આરોગ્યને બગાડી. આદુનું પણ એવું છે.
આદુના ગુણો અપરંપાર છે પરંતુ કેટલાક તો એને 'ગરમ પડે' કહીને અડકતા જ નથી. હકીકતમાં આદુ તો આપણા આરોગ્ય માટે સર્વગુણ સંપન્ન છે. એમાં પ્રોટીન, સ્ટાર્ચ, કાર્બોહાઈડ્રેટ, એસ્પાર્દિક એસીડ, ગ્લુટામિક એસિડ, એમિનો એસીડ, જિંજી બેરાબ, જિંજિબેરીન, થ્રિયોનિન, ગ્લોબ્યુલિન, ગ્લુટામિન, ગ્લુકોઝ, ફ્રક્ટોજ, સુફ્રોજ, રેફિનિસ, ઇન્યુલિન, રેસા, રાળ વગેરે કેટલાય તત્વો છે.
પરિણામે...
(૧) જમ્યા પહેલાં દસ પંદર મિનિટ અગાઉ આદુના એક નાનકડા ટુકડાને સિંધાલુણ મીઠું સાથે ચાવી જવાથી હાર્ટબીટ હમેશાં કન્ટ્રોલમાં રહેશે.
(૨) એલોપથી કે ડોક્ટરો એવું કહે છે કે લકવો અથવા પક્ષઘાતનો કોઈ ઈલાજ નથી. જ્યારે આયુર્વેદ એવું નથી કહેતો. આયુર્વેદ કહે છે કે લકવાનો કોઈપણ દરદી આદુનો સુપ ગાયનું દૂધનું ઘી એક જ ચમચી નાંખીને પીવાથી પાંચ-છ મહિનામાં લકવો ગાયબ થઈ જશે. એનાથી શરીરના બધા અંગો ફરીથી પહેલાંની જેમ કામ કરતા થઈ જશે.
આદુનો સૂપ બનાવવાની રીત આ પ્રમાણે છે... ૧૫ ગ્રામ આદુને હળવું પીસીને ૨૦૦ ગ્રામ પાણીમાં નાખીને ધીમા તાપે લગભગ ૫૦ ગ્રામ પાણી બચે એટલું એ પાણી ઉકાળ્યા કરવું. એ પછી એ પાણીને ગાળીને ઠંડુ થવા દેવું. પછી એમાં એક લીંબુનો રસ નીચોવવો અને સ્વાદ પ્રમાણે સીંધાલુણ નાંખવું. બસ, આદુનો સૂપ તૈયાર. એમાં પણ ગાયનું ઘી નાંખવું. (ગાયનું ઘી હવે બધે દુકાનોમાં કે મોલમાં છૂટથી મળે છે. અમૂલ પણ બનાવે છે અને બ્રિટાનિયા પણ બનાવે છે.) એ સૂપ લકવાના દર્દીને પીવરાવવો. આ સૂપ પાંચ દિવસ સુધી દરરોજ પીવાથી ભૂખ ખૂલી જશે. એટલે કે પાચન શક્તિ વધશે. મળત્યાગ વખતે કોઈપણ જાતની તકલીફ હશે તો એ દૂર થઈ જશે. ખરેખર તો, આ સૂપ દરેક જણે અઠવાડિયામાં એક વખત તો પીવો જ.
સુકાયેલા આદુને સૂંઠ કહે છે. એ સૂંઠને પીસીને એ ચૂર્ણ લગભગ દરેકના ઘરમાં હોય છે અને જેઓના ઘરમાં ન હોય એમણે હવેથી ઘરમાં રાખવાનું શરૃ કરવું. જૈનોના ઘરમાં તો સૂંઠ હોય જ. સુખડી બનાવવામાં સૂંઠ નાંખવાથી વધુ ગુણકારી સુખડી બને છે. બાળકોને દરરોજ સુખડીના બટકા ખાવા આપવાની ટેવ રાખવી. બાળકોને નિશાળે નાસ્તામાં સૂંઠવાળી સુખડી આપવાનું રાખવું.
એ જ રીતે ચામાં પણ આદુના ટુકડા પીસીને નાંખવાથી ચા વધુ ટેસ્ટી બને છે. આદુ ગરમ પડે છે એવો વહેમ રાખવો જ નહીં. સૂંઠ, ગંઠોડાનો મસાલો પણ ચામાં નાંખી શકાય છે. ગંઠોડા પણ ઘણા ગુણકારી છે. ગંઠોડાની એટલી બધી વેરાઇટી મળે છે કે હજાર રૃપિયાના ભાવના પણ ગંઠોડા હોય છે.
જૈનોમાં તો સૂંઠ, ગોળ અને ઘી ભેળવીને સોપારી જેવડી લાડુડી ખાવાનો રીવાજ છે. જ્યારે ઉપવાસ કે એકાસણું કર્યું હોય ત્યારે પારણુ કરતી વખતે એ લાડુડી બેચાર પાંચ ખાવામાં આવે છે.
જૈનોમાં ગોળ, ઘી, સૂંઠ અને ગુંદરની રાબ બનાવવાનો પણ રીવાજ છે એ પણ ઉપવાસના પારણામાં અથવા અમસ્તા પણ એક કપ-બેકપ પી શકાય છે.
ડાયાબીટીસવાળાએ આ લાડુડી કે રાબ ન પીવાય એ સાવ ખોટું છે. ડાયાબીટીસવાળાને ખાંડ ત્યાજ્ય છે. ખરેખર તો, ખાંડ જ ત્યાજ્ય છે કારણ કે ખાંડ બનાવવાની જે 'પ્રોસેસ' છે એ જ નુકસાનકારક છે. ચામાં ખાંડ વાપરનાર ડાયાબીટીસનો ભોગ બની શકે છે. ખાંડના બદલે 'સ્યુગર ફ્રી'ની ગોળી પણ નુકસાનકારક છે. કારણ કે લાંબા સમય સુધી એ ગોળી લેનારને બી.પી. કે હાર્ટએટેક કે કીડનીનો રોગ થઈ શકવાની વધુ શક્યતા છે. બાધને જ થાય એવું નથી પણ 'થવાની શક્યતા'નું જોખમ જ શા માટે લેવું? એ કરતાં ખાંડ કે 'સ્યુગર ફ્રી' ની ગોળી વગરની મોળી ચા પીવાની ટેવ પાડવી વધુ સારું છે. ટેવ ન હોય તો ધીરે ધીરે ખાંડ ઓછી કરતા જઈને છ-બાર મહિને ટેવ પાડવી સારી.
જ્યારે ગોળ તો (કેમીકલ વગરનો ગોળ હવે બધે મળે છે. એ ગોળ ચોમાસામાં એબરી જાય છે પણ દાળ, શાક વગેરે વાનગીઓમાં એ ગોળ વાપરવામાં શું વાંધો? એટલે કેમીકલયુક્ત ગોળ વાપરવાનું બંધ કરવું) શુધ્ધ ગ્લુકોઝ છે. એ શેરડીના રસને ઉકાળીને બનાવવામાં આવે છે અને શેરડી તો શુધ્ધ ગ્લુકોઝ છે અને આપણા શરીરમાં ગ્લુકોઝની જરૃર છે. ગ્લુકોઝ શરીરમાં ન જાય તો વળી બીજા રોગ થવાની શક્યતા છે. ડાયાબીટીસવાળાને પણ ગ્લુકોઝ તો જોઈએ છે. દા.ત. ઇન્જેક્શન લે છે અને ડોક્ટર જ કહે છે કે ઇન્જેક્શન લીધા પછી ગ્લુકોઝના ચારેક બિસ્કીટ ખાય લેવા.
એટલે સૂંઠની લાડુડી કે રાબ ગોળ નાંખીને લેવામાં વાંધો નથી.
નવાઈ લાગશે કે જેમને હરસનું દર્દ હોય છે એમને દરરોજ ખાલી પેટે સૂંઠનો પાવડર અને ગોળ ઘીમાં સરખાભાગે ભેળવીને ખાવાથી આઠ-દસ દિવસમાં જ હરસમાં રાહત થવા લાગશે.
મળ જો કઠણ અને બાંધેલો તથા દરદ સાથે ઉતરતો હોય તો સૂંઠ-ગોળનો ઉપરનો ઉપાય પણ કામ કરશે. એટલે કે સૂંઠ અને ગોળ સરખા ભાગે ભેળવીને સવારના નરણા કોઠે લેવાથી ૨૪ કલાકમાં જ આરામ થઈ જશે.
આદુ કાનના રોગોમાં પણ કામ લાગે છે. દા.ત. આદુનો રસ નવશેકો ગરમ કરીને ફક્ત બે ટીપાં જ કાનમાં નાંખવાથી કાનનો દુખાવો દૂર થઈ જશે.
આદુનું અથાણું પણ ઘરમાં બીજા અથાણાઓની જેમ રાખવું જોઈએ. આદુનું અથાણું બનાવવાની રીત આ છે... આદુના નાના નાના ટુકડા કરીને હળદર, સીંધાલુણ અને સરસીયાનું તેલ ભેગા કરીને ઉપર આછું પાતળું કપડું ઢાંકીને તડકે મૂકી રાખો. એ પછી એને જમવામાં દરરોજ દરેક ટંકે લેવાનું રાખો. એટલું યાદ રાખો કે આમાં સિંધાલુણ મીઠું જ હોવું જોઈએ. (પેલું દરિયાના પાણીનું મીઠું પણ હવે કેમીકલયુક્ત આવે છે. એ મીઠું લાંબા ગાળે નુકસાનકારક છે. બી.પી.થી દૂર રહેવું હોય તો સિંધાલુણ જ વાપરવું.)
આ અથાણું નિયમિત ખાવાથી (ટૂંકમાં આદુ નિયમીત) ખાવાથી સાંધાનો દુખાવો, કમરનો દુખાવો, ઢીંચણનો દુખાવો, વા, ફરતો વા, ગળાની ખારાશ, કફ વગેરે આપોઆપ બીજી કોઈ પણ દવા લીધા વિના દૂર થઈ જશે. (સસ્તુ ભાડું અને સિધ્ધપુરની જાત્રા જેવું)
આદુમાં એટલે કે આદુના અથાણામાં લોહીને શુધ્ધ કરવાનો, ઉત્તેજના લાવવાનો, શ્વાસ ચઢતો અટકાવવાનો, સ્નાયુ વિકાર દૂર કરવાનો અદ્ભૂત ગુણ છે. અરે, પેશાબમાં લોહી પડતું હોય તો ૭ ગ્રામ સૂંઠનો પાવડર એક ગ્લાસ દૂધમાં (૨૫૦ ગ્રામ) ઉકાળીને એમાં સાકર નાંખીને પીવાથી રાહત થશે. એક જ વાર પીવાથી રાહત થઈ જવી જોઈએ પણ જો રાહત ન થાય તો બાર કલાક પછી બીજો એવો જ ગ્લાસ પીવો.
આદુનો છોડ, ખરી રીતે તો, દરેક જણે ઘરમાં ઉગાડવો જોઈએ. એ ઉગાડવો બહુ સહેલો છે. આદુની ગાંઠ કુંડામાં કે જમીનમાં માટીમાં દબાવી દો અને એને પાણીનો છંટકાવ સવાર-સાંજ આપ્યા કરો. જમીન સાથે ચોંટી ગયા પછી એ છોડ વખત આવે ઉગીને વધતો જશે. એ પછી જોઈએ ત્યારે એને કિનારાથી હળવા હાથે ખોદીને કાઢી લો. બહાર કાઢતા પહેલાં ક્યારામાં થોડુંક વધુ પાણી નાંખવાથી સહેલાઈથી નીકળી જશે. આદુનો એ છોડ માટીની અંદર જ તુલસી, કેળ, વગેરે છોડની જેમ એકમાંથી અનેક થવા લાગશે.
એનું ખાતર પણ આપણા રસોડામાં છે. દા.ત. બની ગયેલી ચાની પત્તી કચરો પણ કરે છે અને સિંકમાં ક્યારેક જામી જાય છે પણ એ પત્તીને એક વાસણમાં ભેગી કરતા રહીને સાત-આઠ દિવસે પછી છૂટક છૂટક ક્યારામાં નાંખી દો. ફરી ફરી એમ કરતા રહેવું.
જૂનાગઢના ડૉ. અક્ષય સેવક નામના એક સંશોધકે અમદાવાદની બી.વી. પટેલ ફાર્માસ્યુટીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ સેન્ટરમાં આદુનું વિશ્લેષણ પરીક્ષણ કરાવીને એવું પણ શોધી કાઢ્યું છે કે આદુમાં કુદરતી સ્ટીરોઈડ છે.
અત્યારે એલોપથીમાં અને કેટલીક આયુર્વેદિક દવાઓમાં સ્ટીરોઈડ વાપરીને કોઈપણ... કોઈપણ... રોગને બેસાડી દેવાની પ્રવૃત્તિ થાય છે. એ સ્ટીરોઇડ સિન્થેટીક એટલે કે કેમીકલયુક્ત હોય છે એટલે સરવાળે એ ખૂબજ હાનિકારક નીવડે છે જ્યારે આદુમાં તો ભગવાને કુદરતે કુદરતી સ્ટીરોઇડ મૂકેલું છે.. જેમ હળદરમાં કુદરતી એન્ટીબાયોટીક તત્વો છે એમ આદુમાં પણ કુદરતી સ્ટીરોઈડના તત્વો છે. એટલે એ સ્ટીરોઇડ નુકસાનકારક નથી.
જે સિન્થેટીક સ્ટીરોઇડ છે એ પ્રેકનીસોલોન, બેટામોથાઝોન, ડેક્ષામેથાઝોન વગેરે નામે ચાલે છે. જ્યારે કુદરતી સ્ટીરોઇડ આદુમાં વધુ માત્રામાં છે તેમ જ જેઠીમધ, મેથી, ગોખરુ જેવામાં પણ છે. આ બધી વનસ્પતિ આપણે ત્યાં પ્રમાણમાં મફતના ભાવે વેચાય છે. એની કશી જ આડઅસર નથી. જ્યારે સિન્થેટીક સ્ટીરોઇડ બધી જ એલોપથીની દવાઓની જેમ કેટલીય આડઅસર ધરાવે છે.
આપણા શરીરમાં જેમ ઇન્સ્યુલીન છે એમ સ્ટીરોઇડ પણ છે. એને આદુ મદદકર્તા થાય છે. સિન્થેટીક સ્ટીરોઇડ 'નેગેટીવ' અસર કરે છે જ્યારે કુદરતી સ્ટીરોઇડ 'પોઝીટીવ' અસર કરે છે.
આપણા શરીરમાં જે લીવર છે એનું એક કામ શરીરમાંના નુકસાનકારક તત્ત્વોને બહાર કાઢીને ફેંકી દેવાનું છે. એને 'ડીસેકરીફેશન' કહે છે.
આદુ લીવરના એ કામમાં ઝડપ લાવવાનું કામ કરે છે.
આમ, આદુ શરીર માટે સાચી રીતે અમૃત છે. આદુની અવેજીમાં સૂંઠના ગુણ પણ એવા જ છે.
- ગુણવંત છો. શાહ
હોય નહીં !
અમેરિકામાં પણ ''બોમ્બે'' ''દિલ્હી,'' ''મદ્રાસ'' નામના ગામ છે...બોલો !
દુનિયાના ઘણા શહેરોમાં બોમ્બે રેસ્ટોરાં, બોમ્બે હોટેલ છે....દા.ત. ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં રાજકપુર હોટેલ છે.....બેંગકોકમાં ઇન્દિરા માર્કેટની બહાર ફૂટપાથ ઉપર ૧૫-૨૦ ફૂટ ઊંચા ગણેશની મૂર્તિ છે....એમ અમેરિકામાં ''બોમ્બે'' નામનું ગામ ફ્રેન્કલીન કાઉન્ટી, ન્યુયોર્કમાં છે. એની વસતિ ૧૨૦૦ માણસોની છે. મુંબઈમાં જન્મેલી એક હિંદી રાજકુંવરી ન્યુયોર્કના મોટા જમીનદાર માઈકલ હોગાનને પરણેલી. એણે રાજકુંવરીની યાદમાં પોતાના તાબાની વિશાળ જમીનને ''બોમ્બે'' નામ આપેલું. ત્યાં ૧૮૭૭માં પ્લેગનો રોગ ફેલાયેલો.
વોશિંગ્ટન નજીક વળી દિલ્લી નામના બે ગામ છે. ઇલીનોઈસમાં જેરસીવિલે અને ગોડફ્રે વચ્ચે દિલ્હી નામનું એક ગામ છે જેની વસતિ ૧૦૦ જ છે અને બીજાું દિલ્લી નામનું ગામ કેલિફોર્નિયામાં મર્સીડ નામના ગામથી ૩૦ કિમી દૂર છે. એની વસતિ ૧૫,૦૦૦ છે.
કેનેડામાં પણ દિલ્હી નામનું ગામ ઓનટારીઓમાં છે.
જ્યારે મદ્રાસ નામનું ગામ અમેરિકાના ઓરેગોનમાં જેફરસન કાઉન્ટીમાં છે. પહેલાં એનું નામ બેસીન હતું પણ ૧૯૦૩માં એનું મદ્રાસ નામ કરાયું. એની વસિત ૫૦૦૦ છે અને ૫.૬ ચોરસ કિ.મી. એનો વિસ્તાર છે.
|