ગાંધીનગર -
ગાંધીનગરના ઘ-૭ એટલે કે પ્રેસ સર્કલ પાસેથી પસાર થતી એક શંકાસ્પદ વાનની પોલીસે તપાસ કરતા વાનમાંથી જુદાજુદા બ્રાન્ડની ૩૯૮ બોટલ વિદેશી દારૃ પકડાયો છે. ગઇ મોડી રાત્રે પોલીસના હાથે લાગેલી આ કારમાંથી ૧,૩૬,૯૦૦ રૃપિયાનો વિદેશી દારૃ અને કાર સહિત ૩,૯૫,૧૦૦નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ ઉપરાંત પોલીસે અમદાવાદના બે બુટલેગરોની પણ ધરપકડ કરી છે.
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી વિદેશી દારૃની હેરાફેરીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક પોલીસ, એલસીબી તેમજ ડીજી વિજીલન્સના સ્કવોડ દ્વારા અઠવાડિયા દરમિયાન લાખો રૃપિયાનો વિદેશી દારૃ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે ગઇ મોડી રાત્રીએ ગાંધીનગરના પ્રેસ સર્કલથી પાસેથી વિદેશી દારૃ ભરેલી કાર પસાર થવાની બાતમીના આધારે સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ ડી.બી.સ્વામિનારાયણે સ્ટાફના માણસો સાથે વોચ ગોઠવી હતી. તેવામાં બાતમીવાળી કારને પોલીસે પકડી પાડી હતી. જેમાંથી જુદી જુદી બ્રાન્ડની ૩૯૮બોટલ વિદેશી દારૃ પકડાયો હતો. એટલું જ નહીં પોલીસે વિદેશી દારૃની હેરફેરી કરતા અમદાવાદના ઉસ્માનખાન સરદારખાન પઠાણ અને અફઝલ હુસેન અલ્તાફહુસેન સૈયદને ઝડપી પાડયા હતા.પોલીસે દારૃ અને કાર મળી ૩.૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને દારૃ ક્યાં મોકલવાનો હતો અને ક્યાંથી લવાયો હતો તેની તપાસ શરૃ કરી હતી.