ભુજ -
મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામની સીમમાં અદાણી સેઝ માટે ફાળવાયેલી જમીન ઉપર આજે વીજ થાંભલા નાખવાની કાર્યવાહી હાથ ધરાતા ઝરપરાના લોકોએ ગૌચર બચાવ સમિતિના નેજા તળે વિરોધ પ્રદર્શીત કરી આ કામ અટકાવી દેતા આ બનાવના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
મુન્દ્રાના ઝરપરા ગામની જમીનની અદાણી ગુ્રપને 'સેઝ' માટે ફાળવણી થતા આ જમીન ઉપર ગઇકાલે બપોરે વીજથાંભલા ઉભા કરવાની કામગીરી હાથ ધરાતા ઝરપરા ગૌચર બચાવ સમિતિના નેજા તળે ગામ લોકોએ વિરોધ પ્રદર્શીત કરી કામને અટકાવ્યું હતું. ત્યાર બાદ આજે સવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે વીજ થાંભલા નાખવાની કામગીરી હાથ ધરાઇ હતી પરંતુ ગામના એક હજાર લોકો ત્યાં એકત્ર થઇ વિરોધ પ્રદર્શીત કરી કામ ચાલુ કરવા દીધું ન હતું.
મામલતદાર ઝાલાએ જણાવ્યું હતું કે અદાણી દ્વારા વીજપોલ નાખવા માટે કામગીરી હાથ ધરાઇ હતી પરંતુ લોકોએ વિરોધ દર્શાવતા કામગીરી શરૃ થઇ શકી નથી. પી.આઇ. ગઢવીએ જણાવ્યું હતું કે, ઝરપરા તેમજ વીજથાંભલા જ્યાં ઉભા કરવાના છે તે સ્થળે હજુ પેટ્રોલીંગ સાથે પોલીસ બંદોબસ્ત ચાલુ છે.
ઝરપરાના સરપંચ અને ગૌચર બચાવ સમિતિના પ્રમુખ વાલજી ટાપરિયાએ જણાવ્યું હતું કે, ફાળવાયેલી ૧૭૫૯ એકર જમીનમાંથી ૧૦૦૦ એકર જમીન ગૌચર છે. અદાણીને ઝરપરા ગ્રામ પંચાયતે ૧૬-૧-૨૦૦૬ના એન.ઓ.સી. આપી હતી પરંતુ ૧૫-૭-૨૦૦૮ના ઝરપરા ગ્રામપંચાયત દ્વારા ગ્રામજનોની તથા સરકારી અધિકારીઓની હાજરીમાં યોજાયેલી ગ્રામસભામાં કંપનીએ એન.ઓ.સી. રદ કરાઇ હતી. આ પ્રશ્ને ગ્રામલોકો દ્વારા હાઇકોર્ટમાં જવાની તૈયારી હાથ ધરાઇ છે. તેમ જણાવ્યું હતું.