(પી.ટી.આઇ.) બીજીંગ,
પાકિસ્તાનના કબ્જા હેઠળના ગીલગીટ- બાલ્ટિસ્તાન વિસ્તારમાં ૧૧,૦૦૦ જેટલા ચીની સૈનિકો હાજર છે એવા અહેવાલોને આજે પાકિસ્તાનના ચીન ખાતેના રાજદૂતે ઉપજાવી કાઢેલા કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પૂરનો ભોગ બનેલાઓને રાહત પહોંચાડવા ચીનની એક માનવતાવાદી ટીમ અહીં છે, આ વિસ્તારમાં ચીની સૈનિકોની હાજરી નથી.
ચીન ખાતેના પાકિસ્તાનના રાજદૂત મસુદખાને ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઇમ્સ'ને કહ્યું કે, તે અહેવાલ સાચો નથી અને સંપૂર્ણ રીતે ઉપજાવી કાઢેલો અહેવાલ છે.
'ન્યૂયોર્ક ટાઇમ્સ'માં એક અહેવાલ પ્રકાશિત થયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે વ્યૂહાત્મક રીતે મહત્ત્વના ગીલગીટ- બાલ્ટિસ્તાન વિસ્તારમાં ૭૦૦૦થી ૧૧૦૦૦ જેટલા ચીની સૈનિકો હાજર છે. પાકિસ્તાનના રાજદૂત મસુદખાન આ અહેવાલનો ઉલ્લેખ કરી રહ્યા હતા. આ વિસ્તારમાં પાકિસ્તાન સ્થાનિક જનતા તરફથી બળવાખોરીનો સામો કરી રહી છે.
ખાને કહ્યું હતું કે, તે વિસ્તારમાં ચીની સૈનિકો નથી પણ પુરસંકટથી પીડિત સ્થાનિક જનતાને મદદ કરવા ત્યાં હાલમાં ચીનની 'માનવતાવાદી' ટીમ હાજર છે.
ન્યુયોર્ક ટાઇમ્સના અખબારી અહેવાલનો મુદદો એવો હતો કે ગલ્ફ વિસ્તાર સાથે માર્ગ વ્યવહારથી અને રેલવે વ્યવહારથી મુક્તપણે જોડાઈ શકાય તે માટે વ્યૂહાત્મક વિસ્તાર પર પકડ જમાવવા ચીનની યોજના હોવાથી ત્યાં ચીની સૈન્ય રાખવામાં આવ્યું હતું.
ચીનના અખબાર 'ધ ગ્લોબલ ટાઇમ્સે' કહ્યું હતું કે, ન્યુયોર્ક ટાઇમ્સના અહેવાલથી ભારતમાં ખળભળાટ મચી ગયો હતો.
ભારતે સોમવારે કહ્યું હતું કે, ગીલગીટ- બાલ્ટિસ્તાન વિસ્તારમાં ચીનના સૈન્યની હાજરી અંગેના અહેવાલની ખરાઈની તે સ્વતંત્રપણે તપાસ કરી રહ્યું છે. ભારતે વધુમાં કહ્યું હતું કે જો અહેવાલ સાચો હોય, તો તે 'ગંભીર ચિંતા'ની બાબત કહેવાય.
અહેવાલોનો પ્રતિભાવ આપતાં શાંઘહાઈ ઇન્સ્ટીટયૂટ ફોર ઇન્ટરનેશનલ સ્ટડીઝ (એસઆઇઆઇએમ)ના ડાયરેક્ટ ઝાઓ ગેનચેંગે કહ્યું હતુ કે, તે અહેવાલોમાં કરવામાં આવેલી અટકળો બુદ્ધિ વગરની છે તેમણે કહ્યું કે, 'તે વિસ્તારમાં રેલવે લાઇન નાંખવી અને રોડ બનાવવા આડે ઘણી ટેકનિકલ અડચણો આવી શકે છે બીજું જો ચીનની આવી કોઈ યોજના હોય તો પણ તે અર્થતંત્ર અને ઊર્જાના હેતુથી તેમાં અન્ય કોઈ દેશ માટે ખતરો પેદા થતો નથી.'
આ જ વિસ્તારમાં બે હાઇવેનું બાંધકામ કરવા જુલાઈ ૨૦૧૦માં ચીન અને પાકિસ્તાન વચ્ચે કરાર કરવામાં આવ્યા હતા.
|
|