ભાવનગર - ભાવનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીની તારીખો સત્તાવાર રીતે ભલે હજુ જાહેર થઇ નથી પરંતુ ઓક્ટોમ્બરના પ્રથમ અઠવાડિયામાં ચૂંટણી નિશ્ચિત હોય રાજકિય પક્ષોમાં ગરમાવો આવતો જાય છે. કોઇપણ પક્ષના રાજકિય કાર્યક્રમોમાં કાર્યકરોના ધાડા ભેગા થાય છે. તે નજીકમાં આવતી ચૂંટણીનો પ્રતાપ છે.
મહાનગરપાલિકામાં છેલ્લા ૧૫ વસથી ભાજપનું શાસન છે. સત્તા જાળવી રાખવા માટે ભાજપે ગત ચૂંટણી કરતા આ ચૂંટણીમાં ઝાઝો પરસેવો પાડવો પડશે. છેલ્લા પાંચ વર્ષમાં પ્રજાને સંતોષ થાય તેવો વહિવટ થયો નથી. ફિલ્ટ્રેશન પ્લાન્ટ ખડા કરી દીધા, ટાંકીઓ બનાવી, ડેમ છલોછલ ભર્યો છે. પરંતુ પાણીના વહન માટેની પાઇપ લાઇન જે નવી નાખવાની જરૃર છે તે બાબતે કોઇ કામગીરી ન થતા ભર ચોમાસામાં અને શેત્રુંજીડેમ છલોછલ ભરેલો હોવા છતાં નગરજનોને અઠવાડિયામાં બબ્બે પાણીકાપ સહન કરવા પડે છે.
શેત્રુંજી લાઇન તૂટે ત્યારે વધારાના બે કાપ બીજા સહન કરવા પડે છે. આ માટે ભાજપના વર્તમાન સત્તાધીશોની અણઆવડત અને કૂનેહનો અભાવ પ્રગટ થાય છે. પ્રજાને પાણી જોઇએ છે. ગત શિયાળામાં અને ઉનાળામાં ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી શહેર પાણી વગરનું રહ્યું હતું. છતાં સંવેદના વગરના શાસકોએ પ્રજાની દરકાર લીધી ન હતી. ભૂતકાળમાં એટલે કે અગાઉની બે ટર્મમા ંઇન્ફાસ્ટ્રક્ચરના સાધનો ન હતા છતાં એક જ પાણીકાપ હતો. અરે દુષ્કાળ વખતે શેત્રુંજી ડેમ તળિયા ઝાટક છતાં ભાવનગર તરસ્યું નથી રહ્યું. લોકો આજે આ દિવસોની યાદ કરે છે અને હાલના શાસકોની પ્રજા વિરોધ નીતિ સામે બળાપો ઠાલવે છે.
આગામી ચૂંટણી અગાઉની તમામ ચૂંટણી કરતા વધુ રસાકસીવાળી થશે. કોંગી તેની જૂની ટેવ મૂજબ ભાજપ સાથે બેઠકોમાં નબળા ઉમેદવાર મુકીને ભાજપની જીતનો રસ્તો સરળ કરી દે તો પણ પ્રજા જુદા મુડમાં છે. શહેરમાં છેલ્લા બે વર્ષમાં મજપાએ જબરૃં કાઠુ કાઢ્યું છે. એન.સી.પી. અને સી.પી.એમ. પણ ગાજ્યા જાય તેવા નથી. પ્રજાને કોંગીનો વિકલ્પ મળતો જાય છે. એટલે મુખ્ય રાજકિય પક્ષોના સરવાળા બાદબાકી સામા પડે તેવું લાગતું નથી. જનતા ભીતરથી નિર્ણય કરીને બેઠી છે. જનતાના નિર્ણયો સામે ઉમેદવારો ગૌણ છે.
સત્તાધારી પક્ષમાં આંતરિક જૂથબંધી કરતા સંગઠન સામે અસંતોષ ઝાઝો વધ્યો છે. જૂથબંધીને ટાળી શકાય કે થોડા સમય માટે સુશુપ્ત અવસ્થામાં મુકી શકાય પરંતુ હજારો કાર્યકરોના અસંતોષને સંતોષમાં પરિણમવો અત્યંત મુશ્કેલ છે. કારણ કે તેના માટે સમય ઓછો છે. ચૂંટણી જાહેરનામું આજ કાલમાં બહાર પડયા પછી દરેક પક્ષની ઉમેદવાર નક્કી કરવાની ગડમથળ વધી જશે. અત્યારે તો ટિકીટ વાંરછુકો તેના ગોડફાધર અને પક્ષના કાર્યાલય બાજુ ચક્કર કાપી રહ્યા છે.