ગાંધીનગર -
ગાંધીનગર-સરખેજ હાઈવે ઉપર ઉવારસદ ચાર રસ્તા પાસે ગઇ મોડી રાત્રે અમદાવાદનો પરિવાર કારમાં ખેડબ્રહ્માથી પરત અમદાવાદ જઈ રહ્યો હતો ત્યારે રોડ ક્રોસ કરતી તેમની કારને અડફેટે લેતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં માતા-પિતા અને પુત્રનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે પુત્રવધુ અને બે બાળકોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે અડાલજ પોલીસે ટ્રક ચાલક વિરૃદ્ધ ગુનો નોંધીને આજે મોડી સાંજે તેની ધરપકડ કરી લીધી હતી.
અમદાવાદના પાલડીમાં નૂતન સોસાયટીમાં રહેતા અને કાગળના વેપાર સાથે સંકળાયેલા સુરેશચંદ્ર રતીલાલ કંકુવાલા (પટેલ) તેમની પત્ની વિરબાળાબેન, પુત્ર રૃપેશ, પુત્રવધુ નિમિષા, પૌત્રી રૈનિશા અને પૌત્ર ક્રિશ સાથે દરવર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી મહોત્સવ ઉજવવા માટે ખેડબ્રહ્માના ગઢડા શામળાજી ખાતે ગયા હતા. રાત્રિના ૧૨ વાગ્યે જન્માષ્ટમી મહોત્સવ ઉજવીને આ પરિવાર તેમની સ્વિફ્ટ કાર નં. જીજે-૧એનઆર-૨૪૬૪માં અમદાવાદ આવવા માટે પરત ફર્યું હતું. રુપેશભાઈ કાર ચલાવી રહ્યા હતા અને તેમની કાર ગાંધીનગર સરખેજ હાઈવે ઉપર ઉવારસદ નજીક આવી પહોંચી ત્યારે અડાલજથી ઉવારસદ જવાના ચાર રસ્તા ઉપર ટ્રક નં. જીજે-૧વાય-૪૧૬૯ના ચાલકે રુપેશભાઈની કારને અડફેટે લીધી હતી. જેથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૬૫ વર્ષિય સુરેશચંદ્ર, ૬૨ વર્ષિય વિરબાળાબેન અને ૪૦ વર્ષિય રૃપેશભાઈનું ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ નિમિષા અને તેમના પુત્ર પુત્રીને સારવાર માટે ગાંધીનગર સિવિલથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મોડી રાત્રે આ ઘટના અંગે અડાલજ પોલીસને જાણ થતાં પીએસઆઈ આર.આઈ.રાઠોડ સ્ટાફના માણસો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ટ્રક ચાલક વિરૃદ્ધ ગુનો નોંધી તપાસ શરૃ કરી હતી. આ ગંભીર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી અરેરાટી ફેલાઈ છે.
|