મુંબઇ -
મુંબઇ પર આ વર્ષે મેઘરાજાની મહેર થઇ છે. શહેરમાં વિપુલ પ્રમાણમાં વરસાદ પડયો છે અને સત્તાવાર રીતે ચોમાસું પૂર્ણ થવામાં હજુ મહિનો બાકી છે. શહેરના વિવિધ વિસ્તારમાં પડેલા વરસાદને ધ્યાનમાં રાખતાં દેવનાર, કુર્લા અને વિલેપાર્લામાં સૌથી વધારે પ્રમાણમાં વરસાદ પડયો છે. એની સરખામણીમાં વિક્રોલી, દાદર અને મલાડમાં સૌથી અલ્પ પ્રમાણમાં મેહુલો વરસ્યો છે.
બૃહન્મુંબઇ મહાનગરપાલિકાનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તેના ૩૫ ઓટોમેટિક વેધર સ્ટેશન્સ (એડબલ્યુએસ) મારફતે સમગ્ર શહેરમાં પડેલા વરસાદની નોંધ રાખે છે. જેના પરથી તૈયાર કરવામાં આવેલા તાજેતરના રિપોર્ટ મુજબ જૂનથી ઓગસ્ટ મહિના દરમિયાન શહેરમાં સરેરાશ ૨,૬૦૮.૨૬ મિ.મી. વરસાદ પડયો છે.
શહેરમાં આ વર્ષે વરસાદનો પ્રથમ છાંટો ૧૧મી જૂનના રોજ પડયો હોવાનું અધિકારીઓ કહે છે. ત્યાર બાદ પણ મુંબઇમાં સતત ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોકે જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડયો છે. સંજોગવશાત્ ટેકિનકલ કારણોસર અન્ય દસ એડબ્લ્યુએસની આંકડાકીય માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
જૂનથી ઓગસ્ટ સુધીના ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન દેવનારમાં કુલ ૩,૪૦૮.૨ મિ.મી. જ્યારે કુર્લા અને વિલેપાર્લામાં અનુક્રમે ૩,૨૫૧.૨ તથા ૩.૧૮૪ મિ.મી. વરસાદ પડયો હતો. એની સરખામણીમાં એ જ તબક્કામાં વિક્રોલીમાં ૨,૦૦૦.૪ મિ.મી. જ્યારે દાદર અને મલાડમાં અનુક્રમે ૨,૦૭૭.૭ તથા ૨,૧૫૯.૩ મિ.મી. વરસાદ પડયો હતો.
શહેરના વિસ્તારોમાં વધતા-ઓછા પ્રમાણમાં વરસાદ પડવાને લીધે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના અધિકારીઓ પણ મૂંઝવણમાં મૂકાયા છે. તોળાઇ રહેલી અણધારી આફત કે હોનારતની અટકળ કરવામાં તેના પરિણામે મુશ્કેલી સર્જાવાની તેમણે શકયતા વ્યક્ત કરી હતી. હવામાન વિભાગના અધિકારીઓના મતાનુસાર શહેરીકરણને પરિણામે વરસાદમાં તફાવત નોંધાયો છે. પુષ્કળ પ્રમાણમાં વૃક્ષોે તથા ટેકરીઓ ધરાવતા અન્ય વિસ્તારની સરખામણીમાં જે વિસ્તારમાં ઝડપથી વિકાસ કાર્ય હાથ ધરવા સાથે જંગલોનું નિકંદન કાઢવામાં આવે છે અને ટ્રાફિકની સમસ્યા ધરાવે છે ત્યાં ઓછા પ્રમાણમાં વરસાદ પડયો છે. મુંબઇના હવામાન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ આર. વી. શર્માના જણાવ્યા મુજબ વરસાદ પડવાનું પ્રમાણ પરિવર્તનશીલ માપદંડ છે અને નજીવો તફાવત ચિંતાજનક નથી. જોકે નોંધપાત્ર તફાવત સજાર્ય તો તે ચિંતાજનક લેખાય એમ પણ શર્માએ ઉમેર્યુ હતું.
આ દરમિયાન વરસાદ વરસવાના વલણના અધ્યયન માટે સર્વગ્રાહી નિરીક્ષણને બીએમસીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના મુખ્ય અધિકારી મહેશ નાર્વેકરે આવશ્યક લેખી હતી. અગ્રણીઓએ વરસાદ પડવાની બાબતનું પૃથક્કરણ કરવું જોઇએ એમ નાર્વેકરે જણાવ્યું હતું. પશ્ચિમ અને પૂર્વના ઉપનગરમાં હંમેશા વિપુલ પ્રમાણમાં વરસાદ પડે છે, પરંતુ શહેરમાં હંમેશાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડતો નથી. તેની પાછળના કારણ તથા તેની અસરનંુ અધ્યયન કરવા પર મહેશ નાર્વેકરે ભાર મૂક્યો હતો.
તેને પરિણામે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સુયોગ્યપૂવર્ક અટકળ બાંધીને તેને અનુરૃપ યોજના ઘડી શકે એમ તેમણે જણાવ્યું હતું.
|