વડોદરા -
એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના અધ્યાપકોએ ચૂંટણી કામગીરીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે. ગઇકાલે એબીવીપીના નેતાઓ દ્વારા બોલાવાયેલા ભાડુતી ગુંડાઓએ કેમ્પસમાં સર્જેલાં આતંકના વાતાવરણના વિરોધમાં ઓજે મળેલી ટેકનોલોજી ટીચર્સ ફોરમની બેઠકમાં આ મુજબનો નિર્ણય લેવાયો હતો.
ટીટીએફના અગ્રણી કે.વી.આર.મૂર્તિએ કહ્યું હતું કે ટીટીએફની આજે મળેલી બેઠકમાં ૯૦ અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સર્વાનુમતે આ બનાવને વખોડી કાઢયો હતો તથા ચૂંટણી કામગીરીનો બહિષ્કર કરવાનો ઠરાવ કર્યો હતો. યુનિવર્સિટી અધ્યાપક મંડળ બુટાને પણ આ આંદોલનમાં સહકાર આપવા જણાવાશે. આ ઉપરાંત વાઇસ ચાન્સેલરને પણ આ હિંસાના બનાવો ધ્યાનમાં લેતા કેમ્પસમાં ચૂંટણી રદ કરવા વિનંતી કરાશે. મૂર્તિએ જણાવ્યું હતું કે આમ પણ ગુજરાતમા હવે કોઇ કોલેજ કે યુનિવર્સિટીમાં ચૂંટણી થતી નથી. માત્ર એમ.એસ.યુનિવર્સિટીમાં જ આ પ્રથા ચાલુ છે તેના કારણએ કેમ્પસનું વાતાવરણ ડહોળાય છે.
ટેકનોલોજી ફેકલ્ટીમિાં ગઇકાલે એબીવીપીના નેતાઓ દ્વારા બોલાવાયેલા ભાડુતી ગુંડાઓ દ્રારા ફેકલ્ટીના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો પર હુમલો કરાયો હોવા અંગે વિરોધ વ્યકત કરવા માટે એનએસયુઆઇ તથા હેપ્પી કલબના નેતાઓ પણ આજે યુનિવર્સિટી સત્તાધીશોન ેમળ્યા હતા અને આ અંગે ઘટતી કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.
બીજી તરફ, આ બનાવમાં બચાવની ભૂમિકામાં આવી ગયેલા એબીવીપીના વિદ્યાર્થીઓએ મુળ બનાવને ભુલી જઇ આ હુમલાનો ભોગ બનનારા વિદ્યાર્થી હર્ષ પંડયાના પિતા ડો. આઇ.આઇ.પંડયા સામે આક્ષેપો શરૃ કર્યા છે. એક અધ્યાપક પણ આ હુમલાનો ભોગ બન્યા હોવાથી આ મામલે એબીવીપી પાસે પોતાના એક નેતાના કૃત્યના બચાવ માટે કાંઇ કહેવાપણ ના રહ્યું હોય તેમ તેમણે ભૂતકાળમાં ડો. પંડયા દ્વારા પણ ટીટીએફની ચૂંટણીમાં કરાયેલા વર્તનનો વર્ષો જૂનો મુદ્દો ઉખેડવા પ્રયાસ કર્યો હતો. તેમણે પણ આ મુદ્દે યુનિવર્સિટી સત્તાધીશોને રજૂઆત કરી હતી.