| Last Update : 01-Sept.-2010, Wednesday |
|
|
|
|
|
|
| નકસલી જુથ બનાવવાની આરોપીઓની યોજના હતી |
આદિવાસી કલ્યાણના ઓઠા હેઠળ સહાનુભૂતિ મેળવી
નકસલવાદના કેસમાં સંડોવાયેલા ૯ આરોપીઓના જામીનની માંગ સામે સરકાર પક્ષે લેખિત વાંધો ઉઠાવ્યોઃસેશન્સ કોર્ટે જરૃરી અભ્યાસ સુધી ચુકાદો મુલતવી રાખવા નિર્દેશ આપ્યો
|
(પ્રતિનિધિ દ્વારા) સુરત,
શ્રમિક સંગઠન તથા આદિવાસી કલ્યાણની પ્રવૃત્તિના ઓઠા હેઠળ માઓવાદી સંગઠનના ઈશારે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં નકલસવાદી પ્રવૃત્તિનો પગપેસારો કરવાના કેસમાં સંડોવાયેલા નવ આરોપીઓએ કરેલી જામીનની માંગના વિરોધમાં આજે સરકાર પક્ષે લેખિત દલીલો રજુ કરીને વાંધો ઉઠાવ્યો હતો.જેથી મુખ્ય જિલ્લા સેશન્સ જજ વી.પી.પટેલે કોર્ટે બંને પક્ષોની સુનાવણી બાદ જરૃરી પુરાવાના અભ્યાસ સુધી ચુકાદો મુલત્વી રાખવાનો નિર્દેશ આપ્યો હોવાની વિગતો સાંપડી છે.
સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કામદાર યુનિયન તથા આદિવાસી કલ્યાણની પ્રવૃત્તિના ઓઠા હેઠળ નકસલવાદનો ગુજરાતભરમાં પગપેસારો કરવાના કારસામાં સંડોવાયેલા જનશક્તિ પાર્ટી સાથે સંકળાયેલા ૯ આરોપીઓની જામીન મુક્તિ અંગે બચાવપક્ષની દલીલો પુર્ણ થવા પામી છે.જેથી આજે સરકાર પક્ષે ડીજીપી નયન સુખડવાલાએ તમામ આરોપીઓની જામીનના સમર્થનમાં બચાવપક્ષે લીધેલા બચાવનું ખંડન કરતી લેખિત તથા મૌખિક દલીલો કરી હતી.
કામરેજ પોલીસમાં નોંધાયેલા અન લો ફુલ એક્ટીવીટી તથા રાજ્ય દ્રોહના ગુનાની કલમોનો ભંગ બદલ જેલવાસ ભોગવતા આરોપી માકાભાઈ ચૌધરી, ભરત મનસુખ પવાર, વિનાયક કુલકર્ણી, જયરામ ગોસ્વામી, કામખ્યા નારાયણ સિંગ, રામુ ઉર્ફે જાંબુવંત પવાર, સત્યમરાવ અંબાટી, વિશ્વનાથ વર્ધરાજન ઐયર તથા નિરંજન મહાપાત્રની જામીનની માંગના વિરોધમાં આજે સરકાર પક્ષે લેખિત વાંધો ઉઠાવ્યો હતો.
નકસલવાદના કેસમાં સંડોવાયેલા આરોપીઓ આદિવાસી કલ્યાણ માટે કામ કરતાં હોવાની બચાવપક્ષની દલીલનું ખંડન કરતાં સરકાર પક્ષે જણાવ્યું હતુ કે તપાસ દરમિયાન માત્ર આદિવાસી કલ્યાણના ઓઠા હેઠળ આરોપીઓએ આદિવાસીઓના નાના પ્રશ્નોને ઉજાગર કરતા હતા.જંગલની જમીન,ઉકાઈ વિસ્થાપિતોના પ્રશ્નો,હિરા ઘસુ મજુરોના પ્રશ્નો જેવા નાના પ્રશ્નો ઉઠાવીને આવા જુથોની સહાનુભૂતિ મેળવીને પાછળથી નક્ષલી પ્રવૃત્તિ તરફ વાળવાનો આરોપીઓનો હેતુ હોવાનું બહાર આવ્યું છે.
નક્ષલી સાહિત્ય રાખવામાં કોઈ ગુનો ન હોવા સંદર્ભે ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે આરોપીઓની ભૂમિકા માત્ર આ પ્રકારનું સાહિત્ય રાખવા પુરતો સીમિત નથી.પરંતુ તે સાહિત્યની વિચારધારાને ગરીબ આદિવાસી પ્રજાને ભોળવીને નકસલી પ્રવૃત્તિના પ્રચાર માટે પાર્ટીના નાના કેડરો સુધી સાહિત્યનો પ્રચાર કરવાનો હતો.અન્ય માઓવાદી સંસ્થાના કેડરો સાથે સંકલનના ભાગરૃપે આરોપી અવિનાશ કુલકર્ણી દ્વારા સુલત પવાર તથા ભરત પવારને હથિયારની ટ્રેનિંગ માટે કેરલના જંગલમાં મોકલવામાં આવ્યા હતા.જ્યાં સહ આરોપી રામુ પવાર,વિશ્વનાથ, અમર ઉર્ફે દેવેન્દર તથા બીજા કેટલાક કેડરોએ તાલીમ મેળવી છે.
વર્ષ-૨૦૦૪માં સીપીઆઈ જનશક્તિ,સીપીઆઈ માઓઈસ્ટ પાર્ટી વચ્ચેના સંકલનના ભાગ રૃપે આરોપી વરનોન,શ્રીધર તથા પ્રભાકરએ પણ સુરત ખાતેથી અલગ અલગ સમયે કુલ આઠ કેડરો તૈયાર કરીને જંગલમાં હથિયારની ટ્રેનિંગ માટે મોકલાવ્યા હતા.જેમાં બે કેડર પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.
બચાવપક્ષની અલગ રાજ્યની માંગણી એ કોઈ ગુનો નથી તેના વિરોધમાં સરકાર પક્ષે જણાવ્યું હતું કે બંધારણે કોઈપણ કાયદો લોહીયાળ યુધ્ધ કરીને અથવા હથિયાર ઉઠાવી ક્રાંતિ દ્વારા અલગ રાજ્યની માંગ માટે પરવાનગી આપી નથી.સરદાર પટેલે આઝાદી વખતે નાના રજવાડાઓને એક કરીને એક રાષ્ટ્ર બનાવવામાં જહેમત ઉઠાવી હતી.જેમાં હથિયાર કે લોહીયાળ જંગ કર્યા વિના સફળતા મેળવી છે.જયપ્રકાશ નારાયણે પણ ક્યારેય હિંસક આંદોલન કરીને આદિવાસીઓના હકો માટે અલગ રાજ્યની માંગણીની તરફેણ કરી નથી.
સીપીઆઈ માઓઈસ્ટ પાર્ટી પર ૨૦૦૯માં પ્રતિબંધ બાદ કોઈ પ્રવૃત્તિ કરી ન હોવાના વિરોધમાં ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે આરોપીઓ ૧૯૯૩થી ૨૦૧૦ સુધી સીપીઆઈ માઓઈસ્ટ સાથે ગુપ્ત મીટીંગો કરી છે.હાલના કેસના આરોપી નિરંજન મહાપાત્રના ઘરેથી મળેલી એજન્ડા બુકમાં પ્રતિબંધ બાદ પણ બંને પાર્ટીઓની ગુપ્ત મીટીંગો યોજાઈ છે.જેથી હાલના આરોપીઓ વિરુધ્ધ આદિવાસી કલ્યાણની પ્રવૃત્તિના નામે સહાનુભૂતિ મેળવી નક્ષલી વિચારધારાના પ્રચાર પ્રસાર કરીને સરકાર સામે યુધ્ધે ચડવા ગુપ્ત મીટીંગ યોજીને હથિયારની ટ્રેનિંગ આપવા સુધીના ગુનાઈત કારસો રચવાનો પ્રથમ દર્શનીય કેસ છે.જેથી તમામ આરોપીઓની જામીન અરજી રદ કરવા સરકાર પક્ષે માંગ કરી હતી.જેથી કોર્ટે બંને પક્ષોની સુનાવણી બાદ ચુકાદો મુલત્વી રાખ્યો હોવાની વિગતો સાંપડી છે.
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
|
|