કચ્છ
જન્માષ્ટમીના દિવસે છૂટાછવાયા સ્થળે એક-દોઢ ઈંચ વરસાદ બાદ આજે સૌરાષ્ટ્ર- કચ્છમાં અનેક સ્થળે મેઘસવારી ફરી વળતાં એકથી સાડા છ ઈંચ વરસાદ વરસી ગયો છે. કાળાડિબાંગ વાદળો અને ઘનઘોર અંધકાર વચ્ચે રાજકોટમાં આજે મુશળધાર અઢી ઈંચ વરસાદ તૂટી પડતાં શહેરમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા, જ્યારે ખંભાળિયામાં તાજેતરના ૧૪ ઈંચ વરસાદ બાદ આજે વધુ સવા ચાર ઈંચ વરસાદે સર્વત્ર જળબંબોળ જેવી સ્થિતિ ખડી કરી દીધી હતી.
રાજકોટમાં ગઈકાલે ઉઘાડ નીકળતાં શહેરીજનો તહેવારની મજા મોજથી માણી લેવાના મૂડમાં હતા, પરંતુ આજે બપોર સુધી વરાપ રહ્યા બાદ ૩-૧૫ વાગ્યાથી ધોધમાર તૂટી પડતાં હરવા ફરવાના સ્થળે ઉમટેલા શહેરના અને બહારગામના લોકોમાં દોડાદોડી થઈ પડી હતી. સતત બે કલાક મુશળધાર વરસાદ પડતાં વાતાવરણ ટાઢુંબોળ થઈ ગયું હતું અને અઢી ઈંચ વરસાદે જિલ્લા પંચાયત ચોક, રેસકોર્સ રીંગરોડ, મેળાનું મેદાન, રૈયા રોડ, ગોંડલ રોડ, કાલાવાડ રોડ, પોપટપરા, મીલપરા સહિત ઠેરઠેર જળબંબોળ કરી દીધું હતું. જિલ્લામાં આજે ઉપલેટા ખાતે સવારે ૧૦થી બપોરે ૪ સુધીમાં બે ઈંચથી વધુ પાણી વરસી ગયું હતું, તો ટંકારા અને લોધિકામાં એક ઈંચ કોટડાસાંગાણીમાં ભારે ઝાપટું અને તાલુકાના અનિડાવાછરા ગામે એક જ કલાકમાં બે ઈંચ વરસાદ પડી ગયો હતો. ગઈકાલે માળિયામાં પોણો ઈંચ તથા ધોરાજી- કંડોરણા- જેતપુર- ઉપલેટા- કોટડામાં હળવા ભારે ઝાપટાં વરસી ગયા હતા. ઉપલેટાના વેણુ-૨ ડેમના ચાર દરવાજા તથા મોજ ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા છે.
જામનગર શહેરમાં આજે બપોર સુધી ધ્રાબડીયા વાતાવરણ પછી ધોધમાર એક ઈંચ, લાલપુરમાં દોઢ, જામજોધપુર કાલાવાડમાં અર્ધો ઈંચ તથા કલ્યાણપુરમાં છેલ્લા બે દિવસમાં પોણાં બે ઈંચ વરસાદ પડી ગયો હતો. ખંભાળિયામાં આજે સવારે ૭થી ૯માં બે ઈંચ તથા દિવસ દરમિયાન ઝાપટાં રૃપે વધુ બે ઈંચ જેટલો વરસાદ થતાં ધંધા-રોજગાર બંધ રહ્યા હતા. મોસમનો કુલ ૯૧ ઈંચ થઈ જવા પામ્યો છે. આજે ભાણવડ અને દ્વારકામાં પણ ઝાપટાં વરસ્યા હતા.
સોરઠ પંથકમાં ગઈકાલે પણ તાલાલા- માણાવદર- માંગરોળ- માળિયા હાટીનામાં એકથી સવા ઈંચ તથા અન્યત્ર હળવા-ભારે ઝાપટાં વરસ્યા પછી આજે મેઘસવારી આગળ ધપતાં સુત્રાપાડામાં બે ઈંચ, ઉનામાં દોઢ, તાલાલા- કોડીનાર અને વેરાવળમાં એક, જૂનાગઢ- માણાવદર- વિસાવદરમાં અર્ધો ઈંચ વરસાદ પડી ગયો હતો. તાલાલાના ગ્રામ્ય વિસ્તારમાં ૨થી ૩ તથા ઉનાના ગ્રામ્ય પંથકમાં જામવાળા ૫ ઈંચ, ગીરગઢડા- જડવડલી ૩ ઈંચ ધોકળવા ૨ ઈંચ જેવો વ્યાપક વરસાદ થયો છે. અન્યત્ર આજના હળવા ભારે ઝાપટાં સહિત બે દિવસમાં માળિયા હાટીનામાં કુલ દોઢ, મેંદરડા- કેશોદ- વંથલીમાં અર્ધો ઈંચ વરસાદ પડી ગયો હતો. તાલાલા ગીર પંથકમાં તમામ નદીનાળા આજે પણ છલકાઈ ગયા હતા તથા તાલાલાથી ઉના અને કોડીનાર વચ્ચે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. રેલ ટ્રેક પર પાણી ભરાઈ ગયું હતું.
પોરબંદર શહેર-જિલ્લામાં આજે વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદે તહેવારની મજા બગાડી હતી. પોરબંદર શહેરમાં એક ઈંચ, રાણાવાવમાં અર્ધો ઈંચ તથા કુતિયાણામાં ૬ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આજે બપોરે અમરેલી શહેરમાં ૪ વાગ્યાથી ઝાપટું વરસી ગયું હતું, તો વડીયા અને ધારીમાં પણ ભારે ઝાપટાં અને ચિતલમાં દોઢ ઈંચ વરસાદ પડી ગયો હતો. કચ્છમાં ગઈકાલે ભચાઉ ખાતે અર્ધો ઈંચ તથા ગાંધીધામ સહિત જૂજ વિસ્તારોમાં શ્રાવણી સરવડા વરસ્યા પછી આજે અંજારમાં સવારથી સાંજ સુધીમાં અઢી ઈંચ વરસાદ પડી જા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હા. નખત્રાણામાં એક ઈંચ તથા મુન્દ્રામાં અર્ધો ઈંચ પાણી વરસ્યું છે. ભાવનગર જિલ્લામાં ગઢડા અર્ધો ઈંચ તા મહુવા- વલ્લભીપુરમાં ઝાપટાં તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં આજે લીંબડી ખાતે એક ઈંચ, ચુડામાં અર્ધો ઈંચ અને હળવદ સહિત ઠેરઠેર ઝાપટાં વરસ્યા હતા.